માથાકૂટ:અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો પાસેથી હપ્તા વસૂલવા કાર-રિક્ષામાં તોડફોડ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CISFએ આરોપીઓને હથિયાર સાથે પકડી પોલીસને સોંપ્યા

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોને વાહન સેવા પૂરી પાડતા રિક્ષા અને ટેક્સીચાલકો પાસેથી હપ્તા વસૂલી શરૂ કરવાની માગણી સાથે 6-7 જેટલા અસામાજિક તત્ત્વોએ ગુરુવારે વહેલી સવારે 5.15 એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બે-ત્રણ રિક્ષા અને કારમાં તોડફોડ કરી ભયનું વાતાવરણ ઉભું કરી એક રિક્ષાચાલકને ચપ્પાથી હુમલો કરતા તેને ઈજા થઈ હતી. માથાકૂટ કર્યા બાદ આ અસામાજિત તત્ત્વો એરપોર્ટના ટર્મિનલ તરફ ગયા હતા, જ્યાં સીઆઈએસએફના જવાનોએ તેમને હથિયારો સાથે ઝડપીને એરપોર્ટ પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપી દીધા હતા.

આ વિશે રિક્ષાચાલકોએ જણાવ્યું કે, ડોમેસ્ટિક ટર્મિનલ પર તેઓ લાંબા સમયથી પેસેન્જરોને રિક્ષાસેવા પૂરી પાડે છે. હાલમાં ઓપરેટર અદાણી ગ્રુપ દ્વારા રિક્ષાચાલકો માટે 50 રૂપિયા ચાર્જ નક્કી કરાતા તે ચાર્જ ચૂકવીને અમે સેવા પૂરી પાડીએ છીએ. ત્યારે કેટલાક બાહ્ય રિક્ષાચાલકો અહીં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા અમારી સાથે વિવાદ ઉભો કરી મારવાની ધમકીઓ આપે છે. બહારના આ રિક્ષાચાલકોએ થોડા સમય પહેલા પણ કેટલાક અસામાજિક તત્ત્વોનો સહારો લઈ રિક્ષાચાલકો પર હુમલો કર્યો હતો. જેના પગલે એરપોર્ટ પોલીસમાં અરજી પણ આપી હતી. તેમ છતાં આ અસામાજિક તત્ત્વોએ ગુરુવારે વહેલી સવારે ફરી એકવાર રિક્ષાચાલકો પર હુમલો કર્યો છે. આ ઘટના દરમિયાન સીઆઈએસએફના જવાનોએ કેટલાક અસામાજિક તત્વોને ઝડપી પોલીસને હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...