તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું થશે ગુજરાત બોર્ડની પરીક્ષાનું:PMની અપીલથી CBSEની પરીક્ષા રદ, ગુજરાત સરકાર હવે અસમંજસમાં, GSEBની પરીક્ષા લેવી કે કેમ?

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આવતીકાલની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ફેરવિચારણા કરવામાં આવી શકે
  • NSUI ધોરણ-10ના રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ કરવા શિક્ષણ મંત્રીને મળશે

કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ આપવો યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં મુકી શકીએ નહીં.

બીજી તરફ મંગળવારના 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે?

CBSEને અનુસરી GSEBએ ધો.10ની પરીક્ષા રદ કરી હતી
આ પહેલા ગત એપ્રિલમાં CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે મે મહિનામાં ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું
પીએમ મોદીએ CBSEની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધા આદેશ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ આ મામલે ફેર વિચારણા કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના જીવ જોખમમાં મૂકી પરીક્ષા ના લેવા માટેનું કારણ રજૂ કર્યા બાદ ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. પીએમ મોદીની અપીલ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયું છે, કારણ કે શિક્ષણ બોર્ડ આજે જ ધોરણ 10-ના રિપીટર અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.

સરકાર અને શિક્ષણ બોર્ડમાં ગંભીર ચર્ચાઓ શરૂ
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થિતિ સમીક્ષા, વાલી, વિદ્યાર્થીઓ તથા સંકૂલ સંચાલકોના મંતવ્યોના આધારે ફેર વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ છે.

ધો.12 સાયન્સનું ટાઈમ ટેબલ

1-જુલાઇફિઝિક્સ
3-જુલાઇકેમિસ્ટ્રી
5-જુલાઇબાયોલોજી
6-જુલાઇગણિત
8-જુલાઇઅંગ્રેજી
10-જુલાઇભાષાના પેપર

ધોરણ-12ની પરીક્ષા રદ કરવા વાલી મંડળની માંગ
CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા ગુજરાત વાલી મંડળે પણ પરીક્ષા રદ કરવાની માંગ કરતા કહ્યું કે, ગુજરાત સરકારે પણ સમીક્ષા કરવી જોઈએ. શિક્ષણ વિભાગે ફરીથી વિચાર વિમર્શ કરવો જોઈએ.

ધો.10ના રિપીટરોનું ટાઈમ ટેબલ

તારીખપેપર
1-જુલાઇભાષાઓના પેપર
2-જુલાઇગુજરાતી
3-જુલાઇવિજ્ઞાન
5-જુલાઇગણિત
6-જુલાઇસામાજિક વિજ્ઞાન
7-જુલાઇઅંગ્રેજી
8-જુલાઇદ્વિતીય ભાષા

ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપોઃ NSUI
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-12ની સાથે સાથે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. જ્યારે ધોરણ-10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતા NSUI દ્વારા વિરોધ સાથે માસ પ્રમોશન આપવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે NSUI દ્વારા શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.

રિપીટર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
આ અંગે યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને NSUIના પ્રવકતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે ધોરણ-10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા તો ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની શા માટે પરીક્ષા યોજવામાં આવી રહી છે? આવતા વર્ષથી ધોરણ-10માંથી બોર્ડ કાઢી નાખવા આવશે ત્યારે રિપીટર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? સરકારની બેવડી નીતિ છે, માટે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવું જોઈએ. આ અંગે અમે શિક્ષણમંત્રીને પણ રજૂઆત અને વિરોધ કરીશું.

સરકારના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ
છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને આખું વર્ષ ઓનલાઈન ભણાવવામાં આવ્યા હતા અને હવે ઓફલાઈન પરીક્ષાની તારીખ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં જૂની પદ્ધતિ મુજબ 3 કલાક જ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે સરકારના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે અને તેમણે ઓફલાઈન પરીક્ષા ના યોજાય એ માટે ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે.

ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કરવા 8 ગ્રુપ બનાવ્યાં
પાર્શિલ ગાંધી અને યશ્વી શાહ નામના વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેમણે અન્ય 5 વિદ્યાર્થી સાથે મળીને વ્હોટ્સએપમાં ગ્રુપ બનાવ્યું છે, જેમાં તેણે સરકાર દ્વારા યોજવામાં આવનારી ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કર્યો છે. અલગ-અલગ 8 ગ્રુપ બનાવવામાં આવ્યાં છે, જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓનો દ્વારા આ ગ્રુપમાં પરીક્ષામુદ્દે ચર્ચા કરવામાં આવે છે. ઓફલાઈન પરીક્ષાના ગેરફાયદા અને એને કારણે થનારા નુક્સાન અંગે પણ ચર્ચા કરવામાં આવે છે.