તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ મોર્નિંગ ગુજરાત:કેબિનેટની બેઠકમાં ચોમાસુ સત્ર અંગે આજે ચર્ચા, નર્મદા ડેમમાં નીરના વધામણાં થશે- ગોધરાથી NIA દ્વારા પાકિસ્તાની જાસૂસની ધરપકડ​​​​​​​

અમદાવાદ10 મહિનો પહેલા

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આજે ગુજરાતની આ 5 ઘટનાઓ પર રહેશે નજર

1. આજે કેબિનેટની બેઠક, વિધાનસભાના ચોમાસુસત્ર-કોરોનાની સમીક્ષા
રાજ્ય મંત્રીમંડળની આજે બેઠક મળશે જેમાં વિધાનસભાના આગામી ચોમાસુ સત્રની કામગીરી ઉપરાંત કોરોના કાબુમાં લેવાની ચર્ચા થશે. આ સિવાય વિકાસલક્ષી કામોને વેગવાન બનાવવા તેમજ શાકભાજીના બેફામ ગતિએ વધી રહેલા ભાવોથી લોકોને પડતી હાલાકી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

2. નર્મદા ડેમ 137.99 મીટરે, આજે ગમેત્યારે ઓવરફ્લો થશે
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 137.99 મીટરે પહોંચી છે અને 138 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે. આમ ડેમ હવે ગણતરીના કલાકોમાં છલોછલ ભરાઇ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા ડેમ ખાતે પૂજા કરીને નવા નીરના વધામણા કરે તેવી શક્યતા છે.

3. GTUની પ્રિ-ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને આજે વધુ એક તક
GTUની ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા 21 સપ્ટેમ્બરે યોજાશે. આ સંબંધે GTU દ્વારા મંગળવારે ઓનલાઇન પ્રિ-ટેસ્ટ લેવાઈ હતી. જે વિદ્યાર્થી આ પ્રિ-ટેસ્ટમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમને આજે વધુ એક તક મળશે. આ માટે વિદ્યાર્થીઓ સવારે સવારે 10.15 સુધીમાં લોગ-ઇન થઈને 11થી 11.30 વાગ્યા સુધી પ્રિ-ટેસ્ટ આપી શકશે.

4. હવે 4 દિવસ સુધી દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે
અવિરત વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગે કાંઈક સારા સમાચાર આપ્યા છે. સૌરાષ્ટ્ર માથે હવાનું દબાણ હળવું થયું છે. આ કારણે હવે ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આંશિક અને છૂટોછવાયો રહેશે તેવી આગાહી કરાઈ છે.

5. જામનગરની ગ્રેઈન માર્કેટ 30મી સુધી અડધો દિવસ જ ખુલ્લુ રહેશે
જામનગરમાં કોરોના સંક્રમણ વધતાં ગ્રેઈન માર્કેટ આજથી 30 તારીખ સુધી સવારે 8થી બપોરે 2 સુધી જ ખુલ્લું રહેશે. એસોસિયેશનની કારોબારીમાં ગ્રેઈન માર્કેટના કામકાજના સમયમાં ફેરફારનું નક્કી કરાયું છે. વેપારીઓ માલ ગમે તે સમયે ઉતારી શકશે. પરંતુ બપોરે 2 પછી વેચાણ કે ડિલિવરી કરાશે નહીં.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1. ગોધરાથી NIA દ્વારા પાકિસ્તાની જાસૂસની ધરપકડ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરા ઈમરાન કિતેલી નામના પાકિસ્તાની જાસૂસની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઇમરાન વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. ઇમરાન ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તાનમાં રહેતાં હોવાનું જણાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

16 દિવસ પહેલા અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. (ફાઈલ તસવીર)
16 દિવસ પહેલા અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. (ફાઈલ તસવીર)

2. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ કોરોનાથી ક્રિટિકલ​​​​​​​
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત કોરોના સંક્રમણ બાદ ક્રિટિકલ બની છે. રાજકોટમાં સારવાર લઈ રહેલા ભારદ્વાજ માટે અમદાવાદથી ત્રણ ડોક્ટર-ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લને ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટમાં મોકલાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે અને તેમના ફેફસાંમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

3. ભાવનગરમાં 1900 કરોડનું વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનશે​​​​​​​
રાજ્ય સરકારે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલની સ્થાપના કરવાના રૂ. 1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. 15 લાખ ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતા આ CNG ટર્મિનલની ભાવનગરનો વિકાસ ઝડપી બનશે. આ સાથે ગુજરાત LNG અને CNG બંને ટર્મિનલ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બનશે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

4. ગુજરાત હાઈકોર્ટમાં 16મીથી શરૂ થનારી પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત
ગુજરાત હાઈકોર્ટમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવાની હતી. પરંતુ હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રત્યક્ષ સુનાવણી માટે શરૂ કરવાના નિર્ણયને સ્થગિત કરાયો છે. જે જજીસ પ્રત્યક્ષ સુનાવણીની બેંચિસની અધ્યક્ષતા કરતા હોય તેઓ વર્ચ્યૂઅલ સુનાવણી કરશે. પ્રત્યક્ષ સુનાવણીની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.
વાંચો સમાચાર વિગતવાર

5.અમદાવાદના ગોતાથી ગુમ સાત વર્ષની ખુશીનો મૃતદેહ મળ્યો
ગત 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી ખુશી રાઠોડ નામની સાત વર્ષની બાળકીની લાશ મોડી સાંજે એસપી રિંગ રોડ પર આવેલા ઓંગણજ ટોલનાકા નજીક ખુલ્લી જગ્યામાંથી મળી આવી હતી. આ મામલે સોલા પોલીસે પરિવારના પરિચિત વ્યક્તિની અટકાત કરી હતી. પૂછપરછ દરમિયાન આ વ્યક્તિએ જ ખુશીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે મૃતદેહનો DNA ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથધરી છે. સાથે જ હત્યાના કારણો અને તેમાં બીજુ કોઇ સંડોવાયેલુ છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

અન્ય સમાચારો પણ છે...