BJP શાંત, કોંગ્રેસમાં રોષ:વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસનો હોબાળો, 'ભાજપ તારા રાજમાં ડ્રગમાફિયા મોજમાં','ગૃહમંત્રી રાજીનામું આપે..'ના નારા લગાવ્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • 3 માર્ચે રાજ્યનું વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર નાણામંત્રી સૌપ્રથમ વખત રજૂ કરશે

આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. સત્ર પહેલા કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોઈકે બેનર પહેરી તો કેટલાકે ભાજપ વિરોધ નારા લગાવી વિરોધ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ થતા જ 'ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં', 'કોંગ્રેસે ગૃહમંત્રી રાજીનામું આપે..'ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસનો હોબાળો પણ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલા નાના ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતાં પ્રતિકાત્મક વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યારે શૈલેસ પરમારે જણાવ્યું કે, સરકારનો પેપરલીક કાંડ અને પોલીસનો ખંડણી કાંડના મુદ્દે ચર્ચા કરીશું. વિધાનસભા ગૃહના માહોલની વાત કરીએ તો ત્યાં ભાજપના સભ્યો શાંત જોવા મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયેલા હતા. કેટલાક સભ્યો પોતાની બેઠક છોડી વેલ તરફ ઘસી ગયા હતા.

ગુજરાતમાં કેટલા બાળકો કુપોષણથી પીડાય છે? કોંગ્રેસ
સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતામ દૂધાતે બજેટ સત્રમાં કુપોષણથી પીડાતા બાળકોની વિગતો માંગી હતી. જેના ભાજપે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યનાં તમામ જિલ્લા, હોસ્પિટલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 215 બાળસેવા કેન્દ્ર/બાળ કેન્દ્ર (સીએમટીસી/એનઆરસી)માં કુપોષણથી પીડાતા બાળકોને સારવાર આપવામાં આવે છે. ૦થી બધા બાળકોને થેરાપ્યુટીક ફુડ આપવામાં આવે છે, તમામ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. નિવારવા માટે વિટામીન A રાઉન્ડ અને કૃમિનાશક દિવસ અંતર્ગત બાયએન્યુઅલ રાઉન્ડમાં વિટ સોલ્યુશન અને ટેબલેટ આલ્બન્ડાઝોલ બાળકોને આપવામાં આવે છે. બાળકોને IFA Syrup અને માતાઓને તેમજ કિશોર/કિશોરીઓને IFA Tablets આપવામાં આવે છે. આરોગ્ય અને પોષણમાં સુધાર સમગ્ર રાજ્યમાં સર્ગભા માતા અને ધાત્રી માતાઓને કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત શરતી રૂા.6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમાર
કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમાર

અમદાવાદ કરતા સુરતમાં ભીખ માંગતા બાળકો વધુ
ગુજરાતમાં હવે ટ્રાફિક સિગ્નલ પર વધુ ભિખારીઓ જોવા મળે છે જેમાં પણ ખાસ કરીને બાળકોની ભીખ માંગવાનો સંખ્યા વધુ દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે આજે વિધાનસભામાં રાજ્યમાં 2020માં ભીખ માંગતા બાળકોને રેસ્ક્યુ અંગેના પુછાયેલ પ્રશ્નમાં સુરતમાં 40 બાળકો અને અમદાવાદમાં 25 બાળકો હોવાનો આંકડો સામે આવ્યો આવ્યો હતો.આ ભીખ માંગતા બાળકોની સંખ્યા નહિ પણ માત્ર રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની સંખ્યા છે તેનાથી વધુ બાળકો રસ્તા પર ભીખ માંગતા દેખાય છે.

પેપર કાંડ, ખંડણી કાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક રહેશે: શૈલેષ પરમાર
વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે, સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. ગુજરાતના પ્રાણ પ્રશ્નો અને વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. પેપર કાંડ, ખંડણી કાંડ, કોરોનામાં કરેલ કાંડ અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક રહેશે. અમારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે કે વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નોને ઉજાગર કરીએ. ભાજપ વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિર માં ધારાસભ્યોનો અવાજ દબાઈ રહ્યો છે. રાજ્યસભા, લોકસભાનું પ્રસારણ થાય છે તો વિધાનસભાનું કેમ નહીં. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠી લખી આપવામાં આવે એટલું જ બોલે છે.

અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે: ખેડાવાલા
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ જોવા મળ્યો હતો. તેઓએ જણાવ્યું કે, અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ છે. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય.

નવી સરકારમાં ઉત્સાહની સાથે ઉચાટ
નવી સરકાર રચાયા બાદ પ્રથમ બજેટ રજૂ કરવાનો નવી સરકારમાં અનોખો ઉત્સાહની સાથે ઉચાટ જોવા મળી રહ્યો છે. નાણા મંત્રી કનુ દેસાઇના બજેટમાં આગામી વિધાનસભાની ચૂંટણીના ચોક્કસપણે પડઘા જોવા મળશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસ તેમજ શિક્ષિત બેરોજગારોને રોજગારી મહિલાઓ માટે વિશેષ યોજનાઓ લઈને આવશે. આ વખતમાં બજેટ દરમિયાન કોઈપણ વધારાના વેરા સરકાર દ્રારા નાખવાનું આયોજન નહીં હોવાના સંકેત મળી રહ્યા છે.

ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ માટે આ બજેટ સત્ર મહત્વનું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ સત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલા મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફુલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે. તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખ્તો તૈયાર કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...