દરેક ટીમમાં 15 શિક્ષકનો સમાવેશ:બોર્ડની પરીક્ષામાં ક્લાસ રૂમના CCTV વીડિયો 3 વાર ચેક થશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી શંકાસ્પદ જણાશે તો તેની સામે કોપી કેસ થઈ શકશેે
  • મોનિટરિંગ માટે 3 ટીમ, દરેક ટીમમાં 15 શિક્ષકનો સમાવેશ

ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષામાં ક્લાસ રૂમના સીસીટીવી વીડિયોની ચકાસણી ત્રણ વાર થશે. પહેલાં પરીક્ષા દરમિયાન સીસીટીવીનું લાઇવ મોનિટરિંગ થશે, જ્યાર બાદ જિલ્લા કક્ષાએ અધિકારીઓની ટીમ સીસીટીવી વીડિયોની તપાસ કરશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં બોર્ડ દ્વારા રેન્ડમલી સ્કૂલોના સીસીટીવીની તપાસ કરાશે.

કોઈ પણ તબક્કે વિદ્યાર્થી ચોરી કરતા જણાશે તો વિદ્યાર્થીને તેનો પક્ષ મૂકવાનો મોકો આપ્યા બાદ યોગ્ય રજૂઆત નહીં હોય તો વિદ્યાર્થી પર કોપીકેસ થઈ શકશે. બોર્ડની પરીક્ષા સમાન રીતે લેવાય અને ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવીનું મોનિટરિંગ મહત્ત્વનું છે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે કે, સીસીટીવીની વ્યવસ્થાની તપાસ કરવામાં આવે, પરંતુ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સીસીટીવીનું મોનિટરિંગ માત્ર સ્કૂલ સમય પૂરતું નહીં રહે, પરંતુ પરીક્ષાના વર્ગખંડના સીસીટીવી ત્રણ વાર તપાસાશે. પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોનું લાઇવ સ્ટ્રિમિંગ સરકારી પ્રતિનિધિ દ્વારા જોવાશે.

અમદાવાદમાં 45 શિક્ષક સીસીટીવીની તપાસ કરશે
અમદાવાદ શહેરમાં પહેલું પેપર પૂરંુ થવાની સાથે જ તેના સીસીટીવીના રેકોર્ડિંગ જોવાની કામગીરી શરૂ કરાશે. સીસીટીવી જોવા માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક ટીમમાં 15 શિક્ષક રહેશે, એટલે કુલ 45 શિક્ષકો સીસીટીવીનું રેકોર્ડિંગ તપાસીને શંકાસ્પદ વિઝ્યુઅલ સેવ કરશે.

અન્ય સમાચારો પણ છે...