ભાસ્કર ઇનડેપ્થભાજપની ટિકિટ ફાળવણીનું ગણિત:40 પાટીદાર, 14 મહિલા, 10 બ્રાહ્મણ, 5 ક્ષત્રિય ઉમેદવારો ઊભા રાખી ભાજપે જ્ઞાતિનાં સમીકરણની સાથે યુવા નેતાગીરીને પ્રમોટ કરી

અમદાવાદ3 મહિનો પહેલા

નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા તે પછી ગુજરાતમાં સત્તા તો ભાજપની રહી છે પરંતુ આઠ વર્ષમાં સરકાર કદી સ્થિર રહી શકી નથી. આનંદીબેનને પાટીદાર આંદોલન નડ્યું તો વિજય રૂપાણીએ કોવિડ મિસમેનેજમેન્ટનો ભોગ બનવું પડ્યું. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ અમુક મંત્રીઓના બફાટને લીધે સતત વિવાદમાં રહી. આવામાં ભાજપે 2022ની ચૂંટણી માટે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેનો ઉદ્દેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનો હોય તેમ લાગે છે. જેમાં યુવા નેતાગીરીને પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિનાં સમીકરણને પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવ્યા છે.

પાટીદાર-બ્રાહ્મણ-ક્ષત્રિય-મહિલાઓનું નોંધપાત્ર પ્રતિનિધિત્વ
ભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 40 પાટીદાર, 7 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 10 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 5 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિનાં સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે.

અમિત શાહની ફાઈલ તસવીર
અમિત શાહની ફાઈલ તસવીર

અમદાવાદમાં તો મ્યુનિ.ની કેડરને પ્રમોટ કરવાનો દાવ
અમદાવાદની 16માંથી 15 બેઠક પરના ઉમેદવારો જાહેર કરાયા છે. આમાંથી ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નિકોલમાંથી જગદીશ પંચાલ સિટિંગ ધારાસભ્યો છે જેમને રિપીટ કરાયા છે. જ્યારે ખાડિયા-જમાલપુરમાંથી ગત ચૂંટણીમાં હારવા છતાં ભૂષણ ભટ્ટને ટિકિટ આપી છે. અલબત્ત બાકીનો મોટાભાગનો લોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના સભ્યોનો છે. આમાં અમિત શાહ (એલિસબ્રિજ), અમૂલ ભટ્ટ (મણિનગર), દર્શના વાઘેલા (અસારવા), દિનેશ કુશવાહા (બાપુનગર), કૌશિક જૈન (દરિયાપુર)નો સમાવેશ થાય છે.

એલિસબ્રિજ-મણિનગર-અસારવાને સાચવી લીધી
એલિસબ્રિજ બેઠક પરથી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ટિકિટ અપાઈ છે. અમિત શાહ 1995થી 2020 સુધીની ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે 2005-2008 સુધી તેઓ અમદાવાદના મેયર હતા. જ્યારે પૂર્વમાં ભાજપનો ગઢ ગણાતી મણિનગર બેઠક પર અમૂલ ભટ્ટને ટિકિટ મળી છે. તેઓ 2015થી 2020 સુધીની ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ 2018થી 2020 સુધીની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. અસારવા વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલા પણ 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર હતા.

હસમુખ પટેલની ફાઈલ તસવીર
હસમુખ પટેલની ફાઈલ તસવીર

બાપુનગર અને દરિયાપુરમાં ઉમેદવાર બદલ્યા
બાપુનગર વિધાનસભા બેઠક પર સૌ પ્રથમવાર કોર્પોરેટર બનેલા દિનેશ કુશવાહને ટિકિટ આપવામાં આવી છે. તેમને જગરૂપસિંહના સ્થાને સમાવવામાં આવ્યા છે. કુશવાહા 2021માં સરસપુર-રખિયાલ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જ્યારે દરિયાપુરમાંથી ઉમેદવાર જાહેર કરાયેલા કૌશિક જૈન પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. જૈન હાલમાં અમદાવાદ શહેર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે અને ગુજરાત યુનિવર્સિટી સેનેટ મેમ્બર પણ છે. એક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ હતો ત્યારે કૌશિક જૈન પરિવાર સાથે તેમને મળ્યા હતા.

અમદાવાદમાં 3, રાજકોટમાં 2, સુરત-વડોદરામાં 1 મહિલાને ટિકિટ
ભાજપે આ વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે જ અમદાવાદમાં ગત વખતે જ્યાં એકેય મહિલાને ટિકિટ નહોતી મળી ત્યાં આ વખતે 3 મહિલાને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ 2 મહિલાને ઉમેદવારી અપાઈ છે. જ્યારે સુરત અને વડોદરા શહેરની ટિકિટ ફાળવણીમાં એક-એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે.

જગદીશ પંચાલની ફાઈલ તસવીર
જગદીશ પંચાલની ફાઈલ તસવીર

ઉત્તર ગુજરાતમાં ચૌધરી-ઓબીસીનું બેલેન્સ કર્યું
ગત ચૂંટણીમાં ભાજપ માટે ઉત્તર ગુજરાતમાં મોટી પછડાટ જોવા મળી હતી. અહીં પાટીદાર આંદોલન ભાજપને ખૂબ નડી ગયું હતું અને સામે ચૌધરી તથા ઓબીસી પણ ભાજપથી નારાજ હતા. આ સ્થિતિમાં ભાજપે એ ભૂલ પરથી બોધપાઠ લઈને પ્રતિષ્ઠિત તેમજ ચૌધરી-ઓબીસીનું વ્યવસ્થિત સમીકરણ ગોઠવનારા ઉમેદવારોને સિલેક્ટ કર્યા છે. બનાસકાંઠામાં તો વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર એમ સાતેય બેઠક પર ઉમેદવાર બદલી નાંખ્યા છે. જ્યારે સિદ્ધપુરમાં બળવંતસિંહને અને ઊંઝાથી કિરીટ પટેલને ટિકિટ આપી છે.

સાબરકાંઠામાં રમણલાલ ઈઝ બેક.. કોટવાલની મહેનત ફળી
સાબરકાંઠામાં પણ મતદારોનાં અલગ સમીકરણો બેસે છે. ગત ચૂંટણીમાં રમણલાલ વોરાને ઈડરથી ખસેડવાની જે ભાજપે ભૂલ કરી હતી તેને આ ચૂંટણીમાં સુધારી લીધી છે. આ ઉપરાંત અશ્વિન કોટવાલને ખેડબ્રહ્મામાં સાચવી લેવામાં આવ્યા છે. જ્યારે પી સી બરંડા અને ભીખુભાઈ પરમારને યથાવત્ રાખીને ભાજપે જ્ઞાતિનાં સમીકરણો સાચવી લીધાં છે. પ્રાંતિજમાં પણ ગજેન્દ્રસિંહ યથાવત્ છે. રમણલાલ વોરા ઈડર ઉપરાંત આસપાસની ત્રણેક બેઠકો ઉપર પણ સારો પ્રભાવ પાડશે તેવું લાગી રહ્યું છે.

રિવાબા જાડેજાની ફાઈલ તસવીર
રિવાબા જાડેજાની ફાઈલ તસવીર

સૌરાષ્ટ્રમાં જૂનાજોગીઓ ઘરભેગા, નવા ચહેરાને સ્થાન
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચેહરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. ભાજપે વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી ભાજપે આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. આમાં ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને આ વખતે સાચવી લેતા ટિકિટ આપી છે. જામનગરમાં રિવાબા જેવો યંગ ચહેરો લાવીને ભાજપે પૂનમ માડમને પણ સાચવી લીધા છે.

કોંગ્રેસમાંથી આવેલાના પણ સૌરાષ્ટ્રમાં સાચવ્યા
સૌરાષ્ટ્રમાં પક્ષપલટો કરનારા કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપીને બેઠકો સિક્યોર કરી છે. આમાં કુંવરજીભાઈ બાવળિયા, જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. અહીં તો જૂના જોગીઓ નારાજ ન થાય તે માટે પહેલેથી જ તેમની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હતા. આ જૂનાજોગીઓને જ નવા ચહેરાઓને જિતાડવાની જવાબદારી પણ સોંપી છે. તો મોરબીમાં મોટી હોનારત થઈ તેનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને મંત્રી કક્ષાના ઉમેદવારને કાપી નાખ્યા છે.

પાયલ કુકરાણીની ફાઈલ તસવીર
પાયલ કુકરાણીની ફાઈલ તસવીર

દક્ષિણ ગુજરાતમાં ભાજપનો જીતનો મંત્ર, 'રિપીટ'
દક્ષિણ ગુજરાતમાં ભાજપે મોટાભાગની સીટો પર રિપીટની થિયરી અપનાવી છે. સુરતની 11 બેઠકો જાહેર થઈ છે જેમાં ઉધનાને બાદ કરતાં તમામ 10 બેઠકો પર ગત વખતના ઉમેદવારોને રિપીટ કરાયા છે. હવે આ રિપીટ થિયરીને કારણે પાટીદાર મતવિસ્તારોમાં ભાજપને કેટલો લાભ થશે તેના પર બધાની નજર છે. વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર રિપીટ કરાયા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપીટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠકો ઉપર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે.

સુરત સિટીમાં APP સામે જોખમ લેવાનું ટાળ્યું
સુરતમાં પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ મેદાનમાં ઊતર્યા અને આમ આદમી પાર્ટી (APP) સક્રિય હતી. આ જોતા કુમાર કાનાણી સહિતના પાટીદાર નેતાઓની ટિકિટ કાપવાનું જોખમ ભાજપે ના લીધું. કારણ કે કુમાર કાનાણી જેવા નેતા જ અલ્પેશ કથીરિયાની ટીમને ટક્કર આપી શકે તેમ છે. આ રીતે જ સુરતની અન્ય બેઠકો પર પ્રવીણભાઇ ઘોઘારી, સંગીતા પાટીલ,
હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, પુર્ણેશ મોદીને જાળવી રાખવામાં આવ્યા છે.

બાબુ જમના પટેલની ફાઈલ તસવીર
બાબુ જમના પટેલની ફાઈલ તસવીર

આદિવાસી પટ્ટામાં ભાજપે સેફ ગેમ રમી ટિકિટ આપી
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પણ ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે અને રિપીટ કર્યા છે. વલસાડ બેઠક ઉપર ગત ચૂંટણીમાં સારા એવા માર્જિનથી જીત્યા હોવાને કારણે અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. જો કે આ ઉમેદવારોની સ્થાનિક સ્તરે પકડ સારી હોવાને કારણે ભાજપને લાભ થઈ શકે છે.

મધ્ય ગુજરાતમાં ઘણાં મોટાં માથાં કપાયાં, ઘણાં બચ્યાં
વડોદરા શહેરની બેઠક ઉપર મંત્રી મનિષા વકીલ સામે સ્થાનિક કાર્યકરોનો પ્રચંડ વિરોધ હતો છતાં રિપીટ કરાયા. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું રાવપુરામાંથી કપાઈ ગયું. આ રીતે જ સાવલીમાંથી કેતન ઈનામદારને રિપીટ કર્યા તો વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ. કરજણમાં કોંગ્રેસી ગોત્રના અક્ષય પટેલને પક્ષપલટો કરવાના ઈનામરૂપે ટિકિટ અપાઈ છે. મધુ શ્રીવાસ્તવ અને રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઈ એ સહુ કોઈ માટે આશ્ચર્યજનક ઘટના હતી. અકોટા બેઠક પર સીમા મોહિલેની ટિકિટ કાપીને જૂના સંઘી સ્વ. મકરંદ દેસાઈના પુત્ર ચૈતન્ય દેસાઈને ટિકિટ અપાઈ છે.

દર્શનાબેન વાઘેલાની ફાઈલ તસવીર
દર્શનાબેન વાઘેલાની ફાઈલ તસવીર

વાઘોડિયામાં અશ્વિન પટેલની સરપ્રાઈઝ એન્ટ્રી
વડોદરા જિલ્લાની પાંચ બેઠકોની વાત કરીએ તો વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવને કાપવા એ ભાજપનો બોલ્ડ નિર્ણય છે. છેલ્લી 6 ટર્મથી ચૂંટાતા આવેલા મધુ શ્રીવાસ્તવ અત્યાર સુધી ઘણી વાર કહી ચૂક્યા છે કે ટિકિટ તો તેમને જ મળવાની છે. પરંતુ તાલુકાના મતદારોનો ભારે વિરોધ હોવાના કારણે તેમની ટિકિટ કપાઈ છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ અપાઈ છે. ગત વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક ઉપર અપક્ષ તરીકે મજબૂત ઉમેદવાર મનાય છે. હવે મધુ શ્રીવાસ્તવને કાપીને ભાજપે તાલુકામાં અપરિચિત એવા અશ્વિન પટેલને ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...