CCTV:અમદાવાદની રાજપથ ક્લબ પાસે કારચાલકે અડફેટે લેતાં AGL કંપનીના ડાયરેક્ટરના પુત્રનું ઘટનાસ્થળે જ મોત, કાર ડિવાઇડર કુદાવી સામેની બાજુએ પડી

અમદાવાદએક વર્ષ પહેલા
ઇસ્કોનબ્રિજથી પકવાન ચાર રસ્તા તરફ આવતી કારના ચાલકે આગળ જતાં એક્ટિવાચાલકને ટક્કર મારી, ઇન્સેટમાં મૃતક ઋત્વિક પટેલ. - Divya Bhaskar
ઇસ્કોનબ્રિજથી પકવાન ચાર રસ્તા તરફ આવતી કારના ચાલકે આગળ જતાં એક્ટિવાચાલકને ટક્કર મારી, ઇન્સેટમાં મૃતક ઋત્વિક પટેલ.
  • ડિવાઇડર કુદાવીને સામેની સાઇડ પડેલી કારે અન્ય એક વાહનચાલકને પણ અડફેટે લીધો
  • કારની સ્પીડ 100ની ઉપર હોવાની પૂરી શક્યતા, તપાસમાં નવા ઘટસ્પોટ થશે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધવાની સાથે સાથે અકસ્માતો પણ વધી રહ્યા છે. એમાં પણ બેજવાબદારીભર્યા ડ્રાઈવિંગને કારણે દરરોજ કોઈ ને કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે. આજે પણ અકસ્માતને કારણે શહેરમાં એક વ્યક્તિ મોતને ભેટી છે. રાજપથ ક્લબ ત્રણ રસ્તા પાસે આજે બપોરે સ્વિફ્ટ કારચાલકે એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ (AGL) કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલના યુવાન પુત્ર ઋત્વિક પટેલના એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં ઋત્વિક પટેલને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે કાર ઊછળીને રોડની સામેની બાજુ પટકાઈ હતી. કારચાલક કિશન પટેલને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એસજી હાઇવે ટ્રાફિક-પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી. ઋત્વિકના કરૂણ મોતને પગલે પરિવાર અને સગાં-સંબંધીઓ શોકમગ્ન બની ગયાં હતાં.

કાર ચાર વાર પલટી મારી ગઈ અને ડિવાઈડર કુદાવીને સામેની સાઈડ જતી રહી
આ અકસ્માત એટલો તો ગંભીર હતો કે કાર ચાર વાર પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર જતી રહી હતી, જ્યાં અન્ય એક વાહનચાલકને પણ અડફેટે લીધો હતો અને તેને પણ ઇજા થઈ હતી. કારની સ્પીડ 100ની ઉપર હોવાનું જાણવા મળ્યું છે. જો કે ટ્રાફિક-પોલીસની તપાસમાં ઘણી બાબતો સામે આવશે.

આ કાર એટલી તો સ્પીડમાં હતી કે કારને પણ ખૂબ નુકસાન થયું હતું અને કારચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ઇજાગ્રસ્ત કારચાલકને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

ઇજાગ્રસ્ત કારચાલકને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
ઇજાગ્રસ્ત કારચાલકને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1380 અકસ્માતમાં 439 લોકોએ જીવ ગુમાવ્યા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 20 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો, 2019માં રાજ્યમાં કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા છે, જેમાંથી 7428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત તેમજ મોત નોંધાયાં છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1380 અકસ્માત થયાં છે, જેમાંથી 439 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1148 લોકોને ઈજા થઈ છે.

ડ્રાઈવરની ભૂલને કારણે સૌથી વધુ અકસ્માત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક રિપોર્ટ પ્રમાણે અકસ્માતમાં જેટલાં મોત થતાં હોય છે તેમાં ૭૨.૬ ટકા કિસ્સામાં ડ્રાઈવરનો જ વાંક હોય છે. સાઈકલચાલકની ભૂલ માત્ર એક ટકો મોતમાં હોય છે, અન્ય ડ્રાઈવરની ભૂલને કારણે 4.8 ટકા લોકો મોતને ભેટે છે, પગપાળા જતા લોકોની ભૂલને કારણે 1.8 ટકા મોત થાય છે, 2.8 ટકાનાં મોતનું કારણ વાહનમાં ક્ષતિ હોય છે, રોડની ખરાબ હાલતને કારણે પણ 1.9 ટકા લોકોની જીવનરેખા ટૂંકાઈ જાય છે. જ્યારે 9.2 ટકામાં અન્ય કારણ હોય છે અથવા કારણની ખબર નથી પડતી હોતી.

અન્ય સમાચારો પણ છે...