‘જનજાતિ ગૌરવ દિવસ’:આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત GTU ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021થી 15 નવેમ્બરના રોજ જનજાતી સમાજ માટેના હકો અને તેમના જળ, જમીન અને જંગલ માટે અંગ્રેજો સામે શસ્ત્રો ઉઠાવી બલિદાન આપનાર મહાન ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મજ્યંતિને “જનજાતિ ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે આપણા અનેક જનજાતિ નાયકોએ પોતાનું બલિદાન આપ્યું છે. ઈતિહાસના આવા કેટલાય વિરસપૂતો અને જનજાતિ નાયકોને યાદ કરતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ જીટીયુ ખાતે “જનજાતિ ગૌરવ દિવસની” ઉજવણી કરી હતી.

જનજાતી સમાજ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, જનજાતી સમાજ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આઝાદીની અનેક ચળવળોમાં તેઓએ પોતાના શોર્ય અને બલિદાન થકી અંગ્રેજોને હંફાવ્યા છે. આપણી સાચી સંસ્કૃતિ આજે પણ જનજાતી સમાજમાં જીવંત છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે કહ્યું હતું કે, આજની યુવાપેઢીને ઈતિહાસના દરેક પ્રકરણો વિશે અવગત થવું જરૂરી છે. કાર્યક્રમના સફળ સંચાલન બદલ જીટીયુ આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર સુમિત એન. પટેલ અને સન્માનિત તમામ વ્યક્તિ વિશેષને અભિનંદન પાઠવ્યા હતાં.

જનજાતિ સમાજના 9 વ્યક્તિને સન્માનિત કરાયા
ટેક્નોલોજી, શિક્ષણ, સમાજસેવા, ભાષા જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વિશેષ યોગદાન આપનાર જનજાતિ સમાજના 9 વ્યક્તિ વિશેષને આ પ્રસંગે જીટીયુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પીરામીડ સોલર સ્ટીલ ઓક્યુમેન્ટેડ વીથ ફુનેલ પર પેટન્ટ મેળવનાર પ્રો. શીરિષ પટેલ, સુરત જિલ્લાના બોરીયા ગામ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓપન લાઈબ્રેરી શરૂ કરનાર અને જનજાતિ સમાજની ધોડિયા ભાષામાં વિવિધ ગીતો લખનાર તેમજ તેમના પરંપરાગત રીવાજોથી યુવાઓમાં જાગૃતિ કેળવનાર જીમીલ પટેલ, લાયન્ટ્રા સ્ટાર્ટઅપના અનાલી પટેલ, કેમિકલ એન્જિનિયરીંગ ક્ષેત્રે 20થી વધુ રીસર્ચ પેપર રજૂ કરનાર અને પી.એચ઼ડી ગાઈડ પ્રો. ડૉ. પરેશ રાણા, વર્ષ 2022ની સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની ટીમ પ્રતિવચનના મેન્ટર પ્રો. ડૉ. હેતલ જોષીયારા, સરદાર પટેલ જૂનીયર અને સિનિયર બંન્ને તથા નારી શક્તિ એવોર્ડ વિજેતા કલાવતીબેન કોટવાલ, ટ્રાયથોન ગેમ્સમાં રાજ્ય સ્તરે વિજેતા વિમલચંદ્ર પટેલ, મટેરીયલ સાયન્સ અને નેનો ટેક્નોલોજીમાં વિશેષ યોગદાન આપનાર ડૉ. ચંદ્રશેખર ગામીત અને પાયથો ફાર્માક્નોગ્નોસ્ટીકલ ક્ષેત્રે પી.એચડી કરનાર ડૉ. હેતલ ગાવીતને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન જનજાતીઓના વિવિધ આંદોલનો, વિદ્રોહો, સંઘર્ષ અને સશસ્ત્ર સંગ્રામો અને જનજાતી નાયકો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...