વાલી મંડળની માંગ:CBSEએ ઘોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરી છે, હવે ગુજરાત સરકાર બોર્ડની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને પ્રમોશન આપે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજુઆત કરી

દેશભરમાં કોરોના રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સીબીએસઈની 10 મી અને 12 મી પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12 ની બોર્ડની પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માપદંડના આધારે ધોરણ 10 નું પરિણામ તૈયાર કરવામાં આવશે. ધોરણ 12માં વર્ગની પરીક્ષાઓ પછીથી લેવામાં આવશે તેમજ બોર્ડ 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરશે. ગુજરાત સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા હાલ પુરતી મોકુફ કરી છે, જેને રદ કરી તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજુઆત કરી છે.

કોરોનાની સ્થિતિની વિદ્યાર્થીઓના માનસ પર અસર
વાલી મંડળે શિક્ષણ મંત્રીને પરીક્ષાઓ કેમ રદ કરવી એના કારણો પત્ર દ્વારા જણાવ્યાં છે. જેમા વિદ્યાર્થીઓના માનસ પર કોરોનાના વાયરસની પરિસ્થિતિની ગંભીર અસર થઈ છે. તેમને સમજાતુ નથી કેવી રીતે પરીક્ષાઓની તૈયારીઓ કરવી, કારણ કે કોઈ તારીખ નક્કી જ નથી કરવામાં આવી. વાલીઓ પણ હાલની કોરોનાની સ્થિતિથી અને જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને ભય અનુભવી રહ્યાં છે, જેથી તેઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડવા માટે તૈયાર નથી.

વાલી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને રજુઆત કરી
વાલી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને રજુઆત કરી

પરીક્ષાની વ્યવસ્થા કરવી હાલના તબક્કે અઘરી
ધોરણ 10માં આશરે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેની વ્યવસ્થા કરવી હાલના તબક્કે ખૂબજ અઘરી લાગે છે. કારણ કે ઓક્સિજન અને દવાઓનો જથ્થો ખુટી જતો હોય તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે અને તેમને કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ? વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં એડમીશન કેવી રીતે લેવું તેમાં પણ અસમંજસ ભરી સ્થિતિ છે.

CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે
કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...