મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે કેબિનેટની બેઠક, રાજ્યમાં કોરોના વિસ્ફોટક બન્યો, નવા 2265 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 1290 કેસ, બેનાં મોત

16 દિવસ પહેલા

નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 5 જાન્યુઆરી, પોષ સુદ ત્રીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે કેબિનેટની બેઠક, વાઇબ્રન્ટ, કોરોના અને બાળકોના વેક્સિનેશન અંગે ચર્ચા થશે 2) ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી 3) અમદાવાદ સાયન્સ સિટીમાં પ્રી-વાઇબ્રન્ટ કાર્યક્રમ, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન્સ યોજાશે 4) અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં ખેલ મહાકુંભનું આયોજન, હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* 29 મે પછી પહેલી વાર કોરોના કેસે 2200નો આંકડો વટાવ્યો, રાજ્યમાં 2265 કેસઃ અમદાવાદમાં એક જ દિવસમાં ડબલ થઈ 1290 કેસ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ એટલાં કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે. ત્યારે બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને પોરબંદરમાં જ કોરોનાના એકેય કેસ નોંધાયા નથી. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગનો અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયાં છે.

વાંચો સમાચાર વિગતવાર

* ભાજપના યુવા નેતાની સંડોવણી, પટેલ, ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાયને નોકરી અપાવવાનું ષડયંત્ર, 21 લાખમાં પેપર વેચાયાં

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં જે વચેટિયાનું નામ યુવરાજસિંહે લીધું છે તે અવધેશ પટેલ ધનસુરાના ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. કૌભાંડમાં નામ આવ્યા બાદ તે પોતાની કાર મૂકીને ભૂગર્ભમાં જતો રહ્યો છે. તપાસ દરમિયાન વધુ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે.

વાંચો સમાચાર વિગતવાર

* IMAની સરકારને સૂચનની ભાષામાં ચેતવણી:સ્કૂલો ફરીથી ઓનલાઈન કરો, સામાજિક અને રાજકીય-ધાર્મિક મેળાવડા બંધ કરો, રેસ્ટોરન્ટ, થિયેટરોમાં 50% કેપેસિટી કરી નાખો

રાજ્યમાં કોરોનાના દરરોજ 1200થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. જેથી સ્કૂલોમાં અનેક વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે. જેને પગલે ગુજરાતની ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચે રાજ્ય સરકારને ચેતવણીની ભાષામાં કેટલાક સૂચનો કર્યાં છે. જેમાં રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવાની મહત્વપૂર્ણ ભલામણ કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

* મંદિર કાશીમાં, આશીર્વાદ અમદાવાદમાં:રિવરફ્રન્ટ પર સંતોનો 'આશીર્વાદ મેળો', એક જ સ્ટેજ પર 100થી વધુ સાધુઓ, કોરોનાને ઘૂસવાની જગ્યા જ ના રહી, CM અને CR પણ પહોંચ્યા

ઉત્તરપ્રદેશમાં દિવ્યકાશી-ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના માટે આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રાજયના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ સમારોહમાં પહોંચ્યા છે. સમારોહમાં ચૈતન્ય મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા,પી.પી સ્વામી, મહામંડલેશ્વર અખિલેશદાસજી હાજર રહ્યાં છે. સાથે જ અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સમારોહમાં હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે

વાંચો સમાચાર વિગતવાર

* CATની પરીક્ષામાં ગુજરાતના ટોપરનો ઇન્ટરવ્યૂ:વડોદરાના પાર્થ ચૌધરીએ કહ્યું: 'મારા પિતાની ઇચ્છા હતી કે, હું CATની પરીક્ષા પાસ કરું, મારું પરિણામ સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરુ છું'

સોમવારે સાંજે જાહેર થયેલા કોમન એડમિશન ટેસ્ટ (CAT)ના પરિણામમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાંથી એક વિદ્યાર્થી વડોદરાનો પાર્થ ચૌધરી છે. પાર્થે તેનું પરિણામ તેના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

* કોરોના સામે 'રામબાણ' દવા એન્ટીવાઈરલ ડ્રગ મોલનુપિરાવિર લોન્ચ, કોરોના થાય તો પાંચ દિવસ ગોળી લેવાની; ભારતની 13 કંપનીઓ બનાવશે દવા

એન્ટીવાઇરલ ડ્રગ મોલનુપિરાવિરને તાજેતરમાં જ ભારતને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. એ દવા હવે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. આ દવા કોરોના-ઓમિક્રોન બંનેને ટક્કર આપશે એવું માનવામાં આવે છે. આ દવા દર્દીને પાંચ દિવસ સુધી દિવસમાં બેવાર આપવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક સારવારમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવશે, જે કોરોના-ઓમિક્રોન બંનેને ટક્કર આપવા સક્ષમ છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે આ દવા અત્યારસુધીની સૌથી વાજબી માનવામાં આવે છે. ભારતની અલગ અલગ 13 કંપનીઓ વિવિધ નામથી દવા બનાવશે.

વાંચો સમાચાર વિગતવાર

* મુંબઈમાં ફરી બેકાબૂ થયો કોરોના, 24 કલાકમાં 10,860 નવા કેસ અને 2 લોકોએ જીવ ગુમાવ્યા

ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહ પહેલાં સુધી જ્યાં કોવિડ-19ના દરરોજ 6થી 7 હજાર નવા કેસ સામે આવી રહ્યાં હતા, ત્યાં હવે આ આંકડો મંગળવારે વધીને 37,379એ પહોંચી ગયા છે. વધતા સંક્રમણના કેસમાં દેશભરમાં સરકારોની ચિંતામાં ખાસ વધારો થયો છે. કોવિડ-19ના દિલ્હી અને મહારાષ્ટ્રમાં ફરી એક વખત રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. મુંબઈમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ બન્યો છે. છેલ્લાં 24 કલાકમાં 10,860 કેસ નોંધાયા છે જ્યારે 2 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા 47,476 થઈ ગઈ છે.

વાંચો સમાચાર વિગતવાર

* સૂર્ય નમસ્કાર મામલે સર્જાયો વિવાદ, AIMPLBએ કહ્યું- ઈસ્લામમાં એની પરવાનગી નથી, કાર્યક્રમથી દૂર રહે મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિની

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) 75મા સ્વતંત્રતા દિવસે સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવાના નિર્દેશનો વિરોધ કર્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. અહીં બહુમતી ધરાવતા સમુદાયનાં રીત-રિવાજો અને એની પૂજા પદ્ધતિને તમામ ધર્મો પર થોપી ન શકાય. મૌલાનાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમથી મુસ્લિમ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને દૂર રહેવાની અરજ કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સરકાર હરકતમાં આવી: AAPના નેતા યુવરાજસિંહના આક્ષેપ બાદ કથિત ભરતી કાંડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા 2) વાઇબ્રન્ટ કરાર:300 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી; અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ અને ટેન્કનું ઉત્પાદન થશે 3) અમદાવાદમાં કોરોના હોટસ્પોટ બનેલા બોડકદેવ, સેટેલાઇટ, જોધપુરમાં લોકો માસ્ક વિના રખડે છે, કોર્પોરેશન-પોલીસે આંખે પાટા બાંધ્યા 4) ટેક્સટાઈલ બાદ ફૂટવેરના વેપારી મેદાને:સુરતમાં બૂટ-ચપ્પલના વિક્રેતાઓનું વિરોધ પ્રદર્શન, GST 5%ના બદલે 12% કરાતાં કાળી પટ્ટી બાંધી દેખાવો કર્યા 5) અમદાવાદમાં દારૂ પીતી વખતે રૂપિયાની લેતી-દેતીમાં બે મિત્ર વચ્ચે ઝગડો થયો, ઉશ્કેરાઈને મિત્રએ મિત્રનું પથ્થરથી માથું છૂંદી નાખ્યું 6) પાકિસ્તાન પછી શ્રીલંકાની તિજોરી ખાલી,ચીનની લોનથી શ્રીલંકા પર કરોડો રૂપિયાનું દેવું, લોકો 100-100 ગ્રામ દૂધ-શાકભાજી ખરીદી રહ્યા છે 7) ચીનના દુષ્પ્રચાર પર ભારતનો વળતો પ્રહાર, ચીનના વીડિયોના જવાબમાં ભારતે બહાર પાડ્યો ફોટો; તિરંગાની સાથે 30 સશસ્ત્ર ભારતીય સૈનિક LAC પર તહેનાત

આજનો ઈતિહાસ
વર્ષ 1691માં આજના દિવસે યુરોપમાં પ્રથમ વખત કાગળનું ચલણ સ્વીડનની બેન્ક દ્વારા ઈશ્યુ કરવામાં આવેલી. આ અગાઉ સુધી સ્વીડનમાં સિક્કાનું ચલણ હતું.

અને આજનો સુવિચાર
કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...