મહાઠગ કેસમાં વધુ એક ઘટસ્ફોટ:PM સાથેની ઓળખ આપીને કિરણ પટેલ કર્ણાવતી, રાજપથ કલબની ચૂંટણીમાં સ્ટ્રેટેજી પ્લાનર બન્યો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિરણ પટેલ પોતે વડાપ્રધાનનો ખૂબ નજીકનો માણસ હોવાનું કહીને જમ્મુ-કાશ્મીર પહોંચી ગયો હતો અને ઝેડ પ્લસ સિક્યોરિટીમાં બોર્ડર સુધી ફરી આવ્યો છે, પણ કિરણ પટેલ આ પહેલાં અમદાવાદમાં પણ અનેક કળા કરી ચૂક્યો છે. કિરણ પટેલ અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી ક્લબમાં સ્ટ્રેટેજિક પ્લાનર તરીકે ઘૂસ્યો હતો. પોતાની ઓળખ પીએમના ખાસ માણસ હોવાની કહીને અલગ અલગ પેનલની મિટિંગોમાં જઈને માર્કેટિંગ અને જીતની ફોર્મ્યુલા સમજાવતો હતો. તેણે એક પેનલના સભ્યોને જીત માટે 20 લાખ રૂપિયા ખર્ચની પણ ઓફર કરી હતી.

અમદાવાદના મોટા ગજાના લોકોના સંપર્કમાં આવ્યો
ભેજાબાજ મહાઠગ કિરણ પટેલનાં કારનામાં રોજેરોજ ખૂલી રહ્યાં છે. કિરણ પટેલ પોતાને પીએમઓનો અધિકારી હોવાની સાથે પીએમ સાથે સીધા સંબંધ હોવાનું કહીને અમદાવાદના મોટા ગજાના લોકોના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે અમદાવાદની ફાઇવસ્ટાર ક્લબમાં પણ તે સીધો જ ઇન્વેસ્ટમેન્ટર હતો. અમદાવાદમાં આવેલી કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબની ચૂંટણીમાં કિરણ પટેલને ભાગ્યે જ કોઈ એવું હશે, જે નહીં ઓળખતું હોય, કારણ કે તે કોઈપણ મિટિંગમાં ઘૂસી જતો હતો અને આખી સ્ટ્રેટેજી ઘડવાનું કહેતો હતો.

પાવર પેનલની એક વ્યક્તિ મારફત ક્લબમાં ઘૂસ્તો
કિરણ પટેલ વિશે ભાંડો ફૂટતાં કર્ણાવતી ક્લબ અને અન્ય ક્લબના મેમ્બર ચૂંટણી દરમિયાન તે શું કરતો હતો એ વિશે જણાવતા કહે છે કે તે કર્ણાવતી ક્લબના પાવર પેનલની એક વ્યક્તિ મારફત ક્લબમાં આવતો હતો. તેણે અલગ અલગ લોકો સાથે વાતો કરી તેમજ એક ઉમેદવારને બેસાડી દીધો હોવાનો પણ તેણે માહોલ બનાવ્યો હતો. જેથી અનેક લોકો પ્રભાવિત થઈ ગયા હતા. ઘણા ક્લબમાં ચૂંટણી ચાલી રહી હતી. ત્યારે અલગ અલગ લોકોની મિટિંગ ચાલતી હતી.

પીએમઓનું નામ વટાવી લોકોને પ્રભાવિત કરતો
ત્યારે કિરણ પટેલ આ મિટિંગમાં ઘૂસતો હતો અને કઈ રીતે બેનર લગાવવા, કયા સ્લોગન લખવા, કઈ રીતે વોટ મેળવવા એ અંગે સમજાવતો હતો. તમે ચૂંટણી જીતી જશો એમ કહીને કેટલાક લોકોને 20 લાખ રૂપિયાનું પેકેજ પણ ઓફર કર્યું હતું. તે પોતે ખાલી વાતો કરતો હતો જે અનેક લોકોને ખબર પડી ગઈ હતી, પરંતુ તે જે વ્યક્તિ મારફતે ક્લબમાં આવતો હતો અને પોતે જે પ્રમાણે પીએમઓનું નામ વટાવતો હતો તેનાથી કોઈપણ પ્રભાવિત થઇ જાય તેમ હતું.

સરકાર સાથે સંબંધ છે કહીને લોકોને બાટલીમાં ઉતારતો
કિરણ પટેલ પોતે એટલી મોટી વાતો કરતો હતો કે તે પોતે ક્લબની ચૂંટણીનો સ્ટેટ્સ પ્લાનર બની ગયો હતો. આ ચૂંટણીમાં પાવર પેનલનો વિજય થયો હતો. ત્યાર બાદ તે અનેક મોટા લોકોના સંપર્કમાં આવીને સરકારની સાથે સંબંધ છે કહીને લોકોને બાટલીમાં ઉતારતો હતો.