રાજ્યમાં જાહેર થયેલા PSI ભરતીના પરિણામને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ પરિણામને લઈને ઉમેદવારોએ કુલ જગ્યાની સંખ્યા સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરીટમાં સમાવવામાં ન આવ્યા હોવાનો દાવો કર્યો હતો. જેથી આ મામલે ઉમેદવારોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે. જેથી 100થી વધુ જેટલા ઉમેદવારોએ મળીને ગુજરાત હાઇકોર્ટમાં ભરતી પરિણામને પડકાર્યું છે. જે મામલે આવનાર દિવસોમાં સુનવણી હાથ ધરવામાં આવશે.
કેટેગરી મુજબ ત્રણ ગણું મેરિટ જાહેર કરવાની માંગ
ગત સપ્તાહે જ જારી થયેલ પી.એસ.આઇ ભરતી પરિણામનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પરિણામ સામે વિરોધ નોંધાવતા પરીક્ષા આપનાર ઉમેદવારો એ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. ઉમેદવારોની માંગ છે GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ. પરંતુ તેમ નથી કરવામાં આવ્યું છે. આમ કરવાની જગ્યાએ ભરતી બોર્ડ તમામ કેટેગરી મળી 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
4311 ઉમેદવારો પ્રીલિમરી પરીક્ષામાં પાસ
નોંધનીય છે કે, 6 માર્ચ 2022 ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. જેમાં કુલ 1382 જગ્યા માટે અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી ભરતી બોર્ડે જાહેપ કરેલા પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા હતા.
PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.