અમદાવાદ હિટ એન્ડ રન:બોપલમાં કારે એક્ટિવાને અડફેટે લીધો, નીચે પટકતા એકટિવાચાલકનું મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. બેફામ પણે ડ્રાઈવિંગ કરતા કાર ચાલકો પોતાનું વાહન અથડાવીને ફરાર થઈ જાય છે. ત્યારે અમદાવાદમાં એક કાર ચાલક એક્ટિવા ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ બાબતે એક્ટિવા ચાલકના મામાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હતભાગીના મામાએ ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલમાં વીઆઈપી રોડથી મહંમદપુરા કાકાના ઢાબા ચાર રસ્તાથી એસપી રિંગ રોડ જતા રેઈન ફોરેસ્ટની સામે એક કાર ચાલક પુરપાટ ગતિએ આવતો હતો. તેણે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી મૃતક મુકેશ શંકરલાલ મીણાના મામાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બહેને ભાણીયાના અકસ્માતની જાણ કરી
મૃતકના મામાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારના સમયે મારી બેનનો ફોન આવ્યો હતો કે, મુકેશનો અકસ્માત થયો છે, તમે તેને ફોન કરો. ત્યારે તેને ફોન કરતાં પહેલાં તેને ફોન બંધ આવ્યો હતો. પરંતુ થોડીવાર રહીને ફોન કરતાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, વીઆઈપી રોડથી મહંમદપુરા કાકાના ઢાબા ચાર રસ્તાથી એસપી રિંગ રોડ જતા રેઈન ફોરેસ્ટની સામે અકસ્માત થયો છે અને એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે.

ઘટનાસ્થળે ભાણો મૃત હાલતમાં હતો
ફોન પર વાત કરીને તેઓ તરત અકસ્માતવાળી જગ્યાએ જવા રવાના થઈ ગયા હતાં. આ દરમિયાન સગાઓને પણ ફોન પર જાણ કરી દીધી હતી. તેઓ જ્યારે અક્સ્માતના સ્થળે પહોંચ્યા ત્યારે મુકેશ મૃત હાલતમાં પડ્યો હતો. લોકોએ તેમને કહ્યું હતુંકે, બોપલ બાજુથી આવી રહેલા એક કાર ચાલકે મુકેશને પાછળથી ટક્કર મારી હતી. આ દરમિયાન તેની કારની નંબર પ્લેટ પણ તૂટી જતાં ત્યાં પડી હતી. પોલીસે કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...