ખોખરા વિસ્તારમાં આવેલા રમતગમત સંકૂલના ગેટ પાસે રમી રહેલા ભાઈબહેનને કારચાલકે અડફેટે લેતા એક બાળકીનું સ્થળ પર જ મોત નિપજયંુ હતું, જયારે તેના ભાઈને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ સંદર્ભે પોલીસે રમતગમત સંકુલના ઈન્સ્ટ્રકટર એવા કારચાલકની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
ખોખરામાં રમતગમત સંકુલની બહાર આવેલી વસ્તીમાં રહેતા શ્રમજીવી પરિવારો પૈકીના એક પરિવારના બે સંતાનો શનિવારે સવારના સમયે પોતાના ઘરની બહાર રમી રહ્યા હતા. આ સમયે રમતગમત સંકુલના ઈન્સ્ટ્રકટરે પોતાની કાર પૂરઝડપે હંકારીને સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોતાના ઘર પાસે રમી રહેલી બાળકી આયુષી દંતાણી (4)કાર નીચે કચડાઈ જતા તેનુ સ્થળ પર જ મોત નિપજયુ હતું.
આ દ્રશ્ય જોઈ લોકોએ બૂમાબૂમ કરતા કારચાલકે કાર રિવર્સમાં લેતા પાછળ ઉભેલા આયુષીના ભાઈ આદિત્ય દંતાણી (ઉં.5) પણ કારની અડફેટે આવી ગયો હતો. એકઠા થયેલા લોકોએ કારચાલકને કારની બહાર નીકળવા કહ્યું હતું જો કે તેણે કારમાંથી જ પોલીસને ફોન કરી દીધો હતો જેના પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકને એલ.જી હોસ્પિટલ ખસેડયો હતો. આ અંગે ખોખરા ટ્રાફિક ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ બનાવની સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.