હિટ સ્ટ્રોકના કેસ વધ્યાં:હિટવેવને પગલે અમદાવાદમાં તાવ, ઝાડા-ઉલટી સહિતના કેસો વધ્યાં, 108 ઇમરજન્સી સેવામાં 31 ટકાનો વધારો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિનામાં હિટ સ્ટ્રોકના 81 કેસો, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8 કેસો છે

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં હિટવેવ અને ગરમીને લઈ 108 ઇમરજન્સી કેસોમાં વધારો થયો છે. માર્ચ મહિનાથી જ ગરમી અનુભવાય છે. 108 ઇમરજન્સીના COO જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગરમીને લઈ અમદાવાદમાં કેસ વધ્યા છે. તાવ આવવો, બેભાન થવું, ઝાડા ઉલટી અને હિટ સ્ટ્રોક જેવા કેસમાં વધારો થયો છે. 108 ઇમરજન્સી સેવાને માર્ચ મહિનામાં 144 કેસો આવતા હતા જે એપ્રિલ અને મે મહિનામાં વધીને 158 અને 185 જેટલા કેસો અમદાવાદમાં નોંધાયા છે. એપ્રિલમાં 10 ટકા જેટલા કોલ વધ્યા છે. અમદાવાદમાં 31 ટકા જેટલા કોલમાં વધારો થયો છે. બે મહિનામાં હિટ સ્ટ્રોકના 81 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8 કેસો છે.

ગરમી કે હિટ સ્ટ્રોકથી કોઈ મોત થયું નથી
ગુજરાતમાં પ્રતિદિન 500થી 700 કોલ મળ્યા છે. કોરોનાને કારણે બે વર્ષમાં હિટ સ્ટ્રોકના ઓછા કોલ થયા હતા. જ્યારે ગરમી વધુ લાગે અને તાવ જેવું લાગે ત્યારે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો જોઈએ. એમ્બ્યુલન્સમાં Ac અને પાણીની ORS ની તેમજ લાઇફ સેવિંગની વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં રાજયમાં કે અમદાવાદમાં ગરમી કે હિટ સ્ટ્રોકથી કોઈ મોત થયું નથી. દરેક 108માં દવાઓ અને પેરા મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ હોય છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બે દિવસ અમદાવાદમાં હિટવેવની સંભાવના
અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 19 અને 20 સુધી શહેરમાં હિટવેવની આગાહી જાહેર કરી છે. ગરમીનો પારો શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.

પવનની પેટર્ન બદલાતાં ફરી ગરમી
ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...