ઉમેદવારો ધ્યાન આપજો:પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ઉમેદવારો સ્માર્ટવોચ કે ડિજિટલ વોચ પહેરીને મેદાન પર દોડી નહીં શકે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉમેદવારો મેદાન પર કાંટાવાળી ઘડિયાળ પહેરીને દોડી શકશે

હાલમાં રાજ્યભરમાં 15 જેટલા મેદાનો પર પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. આ પરીક્ષામાં પાસ થવા માટે મહિલા અને પુરુષ બંને ઉમેદવારોને અનુક્રમે 9.30 મિનિટ અને 25 મિનિટના નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરવાની હોય છે. જોકે ઘણા ઉમેદવારો આ પરીક્ષામાં સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ પહેરીને જતા હોવાનું સામે આવ્યું છે. જેથી ભરતી બોર્ડ દ્વારા આ પ્રકારની ઘડિયાળ પહેરીને મેદાનમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

મેદાન પર કાંટા ઘડિયાળ જ પહેરીને દોડી શકાશે
આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, 'ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશી શકશે નહીં. પરંતુ કાંટા વાળી ઘડીયાળનો ઉપયોગ કરી શકશે. આ અંગે ફરી દરેક મેદાનને સૂચના આપવામાં આવેલી છે.' એવામાં શારીરિક કસોટી આપવા માટે જઈ રહેલા ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ડિજિટલ વોચનો ઉપયોગ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

એક જેવા નામ ધરાવતા ઉમેદવારોની અરજીને અપાઈ મંજૂરી
નોંધનીય છે કે, પોલીસ ભરતીની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં ઘણા ઉમેદવારોના એક કરતા વધુ ફોર્મ ભરેલા હોવાથી તેને ડિલીટ કરાયા હતા. જોકે આ વચ્ચે કેટલાક સમાન નામ ધરાવતા ઉમેદવારોના ફોર્મ પણ ડિલીટ થઈ ગયા હતા. આ મામલે ભરતી બોર્ડને ઉમેદવારો તરફથી રજૂઆત મળી હતી, જેના પર ચકાસણી કરીને આવી અરજીને ફરીથી માન્ય કરી છે.

OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર
ભરતી બોર્ડની વેબસાઈટ પર ઉમેદવારોની રજૂઆત સાંભળીને તેમની અરજીને ફરી માન્ય કરવામાં આવી છે. અહીં કુલ 115 જેટલા ઉમેદવારોનું લિસ્ટ વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે. ઉમેદવારોના કોલલેટર OJAS વેબસાઈટ પર પણ મૂકવામાં આવ્યા છે, જ્યાંથી તે આને ડાઉનલોડ કરી શકે છે અને ભરતીની શારીરિક કસોટીમાં જે તે તારીખે મેદાન પર હાજર રહીને તેમાં ભાગ લઈ શકે છે.