અમદાવાદમાં છેતરપિંડીના ગુનાઓમાં વધારો થયો છે. અનેક લોકો પાસે રોકાણ કરાવાના બહાને રૂપિયા પડાવી ઠગાઈ આચરનારા લોકો ફરાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરમાં આઈટી સોફ્ટવેરનો વેપાર કરતા વેપારીને વિદેશમાં મળેલા પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું કહીને એક શખસ 28.88 કરોડ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. ત્યારબાદ કામ નહીં આપીને તે ફરાર થઈ ગયો હતો. વેપારીએ આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભાગીદારીમાં સાયન્સ સિટી વિસ્તારમાં સોફ્ટવેરનો બિઝનેસ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભાગીદારીમાં આઈટી સોફ્ટવેરનો વેપાર કરતાં વેપારી અમિત માંડવીયા ચાર ભાગીદારો સાથે એક આઈટી સોફ્ટવેરનો વેપાર કરે છે. તેમના ભાગીદારોમાં કૈશાલ ચૌહાણ, અપૂર્વ જગાત્યા, હર્ષ પટેલ અને કુશલ પટેલ છે. 2021માં તેમના મિત્ર પ્રદિપ પરમાર, હાર્દિક પરીખ, સૌરિન દેસાઈએ તેમની ઓળખાણ સુરતના સાવન ઠાકરશીભાઈ ખેની સાથે કરાવી હતી. આ સાવન ખેની સુરતમાં યશ વર્લ્ડ નામની ફર્મમાં સોફ્ટવેર અને જનરલ ટ્રેડિંગ અને એક્સપોર્ટ ઈમ્પોર્ટનો વેપાર ધંધો કરે છે.
બે ભાગમાં ઈન્વેસ્ટ કરવા લલચાવ્યા
સાવન ખેની સાથે અમિત માંડવિયાની અવારનવાર વાતચીત થતી હતી. તેણે અમિતભાઈને કહ્યું હતું કે, વિદેશમાં એક આઈટી પ્રોજેક્ટનું કામ મળ્યું છે. જો તમે રોકાણ કરશો, તો 30 ટકા નફો મળશે. અમિતભાઈએ તેને કહ્યું હતું કે, કેટલું રોકાણ કરવું પડશે. ત્યારે સાવન ખેનીએ કહ્યું હતું કે, 28.87 કરોડ રૂપિયા રોકવા પડશે. આ રકમ સાંભળીને અમિતભાઈએ કહ્યું હતું કે, આટલી રકમ મારી પાસે નથી. ત્યારે સાવને કહ્યું હતું કે, બે ભાગમાં ઈન્વેસ્ટ કરજો.
સાવન ખેનીની સ્કીમમાં રોકાણ
સાવનની વાત સાંભળીને અમિતભાઈએ તેમના ભાગીદારો સાથે આ વાત કરી હતી. બધા ભાગીદારોએ સંમતિ આપતાં સાવન ખેનીની સ્કીમમાં રોકાણ કરવા તૈયાર થયાં હતાં. નવેમ્બર 2022માં હાર્દિક પરીખ સાથે સાવન ખેનીની ઓફિસ ખાતે ગયાં હતાં. ઓફિસમાં સાવનના પિતા ઠાકરશીભાઈ તથા પરિવારના સભ્યો હાજર હતાં, તે વખતે પણ આ પ્રોજેક્ટ પર વાત થયેલી હતી. તેમણે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેવી બાંહેધરી આપી હતી. ત્યારબાદ અમિતભાઈએ પૈસા ભરીને રોકાણ કર્યું હતું.
ખેનીએ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી
સાવન ખેનીએ પૈસા ટ્રાન્સફર થયા બાદ સોફ્ટવેર ડેવલોપમેન્ટનું કામ ચાલુ કરવા અમિતભાઈએ અનેક ફોન કર્યાં હતાં, પણ તેને એક પણ ફોન રિસિવ કર્યો નહોતો. અમિતભાઈ રૂબરૂ સાવનની ઓફિસે ગયાં તો ત્યાં પણ તે મળ્યો નહતો. પરંતુ તેમને સુરતમાંથી જ જાણવા મળ્યું હતું કે, આ સાવન ખેની અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. ત્યારબાદ તેણે કોઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં પૈસા જમા કરાવ્યા હોવાની માહિતી મળી હતી. જેથી અમિતભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે સાવન ખેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.