12th કોમર્સના રિઝલ્ટ પછી શું ?:એકાઉન્ટન્સીના આઠ ફિલ્ડમાં કરિયર બની શકે, CA બનવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે ? જાણો એક્સપર્ટ પાસેથી

એક મહિનો પહેલા

12th કોમર્સનું રિઝલ્ટ આવી ગયું છે. પણ 12th કોમર્સ પછી શું ? કઈ ફેકલ્ટીમાં જવાય ? આ અને આવા અનેક સવાલો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના મનમાં ઉઠતા હોય છે. કોમર્સ ફેકલ્ટીમાં આગળ વધવાની ઘણી તક છે પણ સ્ટુડન્ટ્સને પ્રોપર ગાઈડન્સ નથી મળતું. દિવ્ય ભાસ્કરના એક્સપર્ટે અહીં 12th કોમર્સને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા છે.

સવાલ : ધોરણ 12માં કેટલા ટકા હોય તો CA કરી શકાય ?
એક્સપર્ટ : CA કરવા માટે ધોરણ 12 કોમર્સમાં કોઈ લઘુત્તમ ટકાવારી હોવી જરૂરી નથી. ધોરણ 12 કોમર્સમાં બે ટ્રાયલે પાસ થનારા સ્ટુડન્ટ્સ પણ CA બન્યા હોવાના ઘણા બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. CA બનવા માટે 12thમાં સારી ટકાવારી કરતાં પણ વધુ જરૂરી છે-સખત મહેનત, આત્મવિશ્વાસ અને ધીરજ. જો કે સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સમાં 80 ટકાથી વધુ લાવનારાઓને CA કરવાની ભલામણ કરવામાં આવે છે

સવાલ : 12th કોમર્સમાં બોર્ડની પરીક્ષામાં 75 ટકા આવ્યા છે અને MBA કરવું છે તો BBA કરીને MBA કરવું સારૂં કે પછી ડાયરેક્ટ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ MBA કરવું સારૂં ?
એક્સપર્ટ : ત્રણ-ચાર વર્ષનો BBA અભ્યાસક્રમ કર્યા બાદ બે વર્ષનો MBAનો કોર્સ કરવા માટે CAT, MAT, XAT, ATMA, SAT,C-MAT, IBSAT વગેરે જેવી એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે. જ્યારે 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં એકવાર એડનિશન મળ્યા બાદ 5 વર્ષ પછી સ્ટુડન્ટ સીધો જ MBA બની જાય છે. જો કે 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ MBAના મોટાભાગના અભ્યાસક્રમમાં 3 વર્ષ બાદ સ્ટુડન્ટને BBAની ડિગ્રી લઈને મુક્ત થવાનું ઓપ્શન મળતું હોય છે. આથી સ્ટુડન્ટ્સ એન્ટ્રન્સ ટેસ્ટ આપીને MBA માટે વધુ સારી ઇન્સ્ટિટ્યુટ, કોલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં રાખીને BBA પછી MBA કરવું કે 5 વર્ષના ઈન્ટિગ્રેટેડ MBA કરવું તેનો નિર્ણય લેશો.
સવાલ : 12th પછી એકાઉન્ટન્સી ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટેના પ્રોફેશનલ કોર્સિસ ક્યા-ક્યા છે ?

એક્સપર્ટ : CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), CS (કંપની સેક્રેટરી), CMA (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ), CFA (ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ), CFP (સર્ટિફાઇડ ફાયનાન્સિયલ પ્લાનર), ACCA (એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટ્સ), CIMA (ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ્સ એકાઉન્ટ્સ).

સવાલ : 12th કોમર્સમાં 85 ટકા આવ્યા હોય અને મેનેજમેન્ટ ફિલ્ડમાં જવાની ઈચ્છા હોય તો ક્યા કોર્સ કરી શકાય ?

એક્સપર્ટ : BBA (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), BBM (બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ), MBA (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), IMBA (ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), IPM (ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ), PGDM (પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ), PGDBM (પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ).યાદ રાખો કે, ઘણી યુનિવર્સિટીઓ PGDM, PGDBMને MBA સમકક્ષ ન ગણીને ઉચ્ચ શિક્ષણ જેમ કે Ph.D.માં પ્રવેશ આપતી નથી.

સવાલ : B.Com અને B.Com (ઓનર્સ) વચ્ચે શો તફાવત છે ?
એક્સપર્ટ : સામાન્ય રીતે B.Com, BBAના ટ્રેડિશનલ અભ્યાસક્રમો 3 વર્ષના જ્યારે આ જ અભ્યાસક્રમોના ઓનર્સ પ્રોગ્રામ 4 વર્ષના જોવા મળે છે. ઓનર્સ પ્રોગ્રામની ફી પ્રમાણમાં વધુ હોય છે. દેશમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ માસ્ટર કરવા વિદેશમાં જવા ઈચ્છુક સ્ટુડન્ટ્સ ઓનર્સ અભ્યાસક્રમો પસંદ કરતા હોય છે. કારણ કે વિદેશમાં સ્કૂલ એજ્યુકેશન બાદ ત્રણ વર્ષની ડિગ્રીના બદલે 4 વર્ષના ડિગ્રી કોર્સિસ જોવા મળે છે. આથી 3 વર્ષના B.Com કે BBA અભ્યાસક્રમ કર્યા બાદ વિદેશમાં માસ્ટર કરવા જવા ઈચ્છતા સ્ટુડન્ટ્સને વિદેશમાં માસ્ટર કોર્સિસ એડમિશનમાં તકલીફ પડી શકે છે. જો કે આવા વિદ્યાર્થીઓ 3 વર્ષના ડિગ્રી કોર્સ કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન/ માસ્ટર ડિગ્રીનું પ્રથમ વર્ષ કરવાનો વધુ સરળ અને કરકસરભર્યો માર્ગ અપનાવી શકે છે.
સવાલ : કોઈ સ્ટુડન્ટ્સને વિદેશ જવાની ઈચ્છા હતી પણ હવે તેને 70 ટકા આવ્યા છે. તો શું કરવું જોઈએ ?
એક્સપર્ટ : જે સ્ટુડન્ટ્સ કોવિડ કે કોઈ બીજા કારણથી વિદેશ જઈ શકે તેમ નથી તે ભારતમાં જ રહીને વિદેશની પ્રોફેશનલ ડિગ્રી મેળવી શકે છે. જેને એકાઉન્ટન્સીમાં રસ છે તો તે યુ.કે.નું CA એટલે કે ACCA, અમેરિકન CPA, CFP, CFA, CMA વગેરેનો અભ્યાસ કરીને તેમાં પાસ થઈને ડિગ્રી મેળવીને જે-તે દેશમાં જઈ શકે છે.
ભાસ્કર એક્સપર્ટ : ડો. રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર, 93270 14077

સવાલ: 12th કોમર્સ પછી CS કરાય ?

એક્સપર્ટઃ 12માં ધોરણ પછી CS (કંપની સેક્રેટરી) અથવા કંપની સચિવ શ્રેષ્ઠ વિકલ્પ પૈકી એક છે. CS એક વ્યાવસાયિક ડિગ્રી છે. સીએસનું તેની રીતે પોતાનું મહત્વ છે. SEBI પાલન અધિકારી તરીકે CSનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ લિસ્ટેડ કંપનીઓ અને 10 કરોડથી વધુ મૂડી ધરાવતી કંપનીઓ સીએસની નિમણૂંક કરશે. એક રીતે CS પ્રેક્ટિસિંગ CS અથવા સંપૂર્ણ સમય CS હોઈ શકે છે. CS રજિસ્ટર્ડ વેલ્યુઅર તરીકે મૂલ્યાંકન કરવા સક્ષમ છે, જે NCLT, CCI, સ્ટેમ્પ વિભાગ અને અન્ય સત્તાવાર સરકારી અને અર્ધ સરકારી વિભાગોમાં પ્રતિનિધિત્વ કરે છે. જે કંપનીએ CS ની નિમણૂક કરી છે, તેણે ફાઈનાન્સિયલ્સ (બેલેન્સશીટ, નફો અને નુકસાન) માં CS પર સહી ફરજિયાત કરવી પડશે. GST થી ROC/RD પ્રતિનિધિત્વ સુધી કામ કરીને CS નવી ઊંચાઈ હાંસલ કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ વધુ સારા કારકિર્દી વિકલ્પો માટે CS પ્લસ એલએલબી અથવા સીએસ પ્લસ એમકોમને વિકલ્પ તરીકે પસંદ કરી શકે છે. યુકે, દુબઈ વગેરે જેવા દેશોમાં CSનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું મૂલ્ય છે. એક શબ્દમાં "કંપનીને આ કરવાનું છે કંપની સાથે બદલી શકાય છે સચિવને સીએસના સંપૂર્ણ અવકાશને સમજવા માટે આ કરવું પડશે.

સવાલઃ CS કોણે કરવું જોઇએ અને કયા કયા સ્કોપ છે?
એક્સપર્ટઃ કોર્પોરેટ લોમાં ઇન્ટરેસ્ટ હોય તો કંપની સેક્રેટરી (CS) કરવું જોઈએ. CSમાં 67 કરતા વધારે લો વાંચવામાં આવે છે અને CS બન્યા પછી કોર્પોરેટ ફિલ્ડમાં ઘણો સ્કોપ છે. CS બન્યા પછી એકાઉન્ટ્સમાં રસ ધરાવનારને પણ ફાયદો છે. જેમ કે એ વેલ્યુએશનમાં રજિસ્ટર્ડ વેલ્યુઅર પણ બની શકે છે. CS પોતે ઇનસોલવન્સી પ્રોફેશનલ બની શકે છે. આમ CSમાં પણ બહું જ સ્કોપ છે અને આગળ કોઈપણ CS કરીને પોતાની કરિયર સેટ કરી શકે છે.

સેબી કંપની સેક્રેટરીને કોમ્પલિઅન્સ ઓફિસર તરીકે રાખે છે. GST થી ROC/RD પ્રતિનિધિત્વ સુધી કામ કરીને CS નવી ઊંચાઈ હાંસલ કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ વધુ સારા કારકિર્દી વિકલ્પો માટે CS પ્લસ LLB અથવા સીએસ પ્લસ M.COMને વિકલ્પ તરીકે પસંદ કરી શકે છે. યુકે, દુબઈ વગેરે જેવા દેશોમાં CSનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું મૂલ્ય છે. કંપની સેક્રેટરી પોતાની પ્રેક્ટીસ કે જોબ પણ કરી શકે છે. કંપની સેક્રેટરી મેનેજમેન્ટમાં લૉ, સેક્રેટરિયલ, ઓડિટ અને એકાઉન્ટ્સની ભૂમિકામાં જોવા મળે છે. CA, CS અને CWA સારા પ્રોફેશનલ કોર્સ છે અને તેમાં કોઈપણ પોતાનું ફ્યૂચર બનાવી શકે છે.

ભાસ્કર એક્સપર્ટઃ CS અભિષેક છાજેડ(ICSIના પૂર્વ ચેરમેન, અમદાવાદ ચેપ્ટર)

અન્ય સમાચારો પણ છે...