ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા 13 ડિસેમ્બરથી શરૂ થશે આ સાથે 14 ડિસેમ્બરથી જ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સીએ સાથે બીકોમનો અભ્યાસ કરતા હોય છે. ત્યારે હવે બંને પરીક્ષા સાથે શરૂ થતાં વિદ્યાર્થીઓએ એક પરીક્ષા છોડવી પડશે જેનાથી વિદ્યાર્થીઓના 6 મહિના કે 1 વર્ષ સુધીનો અભ્યાસ બગડી શકે છે.
પરીક્ષા ના આપે તો વિદ્યાર્થીના 6 મહિના બગડે
સીએ ફાઉન્ડેશનની પરીક્ષા સમગ્ર ભારતમાં એક સાથે લેવામાં આવશે તો ગુજરાત યુનિવર્સિટીની પણ સેમેસ્ટર 3ની પરીક્ષા સાથે જ શરૂ થશે. સીએ કરતા વિદ્યાર્થીઓ બીકોમનો પણ અભ્યાસ કરે છે. બીકોમની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીએ ફાઉન્ડેશનની પરીક્ષા ના આપે તો 6 મહિના વિદ્યાર્થીઓના બગડે અને 6 મહિના બાદ ફાઉન્ડેશનની પરીક્ષા આપવી પડે.
બંને પરીક્ષાઓ વચ્ચે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા
સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપનાર વિદ્યાર્થી બીકોમની પરીક્ષા ના આપે તો વિદ્યાર્થીએ આવતા વર્ષ સુધી રહા જોવી પડે એટલે કે વિદ્યાર્થીનું આખું એક વર્ષ બગડે. ત્યારે આ બંને પરીક્ષાઓ વચ્ચે હવે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. સીએ ફાઉન્ડેશનની પરીક્ષા એક સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપવાના છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડશે
જોકે, તેમાં ફેરફાર કરવામાં આવે તો સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવો પડે. ગુજરાત યુનિવર્સિટીની પણ પરીક્ષા હજારો વિદ્યાર્થીઓ આપશે. યુનિવર્સિટીની પરીક્ષા કે ફાઉન્ડેશનની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં નહીં આવે એટલે હવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડશે.
'અમારે કઈ આપવી અને કઈ ના આપવી તે મોટો પ્રશ્ન'
પ્રીત પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે શરૂઆતથી બંને માટે તૈયારી કરતા હતા. હવે બંને પરીક્ષા સાથે શરૂ થશે તો અમારે કઈ આપવી અને કઈ ના આપવી તે મોટો પ્રશ્ન છે. બંને સાથે હોવાથી કોઈપણ એક જ પરીક્ષા એક સમયે આપી શકાશે અને બીજી પરીક્ષા જતી કરવી પડશે.
'સેમેસ્ટર 3ની પરીક્ષા આવતા વર્ષે આપી શકે છે'
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે, હવે વિદ્યાર્થીએ કઇ પરીક્ષા આપવી તે તેની પસંદગી છે. યુનિવર્સિટીની પરીક્ષા ના આપે તો સેમેસ્ટર 5ની પરીક્ષા સાથે તે સેમેસ્ટર 3ની પરીક્ષા આવતા વર્ષે આપી શકે છે. અમે પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરી શકીશું નહીં.
'પરીક્ષા તો તેના સમય પર જ શરૂ થશે'
ICAIના ચેરપર્સન સીએ બીશન શાહે જણાવ્યું હતું કે, દેશભરમાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષા એક સાથે લેવામાં આવશે. પરીક્ષાની તારીખ બદલાવી શકાય નહીં એટલે પરીક્ષા તો તેના સમય પર જ શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.