ઠેર-ઠેર રસીના કેમ્પ:​​​​​​​અમદાવાદમાં કોર્પોરેટરો અને NGO વેક્સિનેશન માટે મેદાનમાં, દરેક વોર્ડમાં આવેલી ફ્લેટ-સોસાયટીમાં કેમ્પો શરૂ કરાયા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કોર્પોરેટરોને દરેક લોકો રસી લે એના માટે વ્યવસ્થા કરી વધુમાં વધુ રસીકરણ કરાવવા સૂચના
  • કોરોનાના કેસો વધે છે, જેના માટે માસ્ક પહેરવાં અને સોશિયલ ડિસ્ટન્સની સલાહની જગ્યાએ કાર્યક્રમો યોજાય છે

રાજ્યમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોને વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં 100થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં AMC દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં દરરોજ આ રીતે અલગ અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પો શરૂ થયા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવર અને નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્સ ફ્લેટમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. બંને ફ્લેટમાં 20 જેટલા લોકોએ વેક્સિન લીધી હતી. સરકાર અને કોર્પોરેશન ઝડપથી લોકોને વેક્સિન આપવા આવે એવી વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે, જેના માટે દરેક વોર્ડમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરો- કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે.

ફ્લેટમાં 100 લોકોને વેક્સિન લેવી હશે તો AMCની ગાડી આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ કમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન માટે વ્યવસ્થા કરી છે. ઉપરાંત જે સોસાયટી અને ફ્લેટમાં 100 જેટલા લોકો 45 વર્ષથી વધુની વયના હોય તેમને વેક્સિન આપવા ફ્લેટમાં જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જેને લઈ નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્સ ફ્લેટમાં સેવ હ્યુમિનિટી NGOની મદદથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. NGOના પ્રેસિડેન્ટ પૂનમ પાંચણીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં 140 જેટલા લોકોએ રસી લીધી હતી. વેક્સિનેશન માત્ર સરકારની જવાબદારી નથી. અલગ-અલગ કેમ્પ કરી વેક્સિનેશન કરી શકાય છે જેના માટે AMCને 100થી વધુ લોકોનું લિસ્ટ આપવાનું રહે છે. વધુ લોકો વેક્સિન લે અને જાગ્રત બને તેના માટે આ રીતે કેમ્પ યોજવામાં આવ્યો હતો.

કેમ્પમાં 50થી વધુ લોકોએ વેક્સિન લીધી.
કેમ્પમાં 50થી વધુ લોકોએ વેક્સિન લીધી.

દરરોજ વેક્સિનેશન કાર્યક્રમ યોજાય છે
શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવરમાં પણ રાજસ્થાન જૈન મિત્ર પરિષદ ગ્રુપ દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર ભરત પટેલ (લાલભાઈ બિલ્ડર), પ્રતિભા જૈન સહિતના કોર્પોરેટર અને સ્થાનિક કાર્યકરો હાજરી આપી હતી. આ કેમ્પમાં 50થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. સ્થાનિક રહેવાસી અને ભાજપનાં કાર્યકર અંજલિ કૌશિકે જણાવ્યું હતું કે શાહીબાગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દરરોજ વેક્સિનેશન કાર્યક્રમ યોજાય છે અને લોકો વેક્સિન લઈ રહ્યા છે.

દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં લોકોને રસી અપાવવાની જવાબદારી આપવામાં આવી.
દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં લોકોને રસી અપાવવાની જવાબદારી આપવામાં આવી.

કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં રસીની જવાબદારી અપાઈ
ઉલ્લેખનીય છે કે હવે દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં લોકોને રસી અપાવવાની જવાબદારી આપવામાં આવી છે. એક તરફ કેસો વધી રહ્યા છે ત્યારે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને અન્ય કાર્યક્રમ ન યોજવા માટે સલાહ આપવાની જગ્યાએ 15થી 20 કાર્યકર્તાઓને લઈ વેક્સિનેશન કાર્યક્રમમાં પહોંચી જાય છે.