ભાજપને યુવાઓમાં રસ નહીં:ગુજરાતમાં વૃદ્ધ ઉમેદવારને ટિકિટ આપવામાં BJP અગ્રેસર, યુવા અને મહિલાઓને હાંસિયામાં ધકેલ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો. જયનારાયણ વ્યાસને 75 વર્ષથી વધુ વય હોવાના કારણે ટિકિટ મળવાની ન હતી તેમ કહીને ભાજપે ગુજરાતમાં વય મર્યાદા લાદી હતી. ત્યારે 75થી ઓછી પરંતુ વયના વૃદ્ધ ઉમેદવારોનો છેલ્લી 3 વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં દબદબો જોવા મળ્યો છે. વિધાનસભાની ચૂંટણી લડવા માટે 25 વર્ષની ઉંમર હોવી જરૂરી છે, ત્યારે 25 વર્ષ પછી ચૂંટણી લડવા માગતા યુવાઓને ભાજપમાં પ્રાધાન્ય નથી મળતું. ભાજપે છેલ્લી 3 ચૂંટણીમાં સરેરાશ 5 ટકા યુવાનો ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે મહિલાનું સરેરાશ 10 ટકા કરતા પણ ઓછી ટિકિટ આપી છે. ત્રણ વર્ષના ટ્રેક રેકોર્ડ મુજબ સ્પષ્ટ બતાવે છે કે જે નવા ચેહરા ચૂંટણી લડવા માગે છે તેમને પ્રાધાન્ય નથી મળતું.

રાજ્યમાં હાલ 11.62 લાખથી વધુ નવા યુવા મતદારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા રાજ્યના મતદારોની ફાઇનલ મતદાર યાદી જાહેર કરી હતી. જેમાં રાજ્યમાં નવા 11.62 લાખથી વધુ નવા યુવા મતદારોનો ઉમેરો થયો છે. જો કે મતદારો વધે છે પરંતુ ઉમેદવારીની વાત આવે તો ભાજપ ચૂંટણી લડાવવામાં યુવાનોને ઓછું અને વૃદ્ધ ઉમેદવારને વધુ પ્રાધાન્ય મળે છે. નવા ચેહરાને તક આપવામાં ભાજપ પાછી પાની કરે છે અને તે આંકડા પણ સાબિત કરે છે. 2007માં 27 ટકા, 2012માં 45 ટકા અને 2017માં 49 ટકા વૃદ્ધ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. જેની સામે યુવાનોની સંખ્યા વધુમાં વધુ 5 ટકા જેટલી જ છે.

અનુભવને મહત્વ, મહિલાઓ અને યુવાઓને ટિકિટ ઓછી
રાજ્યમાં યુવાનો ને પ્રાધાન્ય આપવાની વાત થાય છે પણ આજ યુવાનોની જ્યારે સત્તામાં ભાગીદાર બનાવવાની વાત આવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પાછી પાની કરે છે. કારણ કે સિનિયરને પ્રાધાન્ય આપવાની લ્હાયમાં યુવાનોને ટિકિટ મળતી નથી. પરિણામે સરકારમાં પણ યુવાનો ભાગીદાર નથી બની શકતા. બીજી બાજુ સિનિયરને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે વર્ષોથી 5થી લઈ 25 વર્ષ સુધી એકની એક સીટ પર ચૂંટણી લડે છે.

2007માં 25થી 35 વર્ષના માત્ર 10 યુવાનોને ટિકિટ અપાઈ
2007માં 27 ટકા વૃદ્ધ જ્યારે 5 ટકા યુવાનને ભાજપે ટિકિટ આપી હતી. જ્યારે મહિલાઓનું પ્રમાણ 12 ટકા યુવાનોના ફાળે 5 ટકા ટિકિટ ફાળવી હતી. ચૂંટણી જીતવા માટે સિનિયરોની સલાહ અને અનુભવ મહત્વનો રહેતો હોય છે અને જો સિનિયરને ટિકિટ ના આપે તો બળવો થવાનો ભય રહે છે. જેના કારણે નવા ચહેરાના બદલે જૂના જોગી જ ઉમેદવાર બને છે. જો યુવાનોની વાત કરીએ તો 2007 ભાજપના 182 ઉમેદવારનું વિશ્લેષણ કરતાં 25થી 35 વર્ષના માત્ર 10 યુવાનોને ટિકિટ ભાજપે આપી હતી જ. સાથે જ સિનિયર( વૃદ્ધ )લોકોની વાત કરીએ તો 56 વર્ષથી ઉપરના 27 ટકા લોકોને ટિકિટ આપી હતી.2007માં ભાજપે 182 સીટ પર 88 ટકા એટલે કે 160 પુરુષ ઉમેદવાર, 12 ટકા મહિલા એટલે કે 22 મહિલાને ટિકિટ આપી હતી.

2012માં 2 ટકા યુવા અને 10 ટકા મહિલાઓને ટિકિટ આપી
2012માં 45 ટકા વૃદ્ધ(56 વર્ષથી ઉપરના) ઉમેદવારને ટિકિટ આપી હતી. જ્યારે 2 ટકા યુવા અને 10 ટકા મહિલાઓને ભાજપે ટિકિટ આપી છે. 2012ના ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 25થી 35 વર્ષના યુવાન લોકોને માત્ર 5 યુવાને જ ટિકિટ આપી હતી. જ્યારે 56 વર્ષથી વધુ ઉંમરના 82 લોકોને ટિકિટ આપી હતી. મહિલાઓની પણ કંઈક આજ પ્રકારની સ્થિતિ ભાજપમાં છે. 2012માં મહિલા ઉમેદવારને 10 ટકા એટલે કે 19 મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી.

2017માં 3 ટકા યુવા અને 6 ટકા મહિલાઓને ટિકિટ આપી
2017માં 49 ટકા વૃદ્ધ ઉમેદવાર જ્યારે 3 ટકા યુવાન ઉમેદવારને મેદાને ભાજપે ઉતાર્યા હતા. જ્યારે 6 ટકા મહિલાઓને ટિકિટ આપી હતી. યુવાનોને ત્રણ ટકા ટિકિટ મળી હતી. 2017માં ભાજપે યુવાનોને ટિકિટ આપવા પાછી પાની કરી અને માત્ર 35 વર્ષ સુધીના 7 યુવાનોને ટિકિટ આપી હતી. જ્યારે વૃદ્ધ એટલે કે 56થી વધુ ઉંમરના 89 લોકોને ટિકિટ આપી હતી. 2017માં ભાજપે 182માંથી 6 ટકા એટલે કે 10 ટકા મહિલાઓને ટિકિટ આપી હતી.

1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જો કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વર્ષોથી થતી ટક્કર વચ્ચે આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાના એઁધાણ છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. પંરતુ કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા હતા અને પેટાચૂંટણીમાં જીતીને ભાજપની કુલ બેઠક 112 થઈ હતી. કોંગ્રેસને રાજીનામા પડતાં મોટું નુકસાન થયું હતું અને 77થી ઘટીને 65 ધારાસભ્યો કોંગ્રેસ પાસે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...