નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 16 ફેબ્રુઆરી, મહા સુદ-પૂનમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે કેબિનેટની બેઠક, પીવાના પાણી, નવી SOP અને વિધાનસભાના બજેટ સત્રની ચર્ચા થશે 2) આજે આખો દિવસ અડધા વડોદરાને પાણી નહીં મળે 3) ધોરણ 10-12ની પરીક્ષા માટે ઓફલાઇન માધ્યમથી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ 4) આજથી અંબાજીમાં ભજપ મંડળીઓ પારંપરિક રીતે ભજન કરી શકશે 5) આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રિક વ્હીકલ, પાર્કિંગ અને ચાર્જિંગ પોઈન્ટનું ઉદઘાટન થશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગ્રીષ્માના હત્યારાને સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળી રજા, પોલીસ-બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો
દેવેન ચિત્તે, આશિષ મોદીઃ સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ અને પોલીસને જોઈને ફિનેલ રડવા લાગ્યો હતો.
2) રાજકોટમાં ખુલ્લેઆમ ગેરકાયદે કપલ બોક્સ ધમધમે છે, સેટી, ગાદલાં, તકિયાં, ટેબલ ફેનની વ્યવસ્થા, 1 કલાકનું ભાડું રૂ.150
સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. ત્યારે હવે સુરત બાદ રાજકોટમાં પણ કપલ બોક્સ બંધ કરાવવાની માગણી ઊઠી છે. રાજકોટ દિવ્ય ભાસ્કરની ટીમે શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં શહેરમાં ખુલ્લેઆમ ગેરકાયદે કપલ બોક્સ ધમધમી રહ્યાનું જાણવા મળ્યું છે. સ્ટિંગ ઓપરેશન દરમિયાન કપલ બોક્સમાં સેટી, ગાદલાં, તકિયાં, ટેબલ ફેન સહિતની વ્યવસ્થા જોવા મળી રહી. કપલ બોક્સ ચલાવતા સંચાલકને ભાડા વિશે પૂછવામાં આવ્યું તો એક કલાકના 150 રૂપિયા કહ્યા હતા.
3) રાજ્યમાં 44 દિવસ બાદ 1 હજારથી ઓછા કેસ, 998 નવા કેસ સામે 2454 રિકવર, 16નાં મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 44 દિવસ બાદ 1 હજારથી ઓછા કેસ નોધાયા છે છે. છેલ્લા 24 કલાકમાં 998 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 16 દર્દીના મોત થયા છે. આજે 2454 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.19 ટકા થઈ ગયો છે. રાજ્યમાં આજે બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે.
4) અંતિમયાત્રામાં માનવમેદની ઊમટી પડી, ઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપ્યો, હત્યારાને ફાંસી આપવા લોકોની માગ
સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ હતી. બીજી તરફ અંતિમયાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી.મૃતદેહ પાસે માતા-પિતાએ આક્રંદ કર્યું હતું. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.બીજી તરફ સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી.
5) ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારનાર ફેનિલે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું, હાથની નસ નહીં પણ માત્ર ચામડી જ કાપી
દેવેન ચિત્તે, આશિષ મોદીઃ સુરતમાં કામરેજના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરી દવા પી હાથની નસ કાપી હતી. ત્યારબાદ પોલીસે તેને સારવાર અર્થે સિવલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દિવ્યભાસ્કર દ્વારા ફેનિલની હાલત અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફેનિલે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું અને હાથની નસ નહીં પણ માત્ર ચામડી જ કાપી હોવાનું સામે આવ્યું છે.
6) રાજકોટમાં ગુંડાગીરીનાં LIVE દૃશ્યો જોવા મળ્યાં, મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા 5 ભૂમાફિયાએ નશામાં સોસાયટીના લોકોને માર માર્યો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણ કરી મહિલાઓની છેડતી કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે ગઇકાલે રાત્રિના પણ 5 જેટલા ભૂમાફિયાએ નશાની હાલતમાં સ્થાનિકો પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
7) મુંબઈના અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલાં ઠેકાણાં પર EDનું મોટુ સર્ચ-ઓપરેશન, દાઉદની બહેનના ઘરે રેડ
મુંબઈમાં અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોના 10 ઠેકાણાં પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ રેડ કરી રહી છે. આ રેડ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ડરવર્લ્ડના લોકો સિવાય આ રેડમાં મહારાષ્ટ્રના એક મોટા નેતાનું પણ નામ બહાર આવ્યું છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘણા વર્ષોથી બંધ પડેલા ઘર પર પણ EDની ટીમે દરોડા પાડ્યા છે.
8) ડોરંડા ટ્રેઝરી કૌભાંડમાં અટકાયતમાં લેવામાં આવ્યા RJD સુપ્રીમો, લાલુ સહિત 75 આરોપીની સજાની જાહેરાત 21 ફેબ્રુઆરીએ
950 કરોડ રૂપિયાના દેશના બહુચર્ચિત ચારાકૌભાંડના સૌથી મોટા (ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરોડના કૌભાંડ) કેસમાં મંગળવારે આજે ચુકાદો આવી ગયો છે. CBIની સ્પેશિયલ કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સજાની જાહેરાત 21 ફેબ્રુઆરી થશે. RJD સુપ્રીમોને દોષિત જાહેર કર્યાની માહિતી બહાર આવતાં પટનાથી લઈને રાંચી સુધીમાં સમર્થકો નારાજ થઈ ગયા હતા.
9) ભારતીય એમ્બેસીએ વિદ્યાર્થીઓને વતન પરત ફરવા કહ્યું; ફ્લાઈટની ટિકિટનો ભાવ 70 હજારથી વધીને 2 લાખે પહોંચ્યો
ભારતે પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે. કિવમાં ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવા કહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવનાને કારણે આ સલાહ આપવામાં આવી છે. આ તણાવને કારણે અમેરિકા, બ્રિટન, નોર્વે, જાપાન, લાતવિયા અને ડેનમાર્કે પહેલેથી જ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા જણાવ્યું છે.
10) હાઈકોર્ટમાં વધુ સુનાવાણી બુધવારે હાથ ધરાશે, વિદ્યાર્થીનીઓના વકીલે દ.આફ્રિકાની કોર્ટના આદેશ પર દલીલ કરી
કર્ણાટકના હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અરજદાર છ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ એક નવી અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક રાજ્યોમાં ચૂંટણી હોવાના કારણે આ મામલાને રાજકીય રંગ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ કારણે વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવી રહી છે. કોર્ટ આ મામલાની વધુ સુનાવણી બુધવારે હાથધરશે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સુરતમાં ગ્રીષ્માની 2 કિમીથી લાંબી અંતિમયાત્રા, 12 કિમીના રૂટ પર રસ્તામાં ઠેર-ઠેર લોકોએ ફૂલોનો વરસાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી 2) અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટમાં સુનાવણી પૂર્ણ, 49 દોષિતોને 18 ફેબ્રુઆરીએ સજાનો ચુકાદો 3) સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોંગ્રેસે બેનર કાળીપટ્ટી ધારણ કરીને પ્રદર્શન કર્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરતા કાર્યકરોની અટકાયત 4) વડોદરા પાસે NBCમાંથી છુટા કરાયેલા 480 કર્મચારીઓ ભાજપના MLAના નિવાસસ્થાને ભૂખ હડતાળ પર, કહ્યું: 'ન્યાય નહીં મળે તો આપઘાત કરવો પડશે' 5) રાજ્યની 71 ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા કે ઓપરેશન પર રોક લાગે- ચીફ જસ્ટિસ 6) યુટ્યૂબે સંસદ ટીવી બંધ કર્યું:સંસદ ટીવી પર હેકર્સની તરાપ, નામ બદલીને 'Ethereum’ રાખ્યું ને ભળતું જ કન્ટેન્ટ પ્રસારિત કર્યું, હવે ચેનલ ઠપ 7) સોનિયાના નજીકના ગણાતા અશ્વિની કુમારે કોંગ્રેસે છોડ્યું; 14 વર્ષથી રાજ્યસભામાં સાંસદ, મંત્રી પણ રહ્યા 8) કેનેડામાં ઇમર્જન્સી:PM જસ્ટિન ટ્રુડોએ ઇમર્જન્સી લાગુ કરવાનો નિર્ણય લીધો, સમગ્ર દેશમાં ચાલી રહેલા દેખાવો પર લગામ લાગશે 9) રોહિતે કોહલીનો બચાવ કર્યો:ફોર્મ અંગેના સવાલ વિશે કેપ્ટને કહ્યું- મીડિયા જ ચર્ચા શરુ કરે છે; સવાલ કરવાનુ બંધ કરો, વિરાટ ફોર્મમાં પરત ફરશે
આજનો ઈતિહાસ
16 ફેબ્રુઆરી, 1944નાં રોજ હિન્દી સિનેમાના પિતામહ ગણાતા દાદા સાહેબ ફાળકેનું નિધન થયું. તેમના સન્માનમાં આપવામાં આવતા દાદા સાહેબ ફાળકે પુરસ્કારને સિનેજગતમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાવવામાં આવે છે.
અને આજનો સુવિચાર
દુનિયામાં અનેક તમાશા થતા હોય છે. જતી જવાની, આવતું ઘડપણ, બદલાતી ઋતુના અસ્ત થતા પડછાયા, જે બદલાય છે એ દુનિયા અને ન બદલાય એ પ્રભુ
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.