ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા ચેતી જજો:SG હાઈવે પર ઓવર સ્પીડ હશે તો CCTV ઝડપી પાડશે, મેમો ઘરે આવશે; પ્રાયોગિક ધોરણે અઠવાડિયામાં અમલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્પીડ ગન ફેઈલ જતાં CCTVમાં જ નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાશે
  • ડાર્ક ફિલ્મ, હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં હોય તો પણ ઈ-મેમો, 5થી વધુ મેમો ન ભરો તો વાહન જપ્ત

એેસજી હાઈવે પર ઓવરસ્પીડમાં વાહન ચલાવ્યું તો હવે સીસીટીવી ઝડપી પાડશે અને ઘરે મેમો આવશે. અઠવાડિયામાં પ્રાયોગિક ધોરણે આનો અમલ થશે. સ્પીડ ગન ફેઈલ જતાં ટ્રાફિક પોલીસે ચારરસ્તા પરના સીસીટીવીમાં જ નવું સોફ્ટવેર ઉમેરવાની તૈયારી કરી છે. એસજી હાઈવે પછી શહેરના અન્ય વિસ્તારોના સીસીટીવીમાં પણ આ સોફ્ટવેર ઈન્સ્ટોલ થશે. ઓવરસ્પીડ ઉપરાંત ડાર્ક ફિલ્મ, હેલમેટ કે સીટ બેલ્ટ નહીં હોય તો પણ મેમો આવશે. 5 મેમો નહીં ભરનારનું વાહન જપ્ત થશે.

ટ્રાફિકના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી કે, હાલમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતા પોલીસ કર્મચારી અને લોકો વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બને છે. થોડા સમય અગાઉ નરોડામાં પોલીસ કર્મચારીને દોડાવી દોડાવીને માર્યા હતા. ત્યારબાદ શહેરના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક કર્મચારીને રિક્ષાચાલકે લાફા ઝીંકી દીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

આ સંજોગોમાં શહેર પોલીસ કમિશનર, સંયુકત પોલીસ કમિશનર( ટ્રાફિક) અને અન્ય ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગ યોજાઈ હતી. જેમાં આ બાબતને લઈને થયેલી વિચારણાને અંતે અમેરિકાની એક સોફટવેર કંપનીના એન્જિનિયરની મદદથી એક નવું સોફટવેર હાલના સીસીટીવી કેમેરામાં ઈન્સ્ટોલ કરવાની મંજૂરી અપાઈ છે. આ નવું સોફટવેર હાલના સીસીટીવી કેમેરા પ્રોજેકટની સાથે સાંકળીને એવી વ્યવસ્થા ઉભી કરી છે જેમાં હવેથી રોડ પરથી પસાર થતા વાહનો પર નજર રાખી શકાશે.

અગાઉ પોલીસ સ્પીડગન રાખીને રોડ પર ઊભા રહીને વાહનની ઓવર સ્પીડના કેસો કરતા હતા પરંતુ હવેથી આ સિસ્ટમના બદલે ઓવરસ્પીડીંગ, વાહનચાલકે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરી છે કે નહીં વાહનમાં ડાર્ક ફિલ્મ લાગેલી છે કે નહીં વગેરે ટ્રાફિક નિયમનને લગતી બાબતો સીસીટીવીના માધ્યમથી જાણી શકાશે. આ રીતે ટ્રાફિક નિયમનોનુ ઉલ્લંધન કરતા વાહનચાલકોને ઈ મેમો આપીને દંડ કરવામાં આવશે જેથી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો ઘટાડી શકાશે. આ બાબતને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ છે.

ઓવર સ્પીડના સૌથી વધુ કેસ SG હાઈવે પર થાય છે
ટ્રાફિક પોલીસના ધ્યાને આવ્યું છે કે હાલમાં શહેરમાં સૌથી વધુ ઓવર સ્પીડના કેસ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સરખેજ ગાંધીનગર હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી લઈને હોટલ તાજ સુધીના રોડ પર બને છે. આ બાબતને ધ્યાને રાખીને આગામી સમયમાં આ પ્રોજેકટની શરૂઆત એસજી હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર શરૂ કરાશે તેવી માહિતી ટ્રાફિક વિભાગના સૂત્રોએ આપી હતી.

ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજ 291 કેસ

નિયમ ભંગકેસ
હેલમેટ નહીં પહેરવી25
સીટ બેલ્ટ ન બાંધવો191
ડાર્ક ફિલ્મ લગાવવા મામલે40
રોંગ સાઈડમાં વાહન ચલાવવું35

​​​​​​​​​​​​​​એક પોલીસ સ્ટેશનના 554 માનવ કલાક બચશે
ટ્રાકિક ડિપાર્ટમેન્ટમાં કોઈ એક પોલીસ સ્ટેશન પર એક પીઆઈ, એક પીએસઆઈ, પાંચ એએસઆઈ 15 હેડ કોન્સ્ટેબલ, 25 કોન્સ્ટેબલ અને 20 થી વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક નિયમન કરે છે જેમાં સવાર અને સાંજની બે પાળી ગણીને કુલ આઠ માનવ કલાક એક વ્યક્તિ પાછળ વપરાય છે જો તમામનો સરવાળો કરીએ તો કુલ 68 લોકોના 8 કલાક લેખે 554 માનવ કલાક ટ્રાફિક નિયમન પાછળ ખર્ચાય છે. નવી સિસ્ટમથી આ માનવ કલાક બચી શકશે.

સોફ્ટવેર નહીં ભરેલા ઈ-મેમો પણ દર્શાવશે
હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર વાહન રોકીને તરકસ સોફટવેરની મદદથી વાહનની વિગતો મેળવી તેમનો ઈ મેમો મળ્યો છે કે કેમ અને દંડ ચૂકવાયો છે કે કેમ તેની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હવેથી સોફટવેરની મદદથી જે તે વાહનને કેટલા મેમો મળ્યા છે અને કેટલો દંડ ભર્યો છે તે પણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...