ઉમેદવારો ધ્યાન આપજો:PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારે એક જ વાર દોડવાનું રહેશે, PSIમાં 50 અને LRDમાં 25 માર્ક્સમાંથી ગુણ મળશે

અમદાવાદ18 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • ઉમેદવારોએ દોડની પરીક્ષામાં લીધેલા સમયના આધારે તેમને માર્ક્સ આપવામાં આવશે
  • 3 ડિસેમ્બરના રોજ શારીરિક પરીક્ષા શરૂ થશે

ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવારો છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત ગુરુવારે કરવામાં આવી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારે એક જ વખત દોડની પરીક્ષા આપવાની રહેશે. PSI અને LRD બંનેમાં 5000 મીટર(5 કિલોમીટર) 25 મિનિટમાં પૂરું કરવાનું છે. જોકે બંનેના માર્કસ અલગ મળશે. દોડમાં ઉમેદવારોએ જેટલો સમય લીધો હશે એના આધારે માર્ક્સ મળશે, જેમાં PSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ આપવામાં આવશે. PSI અને LRDના માર્ક્સ અલગ ગણવામાં આવશે.

26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
ગુરુવારે PSI અને LRD ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 3 ડિસેમ્બરના રોજ શારીરિક પરીક્ષા શરૂ થશે. કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. PSI અને LRDની શારીરિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારે બોર્ડ નક્કી કરે એ મુજબ એક જ વાર દોડ કરવાની રહેશે, જેમાં PSI માટે 50 અને LRD માટે 25માંથી માર્ક્સ આપવામાં આવશે, એટલે કે જો ઉમેદવાર 20 મિનિટથી ઓછા સમયમાં દોડ પૂરી કરશે તો PSI માટે 50 માર્ક્સ અને LRD માટે 25 માર્ક્સ આપવામાં આવશે, જેથી જે ઉમેદવારે બંનેમાં ફોર્મ ભર્યાં છે તેમણે આ માર્ક્સની ગણતરી એ રીતે ધ્યાનમાં લેવાની રહેશે.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

PSI અને LRD બંને માટે શારીરિક માપનાં ધોરણો સરખાં
પુરુષ ઉમેદવારો માટે PSI અને LRD બંને માટે શારીરિક માપ પરીક્ષાનાં ધોરણો સરખાં છે, પરંતુ મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટીનાં ધોરણો અલગ છે, જેથી એના આધારે તેમની પરીક્ષા લેવામાં આવશે. મહિલા ઉમેદવારોએ એ ધ્યાનમાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. PSI અને LRD બંનેની શારીરિક દોડ અને શારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગળની લેખિત પરીક્ષામાં બેસી શકશે.

LRDમાં શારીરિક કસોટીના 25 અને PSIના 50 માર્ક્સ
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ, બન્ને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ, બાકી બન્ને ભરતી અલગ-અલગ છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક્સ છે અને PSIના 50 માર્ક્સ છે. ધારો કે 20 મિનિટ લીધી એટલે શારીરિક કસોટીના 25 માર્ક્સમાંથી મળવાપાત્ર માર્ક્સ લોકરક્ષકમાં જતા રહેશે. એ જ રીતે PSIમાં 50માંથી લેખિત-શારીરિક કસોટીના માર્ક્સ મળ્યા હોય એનું ટોટલ થશે. આ બન્ને પરીક્ષા અલગ જ છે. બન્ને માટે અલગ અલગ ફોર્મ છે.