ત્રણ દિવસ પહેલાં કેનેડા-યુએસ બોર્ડર પર કલોલના ડિંગુચા ગામના એક જ પટેલ પરિવારના 4 વર્ષનું બાળક સહિત ચાર સભ્યનાં થીજી જવાને કારણે મોત થયાં હતાં. આ કરુણાંતિકાની વિશ્વભરમાં ગંભીર નોંધ લેવાઈ છે, એને પગલે અમેરિકા, કેનેડા અને ઇન્ડિયામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. માત્ર એટલું જ નહીં, કેનેડા અને ઇન્ડિયાએ આ ઘટનાની સંયુક્ત તપાસ શરૂ કરી છે, જેમાં ગેરકાયદે ઘૂસણખોરી થઈ રહી છે એ અંગે ગુજરાત સહિત ભારતમાં ફુલ્યાફાલેલા એજન્ટોને પણ ખુલ્લા પાડવામાં આવી શકે છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે.
સમગ્ર પ્રકરણમાં રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ સીઆઇડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. એની સાથે સાથે પોલીસ ડિંગુચા ગામના તલાટી પાસેથી મૃત દંપતીનાં મતદાર યાદીમાં નામ સહિતની વિગતો પણ મેળવી લેવામાં આવી છે.
ભારતીયોને લઈ જઈ રહેલા સ્ટીવ સેન્ડની ધરપકડ થઈ હતી
પોલીસ ફરિયાદ મુજબ સ્નો હટાવી રહેલી ટ્રકના ડ્રાઇવરે કહ્યું હતું કે તેનો 19 જાન્યુઆરીના રોજ સ્ટીવ સેન્ડ નામના એજન્ટ સાથે ભેટો થયો હતો. આ ચારેય મૃતદેહો મળ્યા બાદ ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખસ ભારતીયોને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ હોવાની આશંકા છે. કોર્ટ ડોક્યુમેન્ટ મુજબ આ લોકોએ કેનેડામાં ઘૂસવા માટે મોટી રકમ લઈને ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા અપાવી ઘૂસણખોરી કરાવતો હતો. કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે.
સ્ટીવ સેન્ડે ઉબેરના ડ્રાઇવર તરીકે ઓળખ આપી
કેનેડામાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે પોતાને ઉબેર ડ્રાઇવર તરીકેની ઓળખ આપનાર સેન્ડ નામની વ્યક્તિ પાસેથી બે કાર, જેમાં એક ટોયેટા 2016 મોડલ અને હોન્ડા સિવિક ધરાવે છે. તે કાર માલિક આ પ્રવાસીઓને બોર્ડર પર મૂકવા ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સેન્ડને બોન્ડ પર અમુક શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યો છે. આ મામલે જ્યારે પણ કોર્ટમાં સુનાવણી થાય ત્યારે સેન્ડને હાજરી આપવી પડશે.
ઇન્ડિયન કોન્સ્યુલેટ કેનેડિયન એજન્સીને તપાસમાં મદદ કરશે
હાઇકમિશન ઓફ ઇન્ડિયાએ કેનેડામાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગત અઠવાડિયે કોન્સ્યુલર ઓફિશિયલ વિનીપેગમાં તપાસ અર્થે અને માઇગ્રન્ટની ઓળખ કરવા અંગે મળ્યા હતા. ટોરેન્ટો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલની આગેવાની હેઠળ ટીમ કે જે મેનિટોબામાં છે તે કેનેડિયન એજન્સીની તપાસમાં મદદ કરી રહી છે. કેનેડાના એક અહેવાલમાં એમ પણ જણાવ્યું હતુ કે તમામ ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થયા બાદ જ ઓળખ શક્ય બનશે.
પટેલ પરિવાર બરફની ચાદર ઓઢીને મોતને ભેટ્યો
ગાંધીનગરના કલોલ તાલુકાના ડિંગુચા ગામના મૂળ વતની જગદીશભાઈ બળદેવ ભાઈ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન, પુત્રી વિહાંગી (ગોપી) અને પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ પિતા બળદેવભાઈને કેનેડા જતા હોવાની વાત કરીને નીકળ્યાં હતાં. જોકે નસીબે સાથ ન આપતાં તેઓ કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરી શક્યાં નહોતાં અને ભારે હિમવર્ષાને કારણે ગ્રુપમાંથી છૂટાં પડી ગયાં હતાં અને બરફની ચાદર ઓઢીને મોતને ભેટ્યાં હતાં.
બાળકોનાં કપડાં, ડાયપર અને રમકડાં મળ્યાં હતાં
પોલીસ ફરિયાદ મુજબ, આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. કેનેડામાં ઊતર્યા બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યાં હતાં. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોનાં ડાયપર, રમકડાં, બાળકોની દવા, કપડાં મળ્યાં છે.
એજન્ટ સાથે 1.65 કરોડમાં ડીલ થઈ હતી
ડિંગુચા ગામમાં વહેતી થયેલી વાતો મુજબ પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું, જેમાં પટેલ પરિવારે સ્થાનિક એજન્ટ સાથે અમેરિકા બોર્ડર ક્રોસ કરવા માટે 1 કરોડ 65 લાખ નક્કી કર્યા હતા. એજન્ટે ઉત્તરાયણ પછી પરિવારને તૈયાર રહેવા પણ જણાવ્યું હતું અને પરિવાર બારેક દિવસ અગાઉ નક્કી થયેલા ગ્રુપમાં રવાના પણ થઈ ગયો હતો, એટલે જ તો પરિવારના મોભી બળદેવભાઈ પટેલને પુત્ર જગદીશ સાથે કોણ કોણ ગયું છે એની ચોક્કસ માહિતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.