• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bully Of Naroda BJP Corporator, Broke Into Community Health Center And Grabbed Female Medical Officer's Mouth And Forced Her To Drink Water

ભાસ્કર એક્સક્લૂઝિવ:નરોડા ભાજપના કોર્પોરેટરની દાદાગીરી, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઘૂસી જઈ મહિલા મેડિકલ ઓફિસરનું મોઢું પકડી જબરદસ્તી પાણી પીવડાવ્યું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સત્તાનો નશો - પરિચિત સાથે બોલાચાલી થતાં કોર્પોરેટર દોડી આવ્યા, મહિલા ઓફિસરની પોલીસ ફરિયાદ

નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ નરોડાના મુઠિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરી હોવાની ઈ-પોલીસ ફરિયાદ થઈ છે. સોમભાઈએ મહિલા મેડિકલ ઓફિસરનું મોઢું પકડી જબરદસ્તી પાણી પીવડાવ્યું હતું અને આગળ કોઈને ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી.

આરોગ્ય અધિકારી પાસે પહોંચી ધક્કામુક્કી કરવાની શરૂઆત કરી
બુધવાર સાંજે બનેલી આ ઘટનાની ગુરુવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે તેમજ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને લેખિત ફરિયાદ કરાઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે બુધવારે વિપુલ પટેલના સગાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. ત્યાં જરૂરી રિપોર્ટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ દરમિયાનમાં સગાંને મહિલા મેડિકલ ઓફિસર સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કોર્પોરેટર વિપુલ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલા આરોગ્ય અધિકારી પાસે પહોંચી ધક્કામુક્કી કરવાની શરૂઆત કરી હતી.

કર્મચારીઓને પણ માર મારવાની ધમકી આપી હતી
તેઓ પોતાની સાથે ભાજપના કાર્યકર્તાઓને પણ લઈને આવ્યા હતા. બીજી તરફ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ભેગો થઈ ગયો હતો. વિપુલ પટેલે આરોગ્ય અધિકારીની નજીક પહોંચી તેમનું મોઢું પકડી લીધું હતું અને જબરદસ્તી પાણી પીવડાવી કહ્યું કે, આ વાત અહીંથી આગળ જવી જોઈએ નહીં. તેમણે આરોગ્ય કેન્દ્રના અન્ય કર્મચારીઓને પણ માર મારવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદમાં વિપુલ પટેલ સહિત બોડા દરબાર, લવ ભરવાડના માતા કૈલાસબેન ભરવાડ અને પત્ની મનીષા ભરવાડનો પણ ઉલ્લેખ કરાયો છે.

ભાજપના મહિલા કાર્યકર્તાઓએ સંગઠનમાં ફરિયાદ
વિપુલ પટેલે અગાઉ મહિલા સુપરિન્ટેન્ડન્ટને પણ પરેશાન કર્યાની ફરિયાદ થઈ હતી. વિપુલ પટેલ વિરૂદ્ધ ભાજપના મહિલા કાર્યકર્તાઓએ સંગઠનમાં ફરિયાદ કરી હતી. અગાઉ પણ આરોગ્ય કેન્દ્રમાં વિપુલ પટેલ વખતોવખત આવીને કલાકો સુધી બેસી રહેતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જે મામલે ઠપકો પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોર્પોરેટર દોષિત હશે તો સસ્પેન્શન સુધીના પગલાં
કોર્પોરેટરનું આવું કૃત્ય ચલાવી લેવાય નહીં. હાલ હું બહારગામ છું. ડૉક્ટર અને કોર્પોરેટર બંનેને સાંભળી ન્યાયિક નિર્ણય કરાશે. કોર્પોરેટર કસૂરવાર ઠરશે તો ચોક્કસથી સસ્પેન્શન સુધીના પગલા લેવા પડશે તો લઈશું. - ધર્મેન્દ્ર શાહ, મ્યુનિ.ના પ્રભારી

કોઈપણ સંજોગોમાં ગેરવર્તણૂક ચલાવાય નહીં
કોર્પોરેટરની મહિલા સાથેની ગેરવર્તણૂંક ચલાવી લેવાય નહીં. શિક્ષાત્મક પગલા લેવાશે. - હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

(આ બાબતે કોર્પોરેટર વિપુલ પટેલનો ફોન પર સંપર્ક કર્યો હતો, તેમણે એવી કોઈ ઘટના બની જ નથી તેમ જણાવ્યું છે.)

અન્ય સમાચારો પણ છે...