ઘાટલોડિયા હત્યા પ્રકરણ:વૃદ્ધ દંપતીની હત્યામાં CCTV વગર આરોપીને પકડવા પોલીસ માટે પડકાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક દયાનંદભાઈ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક દયાનંદભાઈ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનની ફાઇલ તસવીર.
  • ઘાટલોડિયા હત્યા પ્રકરણમાં 2 દિવસ પછી પણ પોલીસને કોઇ જ કડી મળી નથી
  • બાતમીદારોનું નેટવર્ક ઠપ્પ થઈ ગયુ હોવાથી પોલીસ અંધારામાં ફાંફા મારી રહી છે

ઘાટલોડિયા રન્નાપાર્ક પારસમણી સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યામાં 2 દિવસ પછી પણ પોલીસને કોઇ જ કડી મળી નથી. મહત્ત્વની વાત તો એ છે હત્યારા ક્યાંય પણ સીસીટીવીમાં દેખાતા જ નથી. જેથી સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે ગુના શોધવા માટે ટેવાયેલી પોલીસ માટે વૃદ્ધ દંપતિના હત્યારાને પકડવા પડકાર સાબિત થઇ રહ્યો છે. જ્યારે બીજી બાજુ અત્યારની પોલીસનું બાતમીદારોનું નેટવર્ક પણ ઠપ્પ થઇ ગયુ હોવાથી અંધારામાં ફાંફા મારી રહી છે.

પોલીસનું કહેવું છે કે દયાનંદભાઈ અને વિજયાલક્ષ્મી બહેનની હત્યામાં ડોગ સ્કોડ, એફએસએસ, સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ પણ કડી પ્રાપ્ત થઇ શકી નથી. પરંતુ જે રીતે હત્યા કરાઈ હતી તે જોતા લૂંટ કે ચોરીનો ઈરાદે નહીં પરંતુ અંગત અદાવત જ કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા. પરંતુ આરોપી હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી.

જૂના ઘરઘાટીની કલાકો સુધી પૂછપરછ કરી જવા દેવો પડયો
દયાનંદ અને વિજયાલક્ષ્મીના ઘરે ઘરઘાટી પ્રકાશની પોલીસે શંકાના આધારે અટકાયત કરી હતી. જેમાં 24 કલાક કરતાં પણ વધારે સમય સુધી પ્રકાશની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આ હત્યામાં પ્રકાશની સીધી કે આડકતરી કોઇ પણ સંડોવણી નહીં હોવાનું જાણવા મળતા હાલમાં પોલીસે પ્રકાશને જવા દીધો હતો.

નજીકના વર્તુળોની પોલીસ વારંવાર પૂછપરછ કરી રહી છે
ફલેટમાં રિડેવલોપમેન્ટ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વૃદ્ધ દંપતીની હત્યામાં તેમના જ નજીકના કોઇ વર્તુળોની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. જેથી પોલીસ દંપતીના પરિવારના સભ્યો તેમજ સોસાયટીના સભ્યોની વારંવાર પૂછપરછ કરી રહી છે.

ફૂટ પ્રિન્ટને આધારે તપાસ કરવા શંકાસ્પદોને બુટ-ચંપલ પહેરાવાશે
​​​​​​​ભાગેલા હત્યારાના ફૂટ પ્રિન્ટ ઘરમાંથી તેમજ ફલેટની સીડીમાંથી મળી આવ્યા હતા. જેના આધારે એફએસએલની ટીમે ફૂટ પ્રિન્ટ કોની છે તેની તપાસ કરવા માટે પોલીસે તમામ શંકાસ્પદોને વારા‌ફરથી બુટ અને ચંપલ પહેરાવીને પણ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...