નોનવેજની લારીઓ પર પ્રતિબંધ:આવા મુદ્દા લાવીને ભાજપ મોંઘવારી-બેરોજગારીથી ધ્યાન ભટકાવવા માગે છે: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમિત ચાવડાની તસવીર - Divya Bhaskar
અમિત ચાવડાની તસવીર
  • કોંગ્રેસ 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મંદી-મોંઘવારી સામે જનજાગૃતિ અભિયાન કરશે
  • LRDમાં 10 હજારની જગ્યા માટે 12 લાખ લોકોએ અરજી કરી, જે બેરોજગારીનો દર બતાવે છે: કોંગ્રેસ

રાજ્યમાં રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપની સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું સાશન છે. મહાનગરોમાં ભાજપની સત્તા છે. સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે મોટી મોટી જાહેરાત આપે છે. રોજગારી ના મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે.

લારી-ગલ્લાવાળા પાસેથી હપ્તા ઉઘરાવાય છે: ચાવડા
તેમણે આગળ કહ્યું, ભાજપ માટે હપ્તા ખોરી ગૃહ ઉદ્યોગ છે. લારી-ગલ્લાવાળા પાસેથી મોટી સંખ્યામાં હપ્તા ઉઘરાવે છે. લોકો પાસેથી હપ્તા ઉઘરાવવા તેમને દબાવવામાં આવે છે. ભાજપના સાશનમાં ગુજરાતના મહાનગરોમાં કતલખાના કોની ભાગીદારી ચાલે છે. ગુજરાતના એક-એક વ્યક્તિ રોજગાર ઝંખે છે. આવા મુદ્દાને લાવીને ભાજપ મોંઘવારી-બેરોજગારીના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગે છે.

'ભાજપના શાસનમાં મંદી-મોંઘવારીનો માર'
તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપના પ્રજા વિરોધી શાસનના કારણે મંદી-મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે. 2014માં મોંઘવારીના નામે સૂત્રો આપવામાં આવ્યા હતા. પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 ને આંબી ગયો છે. ડિઝલમાં 824 ટકા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરાયો છે. 2014ની સરખામણીએ પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કરાયો છે. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવવાના વાયદા સામે 7 વર્ષ થયાં તેમ છતાં મોંઘવારી વધી છે.

'1 વર્ષમાં 8 હજારથી વધુએ આપઘાત કર્યો'
અમિત ચાવડાએ કહ્યું, UPAની સરકારમાં રૂ.71ની કિંમતે પેટ્રોલ મળતું હતું. 1 વર્ષમાં 8 હજારથી વધારે લોકો એ આત્મહત્યા કરી છે. સરકાર લોકોને સારું જીવન આપી શકી નથી. 1 વર્ષમાં ગુજરાતમાં 15 લાખ ગરીબો વધ્યા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં બેરોજગારી છે. ભરતીના નામે જાહેરાત થાય છે. LRDમાં 10 હજારની જગ્યા માટે 12 લાખ લોકોએ અરજી કરી, જે બેરોજગારીનો દર બતાવે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે ડ્રગ્સની બદી ગુજરાતમાં વધી છે. ગુજરાતના દરિયાકાંઠાથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, અને દરેક શહેરોમાં ડ્રગ્સ પહોંચે તે પ્રકારનું નેટવર્ક ચાલે છે.

કોંગ્રેસ જનજાગૃતિ અભિયાન કરશે
કોંગ્રેસ 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મંદી-મોંઘવારી સામે જનજાગૃતિ અભિયાન કરશે. જેમાં ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરાશે તથા સ્થાનિક લોકો પાસે જઈને પરિવારને શું તકલીફ છે તે જાણવામાં આવશે. આ માટે 52 હજાર જેટલા બુથ પર કોંગ્રેસના કાર્યકર્તા જશે. તમામ ધારાસભ્યો-સાંસદ સભ્યો અને મંત્રીઓના ઘરે જઈને કોંગ્રેસ આવેદન પત્ર આપશે.

ગુજરાતમાં ડ્રગ્સ મળવા મુદ્દે સરકાર પર પ્રહાર
ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ નિવેદન આપતા કહ્યું કે, મુંબઈના કેસને લઈને NCPના નેતા એ આક્ષેપો કર્યા છે તે દર્શાવે છે ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ખુલ્લું મેદાન બન્યું છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતા કેન્દ્રની એજન્સીની કામગીરી એ રાષ્ટ્રીય સલામતી માટે પ્રશ્નાર્થ બની છે. ડ્રગ્સ મામલે મનસુખ માંડવીયા ગુજરાતના કેબીનેટ મંત્રીઓ સામે આક્ષેપ થયા, તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ભાજપે સિસ્ટમ વિકસાવી છે તેમાં આખી પાર્ટી અસામાજિક તત્વો અને દલાલોનું આશ્રય સ્થાન બની છે. અફઘાનીસ્થાનથી ડ્રગ્સ આયાત થાય છે, ગુજરાતમાં રીપેકીંગ થાય અને ત્યાર બાદ નેપાળ પહોંચે છે, ગુજરાત ડ્રગ્સમાફિયાનું સેન્ટર બન્યું છે. 1600 કિલોમીટરના દરિયા કિનારામાં 13 મરિન સ્ટેશન પર કર્મચારીઓ કોન્ટ્રાકટ પર છે. મરિન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કોન્ટ્રાકટ પદ્ધતિ પર છે. તો હવે દેશની સુરક્ષા કોન્ટ્રાકટ પર થશે તે સવાલ છે.