• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • CG Road Is Forgotten And Now Ahmedabadis Reach Sindhubhavan Road In Evening, Know The Reasons For More Than 200 Cafes restaurants In 2 Km

સન્ડે બિગ સ્ટોરીકેમ લોકો સિંધુભવન રોડ પર ફરવા જાય છે?:સીજી રોડ ભુલાઈ ગયો ને હવે સાંજ પડતાં જ અમદાવાદીઓ પહોંચે છે સિંધુભવન રોડ, જાણો 2 કિ.મી.માં 200થી વધુ કાફે-રેસ્ટોરાંનાં કારણો

22 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદમાં ભલે કોઈ બાર નથી, નાઈટક્લબ નથી તો પણ અમદાવાદની નાઈટલાઈફની એક અલગ મજા છે. વર્ષો પહેલાં અમદાવાદમાં ફરવા માટે લોકો કાંકરિયા જતા, ત્યારબાદ સીજી રોડ આવ્યો. પરંતુ હવે અમદાવાદની નાઈટલાઈફનું એક નવું ડેસ્ટિનેશન છે અને તે છે સિંધુભવન રોડ. પહોળા RCCના પાક્કા રોડ, નિરાંતે ગાડી પાર્ક કરીને રોડસાઈડના કાફે પર ફેમિલી સાથે એન્જોય કરવાની સવલત, એકદમ સુરક્ષિત વાતાવરણ અને કોઈ કોલાહલ નહીં... આ બધી ફેસિલિટીને કારણે જ આજે સિંધુભવન રોડ અમદાવાદીઓ અને અમદાવાદીઓને ત્યાં મહેમાન બનીને બહારગામથી આવતા લોકોનું ફરવા માટેનું મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. કદાચ આ કારણથી જ એસપી રિંગ રોડથી ગોટીલા ગાર્ડન સુધીના 2 કિ.મી.ના રોડ તથા તેની સાઈડમાં અંદરના રોડના પટ્ટામાં 200થી વધુ નાનાં-મોટાં કેફે આવેલાં છે. મજાની વાત તો એ છે કે દરરોજે સાંજ પડે આ બધાં કેફે ધમધમવા લાગે છે અને રવિવારે તો વાત જ ના પૂછવી..

સિંધુભવન રોડની સાથે રાજપથ રોડનો પણ સિતારો
પાક્કા અમદાવાદીઓ અને બહારગામથી કોઈપણ વ્યક્તિ આવે તો તે આજે સિંધુભવન રોડ પર ચોક્કસ એક વખત ફરવા જાય છે. કારણ કે હવે યંગસ્ટર્સથી લઈ તમામ લોકો માટે એસપી રિંગ રોડથી સિંધુભવન રોડ અને રાજપથ કલબ રોડ ફરવા માટેનું એક નવું સ્થળ બની ગયું છે. શહેરમાં સૌથી વધારે હોટલ, કેફે અને રેસ્ટોરાં પણ સિંધુભવન રોડ અને તેની આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં આવેલાં છે. માત્ર પશ્ચિમ અમદાવાદના જ નહીં, પરંતુ છેક પૂર્વના પટ્ટામાંથી યંગસ્ટર્સ ઉપરાંત હાઈપ્રોફાઈલ લોકો અને આખું ફેમિલી આ વિસ્તારમાં આવેલી મોંઘી હોટલો અને કેફેમાં દરરોજ જતાં જોવા મળે છે. શનિવારે અને રવિવારે સિંધુભવન રોડ અને રાજપથ કલબ રોડ પરની તમામ હોટલ-કાફે અને રેસ્ટોરાં ભરચક જોવા મળે છે.

સાંકડા રોડ, પાર્કિંગની પળોજળમાં સીજી રોડ વિસરાયો
અમદાવાદના પંચવટી પાંચ રસ્તાથી સરદાર પટેલ સ્ટેડિયમ પાંચ રસ્તા વચ્ચે આવેલો સીજી રોડ એક સમયે અમદાવાદના યંગસ્ટર્સ તથા ફેમિલી માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન હતું. તેમાં પણ થર્ટીફર્સ્ટ કે દિવાળીની રાત જેવા તહેવાર હોય કે શનિ-રવિની રજાઓ હોય તો સીજી રોડ ઉપર જાણે કીડિયારું ઊભરાતું. રોડસાઈડ નાનાં-મોટાં ઘણાં કેફે અને રેસ્ટોરાં સતત ધમધમતાં રહેતાં હતાં. પરંતુ સમય જતાં પાર્કિંગની મોટી સમસ્યા થવા લાગી અને સીજી રોડ પર જવાનું લોકો માટે કંટાળાજનક બનતું ગયું. આનું સૌથી મોટું કારણ સાંકડા રોડ અને પાર્કિંગની સમસ્યા હતી. સીજી રોડ ઉપર હાલત એવી થઈ ગઈ કે સંકલ્પમાં ઢોંસો ખાવા જવું હોય તો પાર્કિંગ છેક સ્વસ્તિક ચાર રસ્તાએ કે તેથી પણ આગળ કરવું પડે. હવે આટલું દૂર ચાલીને જવું અમદાવાદીઓને પોષાય નહીં. આ કારણથી લોકો નવું ડેસ્ટિનેશન શોધવા લાગ્યા અને તેવામાં સિંધુભવન રોડ ડેવલપ થતાં અમદાવાદીઓ હેંગઆઉટ માટે તે તરફ વળી ગયા.

200થી વધુ નાનાં-મોટાં કાફે 2 કિ.મી.માં જોયાં છે?
સિંધુભવન રોડ હરવા-ફરવાના શોખીન અમદાવાદીઓનું ફેવરિટ સ્થળ બન્યું તેના પગલે અહીં ઘણાં કાફે તેમજ રોડસાઈડ કીટલી-ટપરી ખૂલી ગયાં છે. એક અંદાજ અનુસાર સિંધુભવન રોડ, રાજપથ ક્લબ રોડ અને એસપી રિંગ રોડની નજીક 200થી વધુ નાના-મોટા ખાણીપીણી સ્ટોલ, હોટલ, કેફે અને રેસ્ટોરાં આવેલાં છે. પ્રખ્યાત કોફીબાર હોય કે નાનાં કાફે, અમદાવાદીઓ તો ગમે ત્યાં સેટ થઈ જાય. હાઈ પ્રોફાઈલથી લઈને ધનાઢ્ય પરિવારના લોકોને પણ સિંધુભવન રોડ પરની કીટલીએ ચા પીવાનો પણ કોઈ સંકોચ નથી. ગાડીના બોનેટ પર કે ડીકી ખોલીને તેમાં છોકરાઓ બેઠેલાં જોવા જ મળે. સાંજ પડે સિંધુભવન રોડ અને રાજપથ ક્લબ રોડ પર હોટલો અને કેફેની બહાર ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે.

તાજ હોટેલની ગલીમાં તો ફૂડકોર્ટ જ ફૂડકોર્ટ
સિંધુભવન રોડ પર આમ તો સંખ્યાબંધ કાફે અને ફૂડકોર્ટ આવેલાં છે. પરંતુ તેમાં સૌથી વધુ ફૂડકોર્ટ સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ જ્યાં મળે છે તે વિસ્તારમાં છે. તેમાં પણ તાજ હોટેલની ગલીમાં ચારથી પાંચ મોટાં ફૂડકોર્ટ આવેલાં છે. આ એક-એક ફૂડકોર્ટમાં 15થી 20 જેટલી અલગ-અલગ ફૂડ શોપ અથવા કાફે આવેલાં છે. આમાં ફ્રીઝેબ ફૂડ પાર્ક, બોગી કેફેસ, ટી પોસ્ટ, સ્ટાર બક્સ કેફેનો સમાવેશ થાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. જ્યારે રાજપથ રોડ પર અર્બન ચોકમાં પણ ખૂબ ભીડ રહે છે. આ ફૂડકોર્ટમાં 200-300 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીની મોંઘામાં મોંઘી કોફી મળે છે. આ ઉપરાંત અવનવી ખાણીપીણીની ચીજવસ્તુઓની વણઝાર લાગે છે જેની મજા માણવા લોકો કલાકો સુધી રહે છે. આ કારણથી જ એવું કહેવાય છે કે અમદાવાદમાં મોંઘામાં મોંઘી ગાડીઓ જોવી હોય તો જાવ સિંધુભવન રોડ પર.

ફ્રી અને મુક્ત પાર્કિંગને લીધે સૌથી વધુ ભીડ
આ વિસ્તારમાં પણ નાના-મોટા ઘણા ફૂડપાર્ક આવેલા છે. ત્યાં ફ્રી પાર્કિંગની સુવિધા મળી રહે છે અને લોકોને પાર્કિંગ કરવા માટે કોઈ પણ તકલીફ પડતી નથી. આ ઉપરાંત સિંધુભવન રોડ પર જવા માટેના રસ્તા RCCના પાક્કા છે અને લગભગ 120થી 130 ફૂટ જેટલા પહોળા છે. જેના કારણે લોકો પોતાની ગાડી પાર્ક કરે તો પણ રોડ પર ટ્રાફિક જામ થઈ જતો નથી અને રોડ તો ખુલ્લો જ રહે છે. લોકો આરામથી પોતાનાં વાહનો કોમ્પલેક્ષના પાર્કિંગમાં કે રોડ સાઈડે પાર્ક કરીને કાફે તેમજ રેસ્ટોરાંમાં જઈ શકે છે. સિંધુભવન રોડ ખૂબ જ મોટો છે અને દરેક જગ્યાએ લોકોને પાર્કિગની પૂરતી સગવડ મળી રહે છે. શનિ-રવિમાં લોકોની ખૂબ ભીડ હોય છે ત્યારે પણ સિંધુભવન રોડ પર કોઈ પ્રકારનો ટ્રાફિક જામ થતો નથી. આ કારણે અવર-જવરમાં લોકોને હેરાનગતિ પણ થતી નથી. લોકોને પોતાનાં વાહનો પાર્ક કરવાની પૂરતી સગવડ, જ્યાં જવું હોય તે કાફે-રેસ્ટોરાંની નજીકમાં જ મળી રહે છે.

પોલીસના સતત ચેકિંગને લીધે સેફ્ટીનો અહેસાસ
હાઇપ્રોફાઈલ લોકો તથા ફેમિલીની અવર-જવર વચ્ચે સિંધુભવન અને રાજપથ ક્લબ રોડ ડ્રગ્સ માટેનું કુખ્યાત સ્થળ પણ ગણાતું હતું. છેલ્લાં બે-એક વર્ષથી આ સિંધુભવન રોડ પર હાઈપ્રોફાઈલ યંગસ્ટર્સ આવે ત્યારે અહીં ડ્રગ પેડલરોનો પણ ત્રાસ હતો. સિંધુભવન રોડ ડ્રગના હબ તરીકે બદનામ થઈ ગયું હતું. પરંતુ પોલીસે સિંધુભવન રોડ પર સતત ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેતા હવે આવી બૂમ પડતી નથી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચથી લઇને સ્થાનિક પોલીસ પણ અવારનવાર સિંધુભવન રોડ પર, ખાસ કરીને ગોટીલા ગાર્ડનથી એસપી રિંગ રોડ સુધીના આસપાસના વિસ્તારમાં ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. સિંધુભવન રોડ પર આવતા લોકોને પોલીસની સતત હાજરી અને પેટ્રોલિંગના કારણે સેફ્ટીનો અહેસાસ થાય છે અને આ કારણે જ અહીં ક્રાઉડ વધ્યું છે.

આ એવી જગ્યા છે જ્યાં ઓપન સ્પેસ મળેઃ મહેક
સિંધુભવન રોડ પર જ દિવ્ય ભાસ્કરની ટીમને ફરવા આવેલી મહેક નામની યુવતી મળી ગઈ. મહેકે જણાવ્યું હતું કે, હવે તો સિંધુભવન રોડ જ નવો સીજી રોડ બની ગયો છે. અહીં મોડી રાત્રે પણ જાવ તો જાગતું અમદાવાદ તમને જોવા મળે છે. સિંધુભવન રોડ હવે એટલા માટે પણ પ્રખ્યાત થઈ ગયો છે કે સૌથી વધારે હોટલ, કાફે અને રેસ્ટોરાં અહીં આવેલા છે. ચાહે પરિવાર સાથે આવ્યા હોવ કે મિત્રો સાથે, દરેકને અહીં ઓપન સ્પેસ મળી રહે છે. અનેક ફૂડની વેરાઈટીઓ પણ સિંધુભવન રોડ પરના સ્ટોલમાંથી મળી રહે છે અને આવી વાનગીઓ પીરસતા ફૂડપાર્ક પણ છે. સિંધુભવન રોડની પહેલાં સીજી રોડ સૌથી વધારે પ્રખ્યાત હતો પરંતુ ત્યાં પાર્કિંગની મોટી સમસ્યા જોવા મળે છે. તેના કારણે હવે લોકો સિંધુભવન રોડ તરફ વળ્યા છે.

મોટા કેફેમાં તો એકસાથે 400 માણસ બેસી શકે
તાજ સ્કાયલાઈન હોટલથી સિંધુભવન રોડની સાઈડના ઔડા આવાસ તરફ જવાના રોડ પર જમણી તરફ ગલીમાં ચારથી પાંચ ખૂબ જ પ્રખ્યાત કાફે આવેલાં છે. આ એવાં કાફે છે જ્યાં એકસાથે 400 લોકો બેસી શકે છે અને ચા-કોફી ઉપરાંત નાસ્તાની મજા માણી શકે છે. આવું જ એક કાફે ટી-પોસ્ટ છે જેની ફેમસ અદરક ચાની ચૂસકી માણવા લોકો મોટી સંખ્યામાં આવે છે. ટી-પોસ્ટની બાજુમાં ટોરીટોસ નામની રેસ્ટોરાં તથા ફ્રીઝેબ ફૂડપાર્ક આવેલું છે. આ ફૂડપાર્કમાં અલગ અલગ 30થી 40 ફૂડ આઇટમો સાથે 50થી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે. આ ઉપરાંત અહીં ગેમ ઝોન અને લાઈવ પરફોર્મન્સ વગેરે તો રોજ હોય જ છે.

અહીં ટ્રાફિકનો પ્રોબ્લેમ જ નહીં, ઓપ્શન પણ વધુઃ તમન્ના
તમન્ના પરમાર નામની યુવતીએ પણ દિવ્ય ભાસ્કરને સિંધુભવન રોડ વિશે જણાવ્યું હતું કે, અમે પહેલાં સીજી રોડ પર ફરવા જતાં હતાં. પરંતુ ત્યાં હવે ટ્રાફિક ખૂબ રહે છે અને પાર્કિંગની તો માથાના દુખાવા સમાન સમસ્યા થઈ ગઈ છે. આ કારણથી જ અમે એકાદ વર્ષ પહેલાંથી સિંધુભવન રોડ તરફ ડાઈવર્ટ થઈ ગયાં. હવે બધા ફ્રેન્ડ્સને આ કન્વિનિયન્ટ સ્થળ રહે છે. સિંધુભવન રોડ પર સૌથી વધારે હોટલ અને કાફે આવેલાં છે. અહીં ટ્રાફિકનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. નવો વિસ્તાર ડેવલોપ થયો છે અને ત્યાં જે રીતે પાર્કિંગની સમસ્યા થતી હોય છે તેવી કોઈ સમસ્યા અહીં થતી નથી. તેના કારણે લોકો હવે અહીં આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

અર્બન ચોકમાં જ્યારે જાવ ત્યારે વેઈટિંગ મળે
રાજપથ ક્લબ રોડ પર અર્બન ચોક નામનું પ્રખ્યાત ફૂડપાર્ક આવેલું છે. અર્બન ચોકમાં 50થી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે જેમાં વિવિધ પ્રકારની પાણીપીણીની ચીજવસ્તુઓ મળે છે. અર્બન ચોકમાં લોકો ઓથેન્ટિક અમદાવાદી ફૂડની મજા માણી શકે છે. અહીં 30થી વધુ ફૂડ આઈટમની વેરાઈટી એક જ સ્થળે મળી રહે છે. અર્બન ચોકમાં જે પણ લોકો નાસ્તો કે જમવા માટે આવે છે તે લોકોના પાર્કિંગ માટેની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અર્બન ચોકની બાજુમાં અને સામેની તરફના રોડ ઉપર આવેલા બે પ્લોટમાં પાર્કિંગ રાખવામાં આવ્યું છે. અહીં આવનારા લોકોની ગાડીઓ આ પ્લોટમાં પાર્ક કરી શકે છે. જેથી પાર્કિંગની પણ કોઈ સમસ્યા રહેતી નથી.

મોડી રાત્રે યંગસ્ટર્સ સ્ટંટ કરે, દિવાળીએ ફટાકડા ફૂટે
સિંધુભવન રોડ યંગસ્ટર્સ માટે ખાણીપીણી અને ફરવા માટેના સ્થળ ઉપરાંત અવનવા સ્ટંટ કરવાનું પણ ફેવરિટ સ્થળ છે. રાત્રિના સમયે ખુલ્લા રોડ પર સ્ટંટબાજો અહીં સ્ટંટ કરતા રહે છે. મોંઘીદાટ બાઈકો અને ગાડીઓમાં અવનવા સ્ટંટ પણ સિંધુભવન રોડ ઉપર થતા જોવા મળ્યા છે. જો કે આવા સ્ટંટબાજોને પોલીસે પકડીને જેલની હવા પણ ખવડાવી છે. દિવાળીના તહેવાર દરમિયાન સિંધુભવન રોડ પર ગાડી ઉપર ફટાકડા રાખીને ફોડવામાં આવે છે. જો કે, આવી ભયજનક રીતે ફટાકડા ફોડવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરીને આવા યુવકોની ધરપકડ કરી હતી. આ અગાઉ પણ બાઈક ઉપર સ્ટંટ કરનારા યુવક-યુવતીઓ જેલની હવા ખાઈ ચૂક્યાં છે.

સિંધુભવન રોડ પર બનશે બોડકદેવ પોલીસ સ્ટેશન
અમદાવાદમાં સિંધુભવન રોડ ઉપર બોડકદેવ પોલીસ સ્ટેશનને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. આખરે 5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન માટે નવાં સાધનો અને નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જેમાં સોલા સાયન્સ સિટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. આ વિસ્તારો પહેલાં વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા હતા. આ પહેલાં પણ 4 વખત પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી. જોકે તેની શરૂઆત થઈ શકી ન હતી. ત્યારે મંજૂરીનાં 5 વર્ષ બાદ બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ થશે. જેને લઈ વિસ્તારના હદના સમાવેશને લઈ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...