રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય:ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે, બાળકોના અભ્યાસ, સરકારી યોજનાના લાભમાં ફાયદો થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની યોજનાઓના લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તેવા જનહિત ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ડિજિટલ ગુજરાત અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે. જેના કારણે વાલીઓના આવકપ્રમાણપત્રથી બાળકોના અભ્યાસ, વિવિધ સરકારી યોજના, હાલમાં ચાલતી આયુષ્યમાન મા કાર્ડની મેગા ડ્રાઈવ સહિતના યોજનામાં ઉપયોગી થશે.

ઈસ્યૂ કરાયેલી તારીખથી 3 વર્ષ સુધી માન્ય રહેશે
ભૂપેન્દ્ર પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યૂ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે.

તલાટીએ ગ્રામ્ય કક્ષાએ કાઢેલા આવકના પ્રમાણપત્રની અવધિ વધારાઈ
રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહી. આ અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગે બહાર પાડ્યા છે.