આક્ષેપ:CDHO સેનીટાઇઝરની ખરીદીમાં કોઈ માહિતી આપતા નથી: ચેરમેન

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સમિતિના ચેરમેનની રજૂઆત બાદ બદલી

કોરોનાની મહામારી દરમિયાન  રૂપિયા દોઢ કરોડના સેનીટાઇઝર ની ખરીદીનો  હિસાબ, ખુલાસો કે માહિતી નહીં આપવા બદલ અમદાવાદ જિલ્લા પંચાયતના  મુખ્ય  આરોગ્ય અધિકારી  (સી.ડી.એચ. ઓ) નો વિવાદ વકર્યો છે. ફરજ પર બેદરકારી દાખવનાર ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ સતીશ મકવાણાની બદલી કરવા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેને  આરોગ્ય સચિવ સહિત મંત્રી સુધી  રજૂઆત કરી છે. બીજીબાજુ ચેરમેનની રજૂઆત બાદ સરકાર દ્વારા સી.ડી.એચ.ઓ સતીશ મકવાણાની સોમવારે બદલી કરી દેવાઈ છે.

જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ સતીશ મકવાણા   ફરજ પર બેદરકારી દાખવવા બદલ તેમને અગાઉ પણ ઠપકો મળ્યો હતો.  જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયાએ સી.ડી.એચ.ઓ સતીશ મકવાણા મનસ્વી રીતે કાર્ય કરતા હોવાની જણાવતા કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં ગ્રામ્ય વિસ્તારમાં વિઝીટ કરતા નહોતા.  માત્ર આરડીડી ઓફિસમાં જ બેસીને કામગીરી કરે છે. જિલ્લાના પદાધિકારીઓ ને પણ કોઈપણ પ્રકારની માહિતી આપતા નથી. તેમના વિરુદ્ધ સભ્યોને વ્યાપક રોષ છે. જેના પગલે ગત સામાન્ય સભામાં તેઓ વિરુદ્ધ ઠરાવ પણ થયો હતો.

આરોગ્ય ચેરમેને આક્ષેપ કર્યો છે કે, કોરોનાની મહામારીના લીધે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા દોઢ કરોડના સેનીટાઇઝર સહિતની વસ્તુઓ ખરીદવામાં આવી હતી. આ ખરીદિમા મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું બહાર આવતા સી.ડી.એચ.ઓ પાસે ખુલાસો માંગ્યો હતો. પરંતુ હજી સુધી સી.ડી.એચ.ઓ સતીશ મકવાણાએ કોઈ ખુલાસો આપ્યો નથી. તેઓ ડીડીઓને પણ કોઈ જવાબ આપતા નથી. જેથી સી.ડી.એચ.ઓની બદલી કરવામાં આવે. તેવી ચેરમેને આરોગ્ય સચિવ અને મંત્રી સમક્ષ રજૂઆત કરતા સોમવારે ઇન્ચાર્જ સતીશ મકવાણા ની બદલી કરી શિલ્પા યાદવને ચાર્જ સોંપાયો છે. 

અન્ય સમાચારો પણ છે...