ચોકીદાર જ ચોર!:અમદાવાદની ED ઓફિસના બે અધિકારી રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયા, આંગડિયામાં મગાવી હતી લાંચની રકમ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • EDના ડેપ્યુટી ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા
  • પૂર્ણકાંતસિંઘ અને ભુવનેશ કુમાર લાંચ લેતા ઝડપાયા

અમદાવાદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડેપ્યુટી ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર કપડવંજના વેપારી પાસે રૂ.75 લાખની લાંચની માગણી કરી પ્રથમ હપ્તા પેટે રૂ.પાંચ લાખ સ્વીકારતા સીબીઆઈની એન્ટિ કરપ્શન વિંગના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

સીબીઆઈના સૂત્રો અનુસાર, કપડવંજમાં રહેતા પરેશ પટેલ એમ.એમ.ઈન્ડસ્ટ્રીના નામે કેસ્ટર ઓઈલ મિલ ચલાવતા હતા. ત્યારબાદ તેમણે 2016માં કંપનીનુ નામ બદલીને એચ.એમ.ઈન્સ્ટ્રીયલ પ્રા.લિ. કર્યું હતું. 2017માં સ્ટીલ પાઈપનો ઉદ્યોગ સ્થાપ્યો હતો. જો કે હાલમાં ધંધામાં નુકસાન જવાને ​​​​​​​કારણે કંપનીનુ કામકાજ બંધ છે. પરેશભાઈને બેંક ઓફ બરોડા કપડવંજ શાખામાં રૂ. 104 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી.જેની સામે તેમણે પ્રોપર્ટી ગીરવે મુકી છે. આ બાબતે બેંકની ફરિયાદના આધારે સીબીઆઈ કચેરી ગાંધીનગરે પરેશભાઈ પર ક્રિમિનલ કેસ 2020માં દાખલ કર્યો હતો, જે હાલ તપાસ હેઠળ છે. બીજી બાજુ બેંક ઓફ બરોડાના કેસ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમદાવાદ સાથે પણ પી.એમ.એલ.કાયદા હેઠળ તપાસ ચાલી રહી છે.

આ કેસ સંદર્ભે પૂછપરછ કરવા માટે ગઈ તા 22 એપ્રિલના રોજ પરેશ પટેલ અને તેમના પુત્ર હાર્દિક અને જીગરને અમદાવાદખાતે ઈડીની કચેરી ડેપ્યુટી ડાયરેક્ટર પૂર્ણકામ સિંહએ સમન્સ આપીને બોલાવ્યા હતા. આ સમયે તેમની સાથે ગાળાગાળી કરીને બપોરે જવા દીધા હતા. ત્યારબાદ તા 25 એપ્રિલે પરેશ પટેલને સમન્સ કાઢી બોલાવ્યા બાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભુવનેશકુમારે તેમનો જવાબ નોંધ્યો હતો.​​​​​​​ત્યારબાદ ગઈ તા18 જૂનના રોજ પરેશ પટેલ તથા તેમના પુત્ર હાર્દિકને પૂર્ણકામ સિંહે ફરી સમન્સ પાઠવીને બોલાવ્યા બાદ હાર્દિકને માર માર્યો હતો. આ સમયે તેમણે પરેશ પટેલને કહ્યું હતું કે, તમારી મિલ્કત ટાંચમાં લઈને ભંગારના ભાવે વેચી બાકીની રકમ માટે તેમની જવાબદારી ઉભી કરી આજીવન તેમાંથી નીકળવા નહીં દે તેવી ધમકી પૂર્ણકામસિંહે આપી હતી.

ત્યારબાદ સાંજે તેમની ચેમ્બરમા ભુવનેશકુમારની હાજરીમાં આ મામલો સેટલ કરવાનું કહીને રૂ.75 લાખની લાંચની માગણી કરી હતી.તેના બદલામાં તેમની બેંક ઓફ બરોડામાં જે મિલ્કત ગીરવે છે તે ટાંચમાં નહી લેવા તેમજ મારઝૂડ નહી કરવાની બાંહેધરી આપી હતી. આ કામ માટે રૂ.50 લાખ પહેલા અને 25 લાખ કામ થયા પછી આપવાનું નકકી કર્યું હતું. દરમિયાન આ બાબતે પરેશ પટેલે સીબીઆઈને વિગતવાર અરજી કરીને લાંચની માગણી અંગેની ફરિયાદ નોંધાવતા શુક્રવારે સીબીઆઈની ટીમે અમદાવાદની ઈડી ઓફિસે છટકું ગોઠવીને પૂર્ણકામસિંહ તથા ભુવનેશકુમારને રૂ.પાંચ લાખની લાંચ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

લાંચની રકમ આંગડિયામાં મોકલવા કહ્યું હતું....
ભુવનેશકુમારે પરેશ પટેલને ત્યાં વોટસઅપ કોલ કર્યો હતો જે તેમના પુત્ર જીગરે ઉપાડતા તેને કહ્યું હતું કે, તમે પહેલા રૂ. પાંચ લાખ દિલ્હી ખાતે આંગડિયાથી મોકલી આપો અને તે રકમ મળ્યા બાદ બાકીની રકમ મોકલવાનું કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, લાંચની રકમ નહી આપવા માગતા સીબીઆઈને જાણ કરતા તેમની સૂચનાથી લાંચની રકમ આંગડિયામાં મોકલાઈ હતી જે આરોપીઓએ સ્વીકારી હોવાનું પુરવાર થતા સીબીઆઈએ બંને અધિકારીઓ વિરુદ્ધ લાંચનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.