તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટસિટીમાં 'ભૂવારાજ':અમદાવાદના રોડ પર ચાલતી વખતે સાવધાન! ગમે ત્યારે ભૂવો પડી શકે છે, બે દિવસમાં બે વ્યક્તિ ભૂવામાં ગરકાવ થતાં હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ21 દિવસ પહેલા
અમદાવાદમાં પડી રહેલા ભૂવા ક્યાં સુધી લોકોને હેરાન કરશે?
  • કુબેરનગરમાં એક યુવક અને ઉસ્માનપુરામાં 70 વર્ષીય વૃદ્ધા ભૂવામાં ગરકાવ થયાં
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર નામનું બેરિકેડ મારીને સંતોષ માને છે

અમદાવાદ શહેરમાં હવે રસ્તા પર ચાલતી વખતે સાવધાન રહેજો, કારણ કે ગમે ત્યારે રોડ બેસી જાય અને તમે ભૂવામાં ગરકાવ થઈ શકો છો. અમદાવાદના રસ્તા અને અચાનક પડતા ભૂવા નાગરિકો માટે જોખમી બની ગયા છે. શહેરમાં બે દિવસમાં ભૂવામાં લોકોના પડવાની બે ઘટના બની છે. બંને ઘટનામાં ભોગ બનનારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. કુબેરનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર પડેલા ભૂવામાં યુવક ગરકાવ થયો હતો, જેને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. જ્યારે આજે સવારે ઉસ્માનપુરા પાસે રિવરફ્રન્ટ તરફ જતા રોડ પર એક ભૂવો પડ્યો હતો, જેમાં 70 વર્ષનાં વૃદ્ધા પડ્યાં હતાં, જેમને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢી સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

તંત્ર માત્ર બેરિકેડ કરીને સંતોષ માને છે.
તંત્ર માત્ર બેરિકેડ કરીને સંતોષ માને છે.

યુવક 15 મિનિટ સુધી ભૂવામાં રહ્યો હતો
કુબેરનગર ભાર્ગવ રોડની કિશોર સ્કૂલ પાસેથી 21 વર્ષીય યુવક ચાલતો પસાર થઇ રહ્યો હતો. એ દરમિયાન રોડ પર અચાનક ભૂવો પડતાં એમાં તે ગરકાવ થઇ ગયો હતો. યુવક ભૂવામાં પછડાતાં તેને હાથ, પગ અને પીઠના ભાગે ઇજા થઇ હતી. યુવક 15 મિનિટ સુધી ભૂવામાં રહ્યો હતો. પછી ત્યાંથી પસાર થતા વાહનચાલકે તેને જોઇ મદદ કરી હતી. વાહનચાલકો સહિત અન્ય લોકોએ ભેગા મળી તેને બહાર કાઢયો હતો. આ ઘટના બાદ યુવકે વીડિયો બનાવી આરોપ મૂક્યો છે કે આ વિસ્તારમાં નબળા રોડને કારણે વારંવાર ભૂવા પડે છે. જો હું બાઇક ઉપર હોત અને ભૂવો પડ્યો હોત તો ગંભીર રીતે ઘાયલ થયો હોત. ભૂવા નાગરિકો માટે જોખમી છે, જેથી આ પ્રકારની નબળી ગુણવત્તાને સુધારવામાં આવે.

તંત્ર દ્વારા આખા ભૂવાને બેરિકેડથી કોર્ડન કરવામાં નથી આવતો.
તંત્ર દ્વારા આખા ભૂવાને બેરિકેડથી કોર્ડન કરવામાં નથી આવતો.

ફાયરબ્રિગેડે વૃદ્ધાને ભૂવામાંથી બહાર કાઢ્યાં
ઉસ્માનપુરાથી રિવરફ્રન્ટ તરફ જતા રોડ પર પણ એક મોટો ભૂવો પડ્યો છે. આજે વહેલી સવારે બબીબેન નામનાં 70 વર્ષીય વૃદ્ધા ચાલતાં ચાલતાં ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે આ ખુલ્લા ભૂવામાં તેઓ ગરકાવ થઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ વૃદ્ધાને ભૂવામાં પડેલા જોઈ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી બબીબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાં હતાં. ભૂવો પડે ત્યારે કોર્પોરેશન તંત્રએ ભૂવાની આસપાસ કોઈ ન જાય એવી રીતે વ્યવસ્થિત બેરિકેડ કરવાનું હોય છે, પરંતુ તે માત્ર એક-બે જગ્યાએ બેરિકેડ લગાવી આખો ભૂવો કોર્ડન ન કરતાં લોકો એમાં પડે છે.

પાસપોર્ટ ઓફિસ નજીક BRTS ટ્રેકમાં ભૂવો પડ્યો હતો.
પાસપોર્ટ ઓફિસ નજીક BRTS ટ્રેકમાં ભૂવો પડ્યો હતો.

આંબાવાડી રોડ પર BRTS ટ્રેકમાં ભૂવો પડ્યો હતો
શહેરના યુનિવર્સિટી આંબાવાડી રોડ પર પાસપોર્ટ ઓફિસ નજીક BRTS ટ્રેકમાં ભૂવો પડ્યો હતો. ભૂવો પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરિકેડ કરીને BRTS ટ્રેકને બંધ કરવામાં આવ્યો હતો. મોડી રાતે આ ભૂવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભૂવાને કારણે BRTS બસોને બહારના રોડ તરફ ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.

વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પવિલા બંગલોના દરવાજા સામે જ ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું.
વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પવિલા બંગલોના દરવાજા સામે જ ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું.

વસ્ત્રાલમાં પડેલા ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું
રસ્તાઓ અને ભૂવાને કારણે અનેક વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વાહનો ખાડામાં પડે છે. વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પવિલા બંગલોના દરવાજા સામે જ ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું. જેસીબીની મદદથી ટ્રેક્ટર બહાર કઢાયું હતું. 17 દિવસથી આ જગ્યા પર ડ્રેનેજલાઇન નાખવાનું કામ ચાલુ હતું. ખાડાનું માટી પુરાણ કરવા જતાં AMCનું ટેક્ટ્રર ફસાયું હતું. બીજી તરફ મેમનગર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ખાડા પડયા હતા. વસ્ત્રાલમાં ગટરનું ઢાંકણું તૂટેલું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...