અમદાવાદ શહેરમાં ફરીથી કારનો કાચ તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. આ ગેંગ દ્વારા આજે સોલા વિસ્તારમાં એક જમીન દલાલની કારનો કાચ તોડી 20 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવે છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અજાણ્યા શખસો કાચ તોડીને બેગ ઉઠાવી ગયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોલા વિસ્તારમાં આવેલા હેબતપુર પાસે નારાયણ કોમ્પલેક્ષ પાર્ક કરેલી કારના કાચ તોડીને આજે બપોરે કેટલાક શખસો બેગ ઉઠાંતરી કરી ગયા હતા. આ બેગ 20 લાખ રૂપિયા રોકડા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. આ કાર એક જમીન દલાલની છે, જેમાં 20 લાખ રૂપિયા ભરેલી બેગ હતી. કોઈ અજાણી વ્યક્તિઓ કારનો કાચ તોડીને આ બેગ લઈ ગયા છે. બીજી તરફ કોમ્પલેક્ષમાં જે જમીન દલાલની ઓફિસ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ગેંગને પકડવા માટે સક્રિય થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
હજુ કેટલાની ચોરી થઈ તે સ્પષ્ટ થયું નથી
આ અંગે સોલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ વાય આર વાઘેલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કારનો કાચ તોડીને બેગ ગઈ હોવાનો બનાવ બન્યો છે, પરંતુ કેટલી રકમ ગઈ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
બાપુનગરમાંથી પણ વેપારી સાથે અકસ્માતનું બહાનું કરીને ટોળકી 5.10 લાખ ચોરી ગઈ
અન્ય એક ઘટનામાં બોડકદેવમાં રહેતા મેહુલકુમાર જસાણી ઓઢવ કઠવાડા જીઆઈડીસીમાં સ્ટીલ એન્ડ સ્ક્રેપ નામનું કારખાનું ધરાવે છે. 3મેએ બાપુનગરની આંગડિયા પેઢીમાંથી મેહુલકુમાર રૂ.5.10 લાખ બેગમાં લઈને કારખાને જઈ રહ્યા હતા ત્યારે ઓઢવ ફાયર સ્ટેશન પાસે બાઈક ચાલકે અકસ્માત કર્યો હોવાનું કહી અટકાવ્યા અને આ દરમિયાન બીજી બાઇક પર આવેલા 3 ચોર કારનો કાચ તોડી રૂ.5.10 લાખની ચોરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.