અમદાવાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી:7 મહિનામાં 24,476 વાહનચાલક સામે ઓવરસ્પીડિંગના કેસ કરાયા; SP રિંગ રોડ, SG હાઈવે, યુનિવર્સિટી રોડ, વૈષ્ણોદેવી સર્કલ પાસે સૌથી વધુ કેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાફિક પોલીસે સાત મહિનામાં એસપી રિંગ રોડ, એસજી હાઈવે, યુનિવર્સિટી રોડ, બોપલ રિંગરોડ સહિતના વિસ્તારોમાં સ્પીડગન ધરાવતા ઇન્ટરસેપ્ટર વ્હિકલના ઉપયોગથી 24,476 વાહનચાલક સામે ઓવરસ્પીડિંગના કેસો નોંધ્યા છે. ટ્રાફિક પોલીસ 9 ઇન્ટરસેપ્ટર વાનથી 70થી વધુની સ્પીડે જતા વાહનોને પકડી મેમો આપે છે. ઓવરસ્પીડિંગ બદલ ટ્રાફિક પોલીસ 1 હજારનો દંડ વસૂલે છે.

શહેરના 138 ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેનો મુખ્ય આશય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલી દંડ વસૂલવાનો અને ચોરી-લૂંટ-હત્યા જેવી ઘટનામાં આરોપીઓને પકડવાનો છે, પણ આ કેમેરા હાઈવિઝ્યુલાઇઝ હોવાથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકની તસવીર દૂરથી પણ કેદ થઈ જાય છે. જોકે આ કેમેરામાં ઓવરસ્પીડ સિવાયના નિયમોના ઉલ્લંઘનના મેમો ઇશ્યૂ થતા હતા. તે કેમેરામાં સોફ્ટવેર અપડેટ કરી ઓવરસ્પીડના ઈ-મેમો ઇશ્યૂ કરવાની જાહેરાત પોલીસે મેમાં કરી હતી, પરંતુ તે કેમેરામાંથી ઓવરસ્પીડના મેમો ઇશ્યૂ થઈ શક્યા નથી.

ટ્રાફિકના જોઇન્ટ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમદાવાદમાં ઓવરસ્પીડના સૌથી વધુ કેસ કરાયા છે. 9 સ્પીડગનથી 24 કલાક જે-તે વિસ્તારમાં ફરીને ઓવરસ્પીડે દોડતાં વાહનોને મેમો અપાય છે.

આ વિસ્તારોમાં ઇન્ટરસેપ્ટર વ્હિકલનો ઉપયોગ
એસપી રિંગ રોડ, એસજી હાઈવે, સિંધુભવન રોડ, યુનિવર્સિટી રોડ, વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં ઓવરસ્પીડના સૌથી વધુ કેસ કરાયા છે. આ સિવાય કરાઈ, ગામડી, પીરાણા, બોપલ રિંગરોડ જેવા વિસ્તારોમાં ઈન્ટરસેપ્ટર વ્હિકલનો ઉપયોગ કરાય છે.

હવાના દબાણને આધારે સિસ્ટમ સ્પીડ નક્કી કરે છે
મ્યુનિ.કોર્પો.ની હદમાં તેમ જ ફોરલેન સિવાયના હાઈવે પર વાહનની મહત્તમ સ્પીડ લિમિટ 60 નક્કી કરાઈ હોવા છતાં ઇન્ટરસેપ્ટર વાનમાં 70-75 કે તેથી વધુ સ્પીડે જતાં વાહનોને જ મેમો ઇશ્યૂ કરવામાં આવે છે. ઇન્ટરસેપ્ટર વાનના ઇન્ચાર્જ પોલીસ કર્મચારી સંજય લામ્કાએ જણાવ્યું હતું કે, વાહન પસાર થાય ત્યારે હવાના દબાણના આધારે તેની સ્પીડ નક્કી કરીને મેમો ઇશ્યૂ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...