PSI ભરતી વિવાદ:સિંગલ જજના હુકમને ઉમેદવારોએ ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો, 15 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • પીએસઆઇની ભરતીની પ્રિલિમ પરીક્ષાના પરિણામમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માગ

પીએસઆઇ સીધી ભરતી પ્રક્રિયા વિવાદ મામલે અરજદાર પરીક્ષાર્થીઓ લડી લેવાના મુડમાં જણાઈ રહ્યા છે. ગુજરાત ગુજરાત હાઇકોર્ટમાં સિંગલ જજની બેન્ચે અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને ભરતી બોર્ડની ભરતી કાર્યવાહી યોગ્ય ગણાવી હતી. જોકે, હવે અરજદારોએ સિંગલ જજના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં જ ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે. આ મામલે વધુ સુનાવણી 15મી જૂને હાથ ધરવામાં આવશે.

8 જૂને હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચે અરજદારોની અરજી ફગાવી
રાજ્યમાં પીએસઆઇની ભરતીની પ્રિલિમ પરીક્ષાના પરિણામમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માગ સાથે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં ડિવિઝન બેન્ચ સમક્ષ ફરીથી પોતાની માગ અંગે રજૂઆત કરી છે. બે દિવસ પહેલાં જ એટલે કે 8 જૂને ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચે અરજદારોની અરજીને ફગાવી દીધી હતી.

મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય- કોર્ટ
સિંગલ બેન્ચના જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે, પ્રિલિમ પરીક્ષામાં મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય તેમ પણ કોર્ટે નોંધ્યું હતું.

1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા
6 માર્ચ 2022ના રોજ પીએસઆઇની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલી પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ જાહેર થયા હતા. પ્રિલિમ પરીક્ષાના પરિણામને પડકારતાં પરીક્ષા આપનાર ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો.

GPSC પેટર્ન મુજબ 3 ગણા ઉમેદવાર મેરિટમાં સમાવવા માગ
ઉમેદવારોની માંગ હતી કે, GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC, OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ. પરંતુ તેમ નથી કરવામાં આવ્યું. આમ કરવાની જગ્યાએ ભરતી બોર્ડ તમામ કેટેગરી મળી 3 ગણા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...