બાળકો સ્કૂલ કક્ષાએથી જ પોતાનું ભવિષ્ય પસંદ કરે ઉપરાંત ભવિષ્યમાં ક્યાં વિષયો રાખવાથી સારી નોકરી મળી શકે છે, ક્યા શહેરમાં નોકરી મળી શકે છે, શું પગાર હોઇ શકે છે વગેરે તમામ બાબતોથી માહિતગાર થાય તે માટે અમદાવાદ શહેરની 900 સ્કૂલોમાં પહેલીવાર કરિયર ગાઇડન્સનો નવતર પ્રયોગ હાથ ધરાશે. આ માટે સ્કૂલમાં દર અઠવાડીયે એક પિરિયડ કરિયર ગાઇડન્સ માટેનો ફાળવવાનો રહેશે. આ માટે શિક્ષકોને કરિયર માર્ગદર્શક બનાવાશે, રાજગાર કચેરીના સંપર્કમાં રહીને તમામ શિક્ષકોને તાલીમ અપાશે.ટૂંક સમયમાં શિક્ષકોની તાલીમ શરૂ થશે. હાલમાં તમામ સ્કૂલોને સ્વૈચ્છિક જોડાવવા માટેનો પરિપત્ર કરાયો છે.
વિદ્યાર્થીઓ માટે દર અઠવાડિયે અભ્યાસને લગતા દરેક વિષયના પિરિયડ હોય છે. પરંતુ કરિયર ગાઇડન્સ માટે કોઇ દિશા નિર્દેશો અપાતા નથી. આ પિરિયડમાં બાળકોને સ્ટાર્ટઅપ - ઇવોવેશન વિશેની બાબતો શીખવાશે, ઉપરાંત અભ્યાસની સાથે જ બિઝનેસ કેવી રીતે ડેવલપ કરી શકાય તેની પણ માહિતી અપાશે. ઉપરાંત મોટી કંપનીઓમાં ઊંચા પગાર માટે કઇ ડિગ્રી મેળવવી, ક્યો અભ્યાસક્રમ વગેરે બાબતો શીખવાશે.
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીને લાભ મળશે
દરેક સ્કૂલમાં સ્વૈચ્છિક રીતે દર અઠવાડિયે એક પિરિયડ કરિયર કાઉન્સેલિંગનો રહેશે. જેમાં બાળકોને કઇ સ્ટ્રીમમાં જવું, તક, પગાર, નોકરીની જગ્યા વગેરે દરેક બાબતો શીખવાશે. ઉપરાંત અભ્યાસમાં સરકારની યોજના કઇ રીતે મદદ કરી શકે તેની પણ માહિતી અપાશે. > રોહિત ચૌધરી, ડીઇઓ - અમદાવાદ શહેર
ઉદ્યોગપતિઓની સક્સેસ સ્ટોરી ભણાવાશે
સ્કૂલોમાં બાળકોને ભારતના સફળ ઉદ્યોગપતિઓની સ્ટોરી સમજાવાશે. પુસ્તકોની સાથે તેઓની મોટિવેશનલ સ્પીચને પણ બાળકોને સંભળાવાશે. જેથી બાળકો ભવિષ્યમાં શું કરવું તેના વિશે માહિતી મેળવીને પોતાનો રસ્તો પસંદ કરી શકે.
વિદ્યાર્થીને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરાશે
સ્કૂલના વિદ્યાર્થીઓને આંત્રપ્રિન્યોરશિપની તાલીમ અપાશે. જેમાં સફળ ઉદ્યોગ માટે પ્રોબ્લેમ કેવી રીતે શોધવા, તેના પર બિઝનેસ આઇડિયા કેવી રીતે ડેવલપ કરવો અને બિઝનેસ આઇડિયાથી બિઝનસ સુધીમાં સરકાર કઇ રીતે મદદ કરી શકે તે માટે સરકારી યોજનાની પણ માહિતી પણ વિદ્યાર્થીઓને અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.