કોર્સ નહીં જ ઘટે:CBSEએ ધો.10-12નો 30 ટકા કોર્સ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડનો સ્પષ્ટ ઈનકાર, 100 ટકા કોર્સ સાથે જ પરીક્ષા આપવી પડશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
  • CBSE બોર્ડની સ્કૂલો અન્ય દેશોમાં પણ આવેલી છે, જેથી ત્યાંની સ્થિતિને લઈને કોર્સ ઘટાડયો છે: ડી.એસ. પટેલ

કોરોનાને કારણે ગત વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કેસ ઓછા છે અને સ્થિતિ સામાન્ય છે જેથી બોર્ડની પરીક્ષા લેવાશે. CBSE એ 30 ટકા કોર્ષ ઘટાડાની જાહેરાત અગાઉ જ કરી હતી. જેને લઈને લોકોને ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્સ ઘટવાની આશા હતી. પરંતુ શિક્ષણ વિભાગના અધિકારીએ કોર્સ ઘટાડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગુજરાત બોર્ડમાં કોર્ષ ઘટશે નહીં. જોકે ગુજરાત શિક્ષણ બોર્ડે ગત વર્ષે કોરોનાના કારણે ધોરણ 9-10 અને ધોરણ 11-12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના કોર્ષમાં 30 ટકા ઘટાડો કર્યો હતો. કોર્સ કપાયા બાદ કયા-કયા અગત્યના પ્રકરણોની વિગતવાર માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.

ગુજરાત બોર્ડ કોર્સ નહીં ઘટાડે
ગુજરાત બોર્ડ CBSE બોર્ડને અનુસરીને જ નિર્ણય લેતું હોય તેવું ભૂતકાળમાં થયેલા નિર્ણય પરથી સાબિત થયું હતું. ત્યારે CBSE બોર્ડે વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા કોર્સ ઘટાડયો હતો. જેથી ગુજરાત બોર્ડમાં કોર્સ ઘટાડો થાય તેવી આશા સૌને હતી. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું છે કે, ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્સ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સના અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સ્કૂલમાં પૂરા અભ્યાસક્રમ મુજબ પ્રથમ પરીક્ષા લેવાઈ
ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, સરકારે અગાઉ જાહેરાત કરી જ હતી કે કોર્સ નહીં ઘટે. અત્યારે સ્કૂલો સંપૂર્ણ ચાલી રહી છે, તો કોર્ષ શા માટે ઘટાડવામાં આવે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે જ લેવામાં આવશે. સ્કૂલમાં પ્રથમ પરીક્ષા પુરા અભ્યાસક્રમ પ્રમાણે લેવામાં આવી છે. કોર્સ ઘટાડા અંગે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી અને કરવામાં પણ નહીં આવે.

100 ટકા કોર્સ સાથે જ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ
CBSE બોર્ડે 30 ટકા કોર્સ ઘટાડયો છે, પરંતુ CBSE બોર્ડની સ્કૂલો અન્ય દેશોમાં પણ આવેલી છે. જેથી અન્ય દેશોની સ્થિતિને લઈને પણ કોર્સ ઘટાડયો છે, પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલો ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતમાં રાબેતા મુજબ સ્કૂલો ચાલુ થઈ છે. પૂરો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જઈ રહ્યા છે જેથી કોર્સ ઘટાડવાનો કોઈ પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓએ 100 ટકા અભ્યાસક્રમ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બોર્ડમાં ધો.10-12ના 13 લાખથી વધુ વિદ્યાર્થી
ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને 30 ટકા કોર્સ અંગે પ્રશ્ન હતો, ત્યારે બોર્ડના સચિવે પણ કોર્સ નહીં ઘટે તેવી સ્પષ્ટતા કરી છે, જેથી વિદ્યાર્થીઓએ હવે પરીક્ષા માટે પુરા અભ્યાસક્રમના આધારે તૈયારી કરવાની રહેશે.

ધો.10માં 7 લાખથી વધુ ફોર્મ ભરાયા
ગુજરાત બોર્ડમાં આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રિત થતાં જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં 7 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરાયા છે. હજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જે 21 ડિસેમ્બર સુધી ચાલશે. ધોરણ 10 અને 12 કોમર્સની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર છે, જ્યારે ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર છે. ફોર્મ સમયસર ભરવા ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓને અપીલ કરી છે. CBSEમાં ધોરણ 10ના ફોર્મ 15 ડિસેમ્બરથી ભરાવાના શરૂ થયા છે.