• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Cabinet Meeting Will Be Held, Counting Of Votes Of 8686 Gram Panchayats Of The State Has Been Held, Read Who Became Sarpanch In Your Village?

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​કેબિનેટની બેઠક મળશે, રાજ્યની 8686 ગ્રામપંચાયતની મતગણતરી યોજાઈ, વાંચો તમારા ગામમાં કોણ બન્યા સરપંચ?

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 22 ડિસેમ્બર, માગશર વદ-ત્રીજ (સંકષ્ટ ચતુર્થી)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે કેબિનેટની બેઠક, પેપરલીક અને વાયબ્રન્ટ અંગે ચર્ચા થશે
2) આજથી આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે
3) આજથી મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ સપ્તાહના 5 દિવસ દોડશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* રાજ્યની 8686 ગ્રામપંચાયતની મતગણતરી યોજાઈ, વાંચો તમારા ગામમાં કોણ બન્યા સરપંચ

રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. 33 જિલ્લાનાં વિવિધ ગામોમાં સરપંચપદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે. ત્યારે અહીં નીચે મૂકવામાં આવેલી યાદીમાં કયા જિલ્લાના કયા ગામમાં કોણ સરપંચપદનું વિજેતા થયું એની માહિતી આપવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

* અસિત વોરાને ક્લીન ચિટ?:પેપર ફૂટ્યાના 10મા દિવસે ગૃહ રાજ્યમંત્રીએ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરી, રૂ.30 લાખ રિકવર કર્યાં

12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. અત્યાર સુધીમાં રૂ.30 લાખ રિકવર કરવામાં આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે. જોકે ગૃહ રાજ્યમંત્રીએ અસિત વોરાનું નામ પણ લીધું નહોતું, શું તેમને ક્લીન ચિટ આપી?

વાંચો સમાચાર વિગતવાર

* AAP નેતાઓ નજરકેદ: ઈટાલિયા, ઈસુદાન સહિત 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, એકને PSIની પરીક્ષા હોવાથી જામીન બાકીનાને જ્યુ. કસ્ટડીમાં મોકલાયા

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને ગઈકાલે રાતે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાંથી પરીક્ષા હોવાથી 1 આરોપીને 1 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને બાકીનાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા.

વાંચો સમાચાર વિગતવાર

* હાઇકોર્ટમાં સુનાવણી:માહિતી ખાતાની ક્લાસ-1 અને 2ની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોક, રાજ્ય સરકારને નોટિસ ફટકારી

ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે રૂબરૂ ઈન્ટરવ્યુ નવેસરથી લેવા તથા વેઈટીંગ લીસ્ટ પણ બનાવવાની માંગણી કરી હતી. આ બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.

વાંચો સમાચાર વિગતવાર

* પરિવારમાં જ હારજીત:ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં ક્યાંક પુત્ર સામે માતાનો તો ક્યાંક સાસુ સામે વહુનો વિજય થયો

રાજ્યની ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ત્યારે કેટલીક ગ્રામ પંચાયતમાં પરિવારના સભ્યો વચ્ચે જ રસપ્રદ જંગ ખેલાયો હતો. રાજ્યની કેટલીક ગ્રામ પંચાયતોમાં સાસુ-વહુ, ભાઈ-ભાઈ, માતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે આવો જાણીએ પરિવારના જ સભ્યો વચ્ચે ખેલાયેલા ચૂંટણીમાં જંગમાં કોનો હાથ ઉપર રહ્યો.

વાંચો સમાચાર વિગતવાર

* ભારત વિરોધી 20 યુ-ટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ, પાકિસ્તાનથી ઓપરેટ થતી 2 વેબસાઈટ સામે પણ લાલઆંખ

પાકિસ્તાનથી ઓપરેટ થતી 20 યુ-ટ્યૂબ ચેનલ અને 2 વેબસાઈટ પર કેન્દ્ર સરકારે મંગળવારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પગલાં ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને સૂચના પ્રસારણ મંત્રાલયના રિપોર્ટ્સના આધારે લેવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતી ચેનલ્સ અને વેબસાઈટ ભારત સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દા પર ફેક ન્યૂઝ ફેલાવાઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે, ઈન્ટરનેટ પર કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ, રામ મંદિર અને જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ જેવા મુદ્દાઓ પર આ યુ-ટ્યૂબ ચેનલ્સ અને વેબસાઈટ પર ફેક ન્યૂઝ પોસ્ટ કરવામાં આવી હતી. સરકારે જે યુ-ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં ધી પંચ લાઈન, ઈન્ટરનેશનલ વેબ ન્યૂઝ, ખાલસા ટીવી, ધી નેકેટ ટ્રુથનો સમાવેશ થાય છે.

વાંચો સમાચાર વિગતવાર

* ગૃહ ફરી ગાજ્યું,TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભાના વર્તમાન સત્રમાંથી સસ્પેન્ડ, ચૂંટણી અધિનિયમ અને બાળ વિવાહ પ્રતિબંધ (સુધારા) વિધેયકને મંજૂરી

તૃણમુલ કોંગ્રેસ(TMC)ના સાંસદ ડેરેક ઓબ્રાયનને મંગળવારે ગૃહમાં ખરાબ વ્યવહાર માટે રાજ્યસભાના વર્તમાન સત્રમાં ​​​​​​થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની ઉપર મંગળવારે ચૂંટણી વિધેયક (સુધારો) 2021 પર ચર્ચા સમયે રાજ્યસભાની રુલ બુકને સભાપતિ તરફ ફેંકવાનો આરોપ છે. બીજી બાજુ સંસદનું શિયાળુ સત્ર પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ સંજોગોમાં કેન્દ્રની મોદી સરકાર બાકી રહેલા સમયગાળામાં ઝડપભેર વિધેયકો પસાર કરવા ઈચ્છે છે. આ ક્રમમાં આજે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બાળ વિવાહ પ્રતિબંધ (સુધારા) વિધેયક,2021 રજૂ કર્યું. આ વિધેયકમાં છોકરીઓ માટે લગ્ન કરવાની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની જોગવાઈ છે.

વાંચો સમાચાર વિગતવાર

* કેન્દ્રની રાજ્યોને ચેતવણી- ઓમિક્રોન ડેલ્ટાથી ત્રણ ગણો વધુ સંક્રામક, બચવા માટે કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાયો અપનાવો

ઓમિક્રોનના વધતા કેસને જોતા કેન્દ્ર સરકારે રાજ્યને ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું કે ઓમિક્રોન કોરોનાના જૂનાં વેરિયન્ટ ડેલ્ટાની તુલનાએ 3 ગણી ઝડપથી ફેલાય રહ્યો છે. આ કારણે કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાય અપનાવવાનું શરૂ કરી દે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 202 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે. બંને રાજ્યોમાં 54-54 કેસ છે. ઓરિસ્સામાં મંગળવારે 2 નવા સંક્રમિત મળ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અંતે પાટીલ બોલ્યા:પેપરલીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે, AAPનું વર્તન યોગ્ય ન હતું 2) પટેલ ‘નરેશ’:લેઉવા પાટીદારોના આગેવાન નરેશ પટેલ અમદાવાદમાં, રાજકારણમાં જોડાવા અંગે કહ્યું-સમય નક્કી કરશે 3) ધોરણ 10 અને 12 કોમર્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 26 ડિસેમ્બર સુધી લંબાવાઈ, 27 ડિસેમ્બરથી લેટ ફી લેવામાં આવશે 4) સર્ચ ઓપરેશન:ચાઇનીઝ કંપની OPPO પર પડેલા દરોડાના પગલે રાજકોટમાં પૂજારા ટેલિકોમ રડારમાં આવતા ITનું સર્ચ ઓપરેશન શરુ 5) આ વર્ષે એલન મસ્ક રૂપિયા 83 હજાર કરોડનો ટેક્સ ચૂકવશે, આ રકમ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના 13 ટકા જેટલી 6) કરાંચીમાં કટ્ટરપંથીઓએ ફરી હિન્દુ મંદિર તોડ્યું, દુર્ગા માની મૂર્તિ ખંડિત કરી; હિન્દુઓની આસ્થા પર 22 મહિનામાં 9મો હુમલો

આજનો ઈતિહાસ

વર્ષ 1851માં આજના દિવસે ભારતમાં પહેલી માલગાડી ચલાવવામાં આવેલી. તેને રુડકીથી ચલાવવામાં આવેલી. અત્યારે આ ક્ષેત્ર દેશના ઉત્તરાખંડ રાજ્યમાં છે

અને આજનો સુવિચાર

​​​​​​​ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?​​​​​​​

​​​​​​​તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...