ગુડ મોર્નિંગ ગુજરાત:આજે કેબિનેટની બેઠકમાં સ્કૂલ ફી અંગે નિર્ણય લેવાશે, ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે પેટાચૂંટણી

અમદાવાદએક વર્ષ પહેલા

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આજે ગુજરાતની આ 5 ઘટના પર રહેશે નજર

1. આજે કેબિનેટની બેઠકઃ સ્કૂલ ફી, કૃષિ બિલ, કોરોના અંગે ચર્ચા
ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટની આજે બેઠક મળવાની છે, જેમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી ઘટાડા ઉપરાંત વિવાદાસ્પદ કૃષિ બિલ અને કોરોના અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કાબૂમાં લેવા માટે નવો એક્શન પ્લાન ઘડવા પણ આ બેઠકમાં ચર્ચા થશે.

2. રાજકોટમાં આજથી બે દિવસ પાણી કાપ અમલી રહેશે
ભાદર ડેમ નજીક લીલાખામાં ફ્લોમીટર ગાસ્કેટ લીકેજ હોવાથી તેની રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. આ કારણથી 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ રાજકોટમાં સેન્ટ્રલ ઝોન અંતર્ગત ગુરુકુળ હેડ વર્ક્સ હેઠળ આવતા ગોંડલ રોડના વોર્ડ નં. 07 પાર્ટ અને 13 પાર્ટ વિસ્તારમાં પાણી કાપ રહેશે.

3. આજથી ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષા શરૂ
ગુજરાત યુનિવર્સિટીની આજથી રેગ્યુલર ઓનલાઇન પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ઓનલાઇન ટેસ્ટમાં કોઈ ખામી ન સર્જાય એ માટે 27થી 29 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન મોકટેસ્ટ રાખવામાં આવી હતી. મંગળવારે સેમેસ્ટર-6, બીસીએ સેમેસ્ટર-6, બીએડ સેમેસ્ટર-4 સહિતની વિદ્યાશાખાની મોકટેસ્ટ યોજાઈ હતી.

4. MSUમાં આજથી કોમર્સ-આર્ટ્સની ફાઇનલ પરીક્ષા
વડોદરા MS યુનિવર્સિટીની કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીની ફાઇનલ એક્ઝામ 30 સપ્ટેમ્બરથી યોજવાની જાહેરાત કરાઈ છે. બંને ફેકલ્ટીના મળીને 5 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે. પરિણામની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

5. વલસાડના વિવિધ વિસ્તારોમાં આજે વીજપુરવઠો બંધ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વલસાડના 66 કેવી રૂમલા એસ.એસ હેઠળ આવતા વિવિધ વિસ્તારમાં આજે વીજકાપ અમલી કરાયો છે. સતાડિયા, મોગરાવાડી, અગાસી, ઘોલારમાં સમારકામ હોવાથી સવારે સાડાઆઠ વાગ્યાથી સાંજના સાડછ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1. ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે પેટાચૂંટણી
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ હાલની રાજ્યસભા ચૂંટણી પહેલાં આપેલાં રાજીનામાંને લીધે ખાલી પડેલી આ આઠ બેઠક પર 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી થઈ પરિણામ જાહેર કરાશે.
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

વડોદરામાં પરિવારના 3 સભ્યનાં મોતથી હૈયાફાટ રુદન કરતાં ડાબેથી મૃતકની બહેન, પાછળ ટી-શર્ટમાં ભાઈ.
વડોદરામાં પરિવારના 3 સભ્યનાં મોતથી હૈયાફાટ રુદન કરતાં ડાબેથી મૃતકની બહેન, પાછળ ટી-શર્ટમાં ભાઈ.

2. વડોદરાના બાવામાનપુરામાં બિલ્ડિંગ ધરાશાયીઃ 3નાં મોત
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં રાજસ્થાની પરિવારના 3 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં પતિ-પત્ની તથા પિતરાઈનો સમાવેશ થાય છે. મૃતકની બહેન, ભાઈ અને ભાભીએ હૈયાફાટ રુદન કરતાં સ્થાનિકો પણ રડી પડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3. ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજો 31 ડિસે. સુધી રિન્યુ થશે
સમગ્ર દેશમાં વાહન અને લાઇસન્સ સંબંધિત એક્સપાયર થયેલા દસ્તાવેજોને રિન્યુ કરવા સહિતની કામગીરી હવે 31 ડિસેમ્બર, 2020 સુધી કરી શકાશે. કેન્દ્રના આદેશ મુજબ આ દસ્તાવેજોમાં વાહનના ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, RC બુક, પરમિટ વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલાં આ મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4. રાજકોટ જિલ્લાના ઉપલેટા, ગોંડલ સહિતના વિસ્તારોમાં ભૂકંપ
મંગળવારે બપોરે 3.50 વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારમાં 4 સેકન્ડ સુધી 4.1ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. ભૂકંપથી રહીશો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિમી દૂર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

5. વડોદરામાં રાત્રે 7 વાગ્યા પછી બજારો બંધ કરવા અપીલ​​​​​​​
વડોદરામાં કોરોનાના સંક્રમણને નાથવા માટે સાંજે 7 વાગ્યા પછી વડોદરાનાં બજારો બંધ કરાવવા માટે વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા મેયર અને પોલીસ કમિશનરને અપીલ કરી છે. એસોસિયેશને જણાવ્યું છે કે વડોદરામાં દિવસે લોકો દંડના ડરથી માસ્ક પહેરે છે, પરંતુ સાંજ પછી 60 ટકા લોકો માસ્ક પહેર્યા વગર ફરવા માટે નીકળી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

અન્ય સમાચારો પણ છે...