ચૂંટણી:ગાંધીજીના નામે રાજનીતિ કરતા પક્ષોના ઉમેદવારે ફોર્મ ભર્યાં પણ 300 ડગલાં દૂર ગાંધી આશ્રમને ભૂલ્યાં

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મૃગાંક પટેલ
  • કૉપી લિંક
  • ગાંધી તું ખુરશી સુધી જવાનો રસ્તો બની ગયો...
  • ભાજપના ઉમેદવારો મોદીનું નામ વટાવી ચાય પે ચર્ચા કરી લોકો પાસેથી મત માગે છે

‘કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહિ ને શિરસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો’શેખાદમ આબુવાલાની આ પંક્તિઓ આજના ચૂંટણીના માહોલમાં બિલકુલ યથાર્થ ઠરે છે.ચૂંટણી આવે એટલે તમામ રાજકીય પક્ષો વિકાસની મોટી ગુલબાંગો પોકારે અને ગાંધીજીની દુહાઈ આપવા બેસી જાય છે. ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર ઓફિસે જવું પડે છે.

ગાંધી આશ્રમ અહીંથી માંડ 300 મીટરના અંતરે છે છતાં ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષના એકપણ ઉમેદવારે ગાંધી આશ્રમ સુધી જવાની તસ્દી લીધી નથી. હવે તો ગાંધીજીનાં મૂલ્યો જેમ પુસ્તકોમાં ધરબાઈ ગયા છે તેમ ગાંધી આશ્રમ પણ ટુરિસ્ટ પ્લેસ બની ગયો હોય એમ લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પથી માંડી શિન્જો આબે અને શી જિનપિંગ સહિતના નેતા અમદાવાદ આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ મહાનુભાવોને ગાંધી આશ્રમ લઈ ગયા હતા. લોકશાહી પર્વના મુરતિયાએ પણ અહીં ડોકીયું કરવા આવ્યા નથી. ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષો હોય મોટાભાગના ઉમેદવારો મંદિરોમાં ‘માથું ટેકવવા’ ગયા છે પણ મહાત્માના મંદિરે કોઈ ગયું નથી.

ભાજપના પ્રત્યેક ઉમેદવાર કયાંક ને કયાંક મોદીના નામે જ મતો માંગી રહ્યાં છે તેઓ પોતે શું કાર્યો કર્યા, કેટલી આપદાઓમાં કોની પડખે ઉભા રહ્યાં તે કશું જ કહી શકતા નથી. નિકોલના જગદીશ પંચાલ અને એલિસબ્રિજના અમિત શાહ તો પ્રચાર દરમિયાન ચાની કીટલીઓ પર પહોંચી ગયા અને ચા બનાવવા લાગ્યા અને મોદીને યાદ કરી ચાય પે ચર્ચા કરી.

મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર કોમી સૌહાર્દ ,હિન્દુ-મુસ્લિમની પણ રાજનીતિ

દરિયાપુરની બેઠક કોંગ્રેસ પાસે છે. અહીંના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ દ્વારા હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવાના બદલે સૌહાર્દની રાજનીતિ કરી રહ્યાં છે. તેઓ ભગવાન સ્વામિનારાયણ કાલુપુરની પોળમાં આવ્યા હતા ત્યારનો ઈતિહાસ યાદ કરી રહ્યાં છે તો દર વર્ષે યોજાતી રથયાત્રામાં કોમી એકતાનું જે વાતાવરણ સર્જાય છે તેનો પણ પ્રચાર કરે છે. બીજી તરફ, જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા મુસ્લિમોને એક જ મુસ્લિમ ઉમેદવારને મત આપી વિધાનસભામાં લઈ જવાનો પ્રચાર કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે, અહીં મીમ, આપ, અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ છે અને તેમાં મત વહેંચાઈ જવાની ભીતિ છે. આ બેઠક પણ ભાજપનો ગઢ ગણાય છે પણ 2017માં આ બેઠક કોંગ્રેસે જીતી હતી.

12 બેઠક પર એક જ ચર્ચા છે, અહીંથી કમાને ઊભો રાખો તો પણ કમળ જ ખીલે

બાપુનગર, દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડાને બાદ કરતા 12 બેઠકો પર કોઈ ઉમેદવારને મતદારો જોતા જ નથી. અહીં સમસ્યાઓ ખૂબ જ ઓછી છે એટલે મતદારો પક્ષ જોઈને મતદાન કરે છે અને એટલે જ એક જ ચર્ચા ચાલે છે કે, અહીં ભાજપમાંથી કમાને પણ ઉભો રાખવામાં આવે તો તે પણ જીતી જાય. 2017ની ચૂંટણીમાં નિકોલ, નરોડાની બેઠક પર ભાજપને પાટીદાર અનામત આંદોલનને લઈને ડખો લાગતો હતો પણ આ વખતે કોઈ પણ પરિબળ એવુ નથી કે જેથી ભાજપને ચિંતા રહે.

ત્રણ મુસ્લિમ અને માત્ર એક હિન્દુ ઉમેદવાર હોવાથી મુસ્લિમ મતનું વિભાજન થઈ શકે

2017માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ 6,187 મતથી જીત્યા હતા. આ ચૂંટણીમાં બેઠક પર ટફ ફાઈટ છે. કેમ કે, અહીં ઓવૈસીના પક્ષ, આપ અને કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર મુસ્લિમ છે. જ્યારે ભાજપના હિન્દુ ઉમેદવાર છે. મુસ્લિમના મત ત્રણ ભાગમાં વહેંચાઈ શકે છે. જેને કારણે અહીં ભારે રસાકસી જોવા મળશે. જો કે, કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કોમી એકતાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા 29 હજાર મતથી જીત્યા હતા. જો કે તે ચૂંટણીમાં ઓવૈસીનો પક્ષ નહોતો. જેથી એ વખતની ચૂંટણીમાં ઓવૈસીના ઉમેદવાર સાબીર કાબલીવાલાએ ઈમરાન ખેડાવાલને સપોર્ટ કર્યો હતો. આ બંને એક જ કોમના અને એક જ સમાજના છે. જેથી આ વખતે આ મત પણ વહેંચાઈ જવાની શક્યતા છે. કોંગી ઉમેદવાર ઈમરાને આ જ મુદ્દો આગળ ધરી એક જ મુસ્લિમ ઉમેદવારને મત આપવા પ્રચાર કરી રહ્યા છે. અહીં ચારેય કોર્પોરેટર ઓવૈસીના પક્ષના છે.

આ બેઠક પર 2017ની ચૂંટણીમાં શૈલેષ પરમાર 32 હજારથી વધુ મતથી જીત્યા હતા. આ બેઠક પર પણ મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધારે છે. દલિત મતદારો પણ વધુ છે. જો કે, આ વખતે અહીં એકપણ મુસ્લિમ અપક્ષ નથી. જેથી વોટ વહેંચાઈ જવાની શક્યતા નહિવત્ છે.

આ બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ માત્ર 3,067 મતથી જીત્યા હતા. અહીં પણ આ વખતે ટફ ફાઈટ છે. જો કે, બાપુનગરમાં ઓવૈસીના પક્ષના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે.

ઉમેદવારોએ કરેલાં દેવદર્શન

ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર, એસજીવીપી ભૂષણ ભટ્ટ જગન્નાથ મંદિર દર્શના વાઘેલા અંબાજી મંદિર ધર્મેન્દ્ર પટેલ જોગણીમાતાના મંદિર પાયણ કુકરાણી પદમાવતી માતાના મંદિર અમિત શાહ દેરાસર, આચાર્ય મહારાજ

અન્ય સમાચારો પણ છે...