કન્ઝયુમર પ્રોટેકશન ઈ-કોમર્સના કાયદામાં સુધારો થશે:ઈ-કોમર્સના કાયદામાં સુધારા માટે કેન્દ્રએ CERCના ત્રણ સૂચનો સ્વીકાર્યાં, જાણો કયા કયા સૂચનો કર્યાં

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી જવાબ ન મળવાના કારણે ખરીદી કરનાર ગ્રાહકે રઝળી પડવાનો વારો આવે છે - Divya Bhaskar
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી જવાબ ન મળવાના કારણે ખરીદી કરનાર ગ્રાહકે રઝળી પડવાનો વારો આવે છે

દિવસેને દિવસે ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેની સાથે જ ઓનલાઇન શોપિંગ કરતા ગ્રાહકોના હિતનો મુદ્દો પણ અવારનવાર ચર્ચાનો વિષય રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર કન્ઝયુમર પ્રોટેકશન ઈ-કોમર્સના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જે સંદર્ભે અમદાવાદના કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર(CERC) દ્વારા કરવામાં આવેલ ત્રણ મહત્વપૂર્ણ સૂચનોને કેન્દ્રના કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ સ્વીકાર્યા છે.

વેચનારની જ નહીં પણ ઈ-કોમર્સ કંપનીની પણ જવાબદારી નક્કી કરો
અમદાવાદ CERCના એડવોકેસી ઓફિસર અનુસુયા ઐયરે દિવ્યભાસ્કર સાથે ખાસ વાત કરતાં જણાવ્યું કે તેમના દ્વારા ત્રણ ખાસ મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા હતા. જે પૈકી મુખ્યત્વે 'ફોલ બેક લાયબલિટી' કલમ અંતર્ગત, ઓનલાઇન શોપિંગમાં ગ્રાહકોને છેતરપિંડી થાય એટલે કે ગ્રાહકએ મંગાવેલ ચીજવસ્તુ અલગ હોય કે પછી નકલી હોય, તેની જવાબદારી ન માત્ર વેચનાર પર પરંતુ ઈ-કોમર્સ કંપનીની પણ હોવી જોઈએ, જેથી ગ્રાહકોનું હિત જળવાઈ રહે.

CERCના એડવોકેસી ઓફિસર અનુસુયા ઐયર
CERCના એડવોકેસી ઓફિસર અનુસુયા ઐયર

ડિલિવરી ન મળે ત્યારે ઈ-કોમર્સ વેબસાઈટ હાથ અદ્ધર કરે છે
હાલ ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે, કે જ્યારે ગ્રાહક ઓનલાઈન શોપિંગ કરે છે અને તેને ડિલિવરી નથી મળતી ત્યારે ઈ-કોમર્સ વેબસાઈટ હાથ અદ્ધર કરે છે અને વેચાણકાર પર જવાબદારી ઢોળી દે છે. જેથી જે-તે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી જવાબ ન મળવાના કારણે ખરીદી કરનાર ગ્રાહકે રઝળી પડવાનો વારો આવે છે. જેથી માત્ર ગ્રાહકને ડિલિવરી જ નહીં પણ ખોટી કે નકલી પ્રોડક્ટ મળવા પર પણ કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ કરતા દુકાનદારને પેનલ્ટી કરો
બીજું મહત્ત્વનું સૂચન એ કરવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર વેચાણ કરતા દુકાનદાર સામે ગ્રાહકને છેતરપિંડીના કિસ્સામાં માત્ર બ્લેકલિસ્ટ નહીં, પરંતુ પેનલ્ટીની પણ જોગવાઇ કરવી જોઈએ. જેથી કરીને દુકાનદારો ઓનલાઇન બિઝનેસમાં ગંભીરતા દાખવે અને ગ્રાહકોને તેનો સીધો ફાયદો થાય.

ગેરમાર્ગે ન દોરે તે માટે ઈ-કોમર્સ કંપનીની જવાબદારી નક્કી કરવી
એટલું નહીં પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર કેટલીક પ્રોડક્ટની જાહેરાત કરે છે. જેમાં કેટલાક કિસ્સા એવા હોય છે કે, જેનાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. જે ન થાય તે માટે પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું છે.

CERCના મહત્વપૂર્ણ સૂચનોને લઈને કેન્દ્ર સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગ સાથે બેઠક પણ થઇ હતી, જેમાં તેને ધ્યાને લેવામાં આવ્યા છે. સાથે જ હજુ વધારે સલાહ-સુચન અને ઈનપુટ આપવા માટે પણ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ સંદર્ભે ઓનલાઇન શોપિંગને કેન્દ્રમાં રાખી, કાયદામાં એક મહત્વપૂર્ણ સુધારો કરવાની કામગીરી આરંભી છે, જે અંતર્ગત આ સલાહ સૂચન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...