કોલેજમાં ભણતાં બાળકો નવા વિચારોથી નવા સંશોધન કરે છે, જેમને સ્ટેન્ડ આપવા અનેક સ્ટાર્ટઅપ સેન્ટર છે, જેમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં GUSEC પણ એક સેન્ટર છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીમાં GUSEC દ્વારા સ્કૂલમાં ભણતાં બાળકોના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે એક સેન્ટર શરુ કરવામાં આવશે. આ સેન્ટરમાં બાળકો રૂબરૂ મુલાકાત કરી શકશે અને પોતાના વિચારો રજુ કરી શકશે.
GUSEC અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે સેન્ટર ચલાવવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે GUSEC સેન્ટર આવેલું છે. આ સેન્ટરમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા, પૂર્વ વિદ્યાર્થી અથવા બહારના પણ કોઈ વ્યક્તિના સ્ટાર્ટઅપ કે ઇનોવેશનને વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અત્યારે જમાનો ડિજિટલ થયો છે નાનાં બાળકોના વિચારો પણ હવે અલગ હોય છે ત્યારે નાનાં બાળકોના વિચારને વેગ મળે એ માટે ગુજરાત યુનિવર્સિટીના GUSEC દ્વારા એક સેન્ટર ઊભું કરવામાં આવશે. GUSEC અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે સેન્ટર ચલાવવામાં આવશે.
સ્કૂલમાં ભણતાં બાળકો પોતાના વિચારો અરજી સ્વરૂપે રજૂ કરી શકશે
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર સ્કૂલમાં ભણતાં બાળકો માટે હશે. સ્કૂલમાં ભણતાં બાળકો પોતાના વિચારો અહીં અરજી સ્વરૂપે રજૂ કરી શકશે. એ બાદ અરજીને GUSEC દ્વારા અભ્યાસ કરવામાં આવશે. બાળકોની યોગ્ય અરજીની પસંદગી કરીને તેના વિચારો વિસ્તૃતમાં જાણવામાં આવશે અને બાદમાં બાળકને જરૂરી તમામ વસ્તુઓ પૂરી કરીને સ્ટાર્ટઅપમાં મદદ કરવામાં આવશે.
બાળકોને ઇનોવેશન સેન્ટરની મુલાકાત કરાવાશે
બાળકોને આ અંગે વધુ જાણકારી મળે એ માટે GUSEC દ્વારા જ અમદાવાદથી શરુ કરીને રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન સેન્ટરની મુલાકાત કરાવવામાં આવશે. અહીં બાળકોને નાની તમામ વસ્તુઓની જાણકારી આપવામાં આવશે. બાળકોના પ્રશ્નોના જવાબ મળી શકે એ માટે પણ કોઈ નિષ્ણાત વ્યક્તિ હાજર રહેશે. બાળકોને સ્કૂલે લાવવાથી લઈ સ્કૂલથી પરત મૂકવા સુધીનો ખર્ચ પણ GUSEC દ્વારા ઉઠાવવામાં આવશે.
કોર્સ સંપૂર્ણ ઓનલાઈન જ રહેશે
આ ઉપરાંત સ્કૂલમાં ભણતાં તમામ બાળકો માટે ઓનલાઈન ઇનોવેશનને લઈને કોર્સ પણ વિનામૂલ્યે ભણાવવામાં આવશે. આ કોર્સ સંપૂર્ણ ઓનલાઈન જ રહેશે. આ કોર્સમાં 15 મિનિટ જ ભણાવવામાં આવશે, એ બાદ 5 મિનિટની MCQ ટેસ્ટ લેવામાં આવશે. જેથી બાળકો કેટલું શીખી શક્યા એ જાણી શકાશે. પરીક્ષા પરથી હોશિયાર બાળકોની ઓળખ થઇ શકશે અને બાળકોને રૂબરૂ સેન્ટર પર બોલાવીને વધુ શીખવી શકાશે.
મહિનાના અંત સુધીમાં થશે સેન્ટરનું ઉદઘાટન
GUSECના ગ્રુપ CEO રાહુલ બાગચંદાનીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વિક્રમ સારાભાઇ ઇનોવેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે. એ બાદ આ સેન્ટર કોરોનાને કારણે 2-3 મહિના ડિજિટલ માધ્યમથી ચલાવવામાં આવશે. એ બાદ ફિઝિકલી શરૂ કરાશે. રોજ 100થી વધુ બાળકો મુલાકાત લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. બાળકોના સારા ઇનોવેશન હશે તો તેની પર ફંડિંગ. મટીરિયલ,પેટન્ટ સહિતની તમામ મદદ કરવામાં આવશે. બાળકોને ઇનોવેશન અંગે ભણાવવામાં આવશે, જેથી તેમના વિચારોનો પણ વિકાસ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.