અમદાવાદમાં અનેકવાર લેડીઝ પાર્લરમાં ચાલતા સેક્સ રેકેટ ઝડપાયા છે. ત્યારે હવે કેટલાક ભેજાબાજો ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને લૂંટી રહ્યા છે. એવો જ એક કેસ અમદાવાદમાં બન્યો છે જેમાં એક યુવકને છોકરીઓ સાથે સેટીંગ, મીટિંગ અને શારિરીક સંબંધ બાંધવાની લાલચ આપી 7 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. જેની ફરિયાદ અમદાવાદ સાઈબર ક્રાઈમમાં નોંધાતા ટીમે તાત્કાલિક એક્શન લઈ બટી-બબલીને ઝડપી પાડ્યા છે.
છોકરીઓ સાથે સેટીંગ, મિટિંગના નામે અનેકને છેતર્યા
સમગ્ર મામલે નજર કરીએ તો, એક બંટી-બબલીની જોડી ફેસબુક પર ફેક આઈડી બનાવી લોકોને છોકરી સાથે મિત્રતા કરાવવાની લાલચ આપી પૈસા પડાવતા હતા. જેમા અમદાવાદનો એક વ્યક્તિ ફસાયો હતો. ભેજાબાજે પ્રિયંકા પટેલ નામથી ફેક આઈડી બનાવી યુવક સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. થોડો સમય ચેટિંગ કર્યા બાદ પ્રિયંકાએ યુવકને પોતે એસ્કોટ કંપની ચલાવે છે અને છોકરીઓ સાથે સેટીંગ, મિટિંગ અને સંબંધ બનાવી પૈસા કમાવવાની ઓફર કરી હતી. યુવક સાથે મીઠી મીઠી વાતો કરી તેને આ કામ માટે મનાવી લીધો હતો.
પૈસા આપ્યા બાદ પણ કોઈ યુવતી સાથે સંપર્ક ન કરાવ્યો
ત્યારબાદ યુવક પાસે પ્રોસેસિંગ ફીના ભાગરૂપે 500 રૂપિયા ભરાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ તારીખે લેડીઝ સાથે મિટિંગ તેમજ સંબંધ બાંધવા માટે હોટલ રૂમનું ભાડું પણ ભરાવ્યું હતું. હીના પટેલ તેમજ સ્વેતા શાહ નામની મહિલાઓ સાથે મિટિંગ કરાવવા માટે યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. અલગ-અલગ નંબરો પરથી ફોન કરી યુવક સાથે વાતચીત કરી અને ફોન પે તેમજ બેંક એકાઉન્ટ આપી રૂપિયા 7 લાખ 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પૈસા આપ્યા બાદ પણ કોઈ યુવતી સાથે સંપર્ક ન કરાવતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને તેણે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અનેક કંપનીઓના ક્રેડિટ-ડેબિટ કાર્ડ જપ્ત કર્યા
અમદાવાદ સાઈબર ક્રાઈમે ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી અને ગણતરીના સમયમાં જ યુવક અને યુવતીની ધરપકડ પણ કરી લીધી હતી. સાથે જ તેઓ પાસેથી 3 ફોન તેમજ અનેક કંપનીઓના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ ચેક બૂક, આધાર કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. પુછપરછમાં સામે આવ્યું કે, આ બંને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ આઈડીઓ બનાવી અનેક લોકોને લૂંટી ચુક્યા છે.
FB પર અનેક ખોટાં નામે આઈડી બનાવ્યા
પોલીસે ઝડપેલા બંટી બબલીએ ફેસબુક પર સેજલ પટેલ, સ્નેહા પ્રજાપતિ, વડોદરા કિંગ, સેજલ રામચંદ્રાની, આકાશ લાલવાણી, હીના પટેલ, ગૌરી શાહ, જૈન વંદના નામની નકલી ફેસબુક પ્રોફાઈલ આઈડીઓ બનાવ્યા હતા. આવા કોઈ આઈડીથી સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી ભોગ બન્યા હોય તેવા લોકોને સાયબર પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.