નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 2 મે, વૈશાખ સુદ-બીજ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) સૌરાષ્ટ્ર, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં આજે પણ હીટવેવની આગાહી
2) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સના પ્રવાસે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભાજપના નેતાઓ સાથે નરેશ પટેલની 'સવારી':જામનગરમાં પોથીયાત્રામાં નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટુંડિયા એક જ રથમાં સવાર થયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જો઼ડાશે તેનું સસ્પેન્સ યથાવત છે. તેની વચ્ચે રવિવારે નરેશ પટેલ જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે યોજાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. નરેશભાઈએ પોથીયાત્રા દરમિયાન વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, અને શંભુપ્રસાદ ટુંડિયા સાથે રથમાં સવાર થયા હતા.
2) નવાજૂનીના એંધાણ:પાટણ અને સિદ્ધપુરના કૉંગ્રેસી ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે બેઠક યોજી, અનેક તર્કવિતર્ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેટલાક કૉંગ્રેસના ધારાસભ્યો કેસરિયા કરવાની તૈયારીમાં હોવાની પૂરજોશમાં ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે રવિવારે પાટણ અને સિદ્ધપુરના કૉંગ્રેસી ધારાસભ્યોએ પાટણ આવેલા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે બેઠક કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. જો કે, કિરીટ પટેલે આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
3) આદિવાસી સંકલ્પ મહાસંમેલન:ભરૂચમાં કેજરીવાલે કહ્યું- 'ગુજરાતમાં ભાજપને 'આપ'થી ડર લાગે છે એટલે વિધાનસભાની ચૂંટણી વહેલી આવી શકે'
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ આજે આપ અને BTP દ્વારા ભરૂચના ચંદેરિયામાં આદિવાસી સંકલ્પ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. સંબોધન દરમિયાન કેજરીવાલે સંભાવના વ્યકત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને આપથી ડર લાગી રહ્યો છે એટલે વિધાનસભાની ચૂંટણી વહેલી આવી શકે છે.
4) પાટીલ-કેજરીવાલ વચ્ચે ટ્વીટર વોર:પાટીલની ટ્વીટ-કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ, કેજરીવાલની ટ્વીટ- લોકો કહે છે ગુજરાત સરકાર એ જ ચલાવે છે
બે મહિના પહેલા દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી સમયે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાનને સપોર્ટ કરતા હોવાને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે નિશાન તાકતા ટ્વીટ કર્યું કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. જ્યારે કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, ભાજપને અધ્યક્ષ બનાવવા એક પણ ગુજરાતી ન મળ્યા? મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપ અધ્યક્ષ છે. લોકો કહે છે કે, એ માત્ર અધ્યક્ષ નથી, ગુજરાત સરકાર એ જ ચલાવે છે. રિયલ સીએમ એ જ છે.
5) બાંગ્લાદેશમાં હિન્દુ નેતાઓને બીફ પીરસવામાં આવ્યું, ઈફ્તાર પાર્ટીમાં બીજી ડિશની વ્યવસ્થા ન હતી, સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ બાંગ્લાદેશના સિલહેટ જિલ્લામાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન BNPના હિન્દુ નેતાઓને પણ ગૌમાંસ એટલે કે બીફ પીરસવામાં આવ્યું હતુ. આ ઈફ્તાર પાર્ટીમાં 20 થી વધુ હિન્દુઓ સામેલ થયા હતા. હિન્દુ સમુદાયના પત્રકારોને પણ પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા, તેમને પણ કથીત રીતે ગૌમાંસની ઓફર કરવામાં આવી હતી.
6) GST કલેક્શનનો નવો રેકોર્ડ સર્જાયો, એપ્રિલ 2022માં GSTની કુલ આવક 1.67 લાખ કરોડ થઈ, જે ગયા વર્ષ કરતાં 20% વધુ
GST કલેક્શનમાં ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. એપ્રિલ 2022માં GSTની કુલ આવક રૂ. 1,67,540 કરોડ થઈ છે. આમાં CGST 33,159 કરોડ, SGST રૂ. 41,793 કરોડ, IGST રૂ. 81,939 કરોડ અને સેસ રૂ. 10,649 કરોડ છે. અગાઉ માર્ચ મહિનામાં GSTકલેક્શન રૂ. 1,42,095 કરોડ રહ્યું હતું. એપ્રિલ 2021ની વાત કરીએ તો ત્યાં 1,39,708 કરોડનું GST કલેક્શન થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 20%નો વધારો થયો છે.
7) સમગ્ર ઉત્તર ભારત કાળઝાળ ગરમીની ઝપેટમાં, 122 વર્ષ બાદ એપ્રિલ સૌથી વધુ ગરમ રહ્યો; 2 મે પછી રાહતની આશા
આકાશમાંથી સૂર્ય સતત અગ્નિ વરસાવી રહ્યો છે. તાપમાનમાં વધારો અને ગરમ પવનને કારણે લગભગ સમગ્ર ઉત્તર ભારત કાળઝાળ ગરમીની ઝપેટમાં આવી ગયું છે. સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશનાં બુંદેલખંડના બાંદા જિલ્લામાં નોંધાયું છે. અહીં તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. દિલ્હી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાત સ્થાપના દિને 9.38 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થાંમાં 3%નો વધારો
2) રાજકોટમાં આકરા તાપમાં લોકોને ઊભું ન રહેવું પડે તે માટે બપોરે 1થી 4 તમામ સિગ્નલ બંધ રખાશે
3) આગામી 3 વર્ષ સુધી FRC દ્વારા ફીમાં વધારો ના આપવા વાલી મંડળની માંગણી
4) સુરતમાં આપના કોર્પોરેટરોના પાલિકાના સામાન્ય સભાના ખંડમાં ધરણા, પાલિકાના માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા
5) સૌરાષ્ટ્ર-કચ્છના આરોગ્ય કર્મીઓની રાજકોટમાં ‘શબ્દોથી નહીં ગ્રેડ-પેથી સન્માન કરો’ના બેનર સાથે રેલી
6) અમેરિકામાં ફુડ ફેસ્ટિવલમાં ફાયરિંગ,મિસિસિપીમાં મે દિવસની ઉજવણી કરી રહેલા લોકો પર અંધાધુંધ ફાયરિંગ; એકનું મોત 5 ઘાયલ
7) કોરોનાની ચોથી લહેરના ભણકારા, દેશમાં 24 કલાકમાં કોરોનાના 3246 નવા કેસ, દિલ્હીમાં સંક્રમણ વધ્યું, 1520 કેસ મળ્યા, એકનું જ મોત
8) હનુમાન ચાલીસા-અઝાન વિવાદ:ભજન સમ્રાટ અનુપ જલોટાએ કહ્યું, 'બંને મધુર છે, બસ મોટેથી વગાડવા જોઈએ નહીં'
આજનો ઈતિહાસ
વર્ષ 2003માં આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથે રાજકીય સંબંધોને ફરી તોડવાની જાહેરાત કરી, વર્ષ 2001માં સંસદ પર આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું હતું.
અને આજનો સુવિચાર
સંકલ્પ કરો કે આજે હું એ કરીશ જે બીજાએ નથી કર્યું, જેથી એ કરી શકું.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.