ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેને 141 જમીનમાલિકોને કરોડપતિ બનાવ્યા, મહારાષ્ટ્રમાં 25 ટકા જમીન સંપાદન કામગીરી બાકી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન સંપાદન માટે ગુજરાતમાં 5,707, મહારાષ્ટ્રમાં 2,110 કરોડ ચૂકવાયા, અમદાવાદના 10 ગામોના જમીન-મકાન માલિકોને વળતરની ચૂકવણી થઈ
  • અમદાવાદમાં 28 કિમી જમીનસંપાદન માટે 141 જમીનમાલિકો, 214 મકાનમાલિકોને 1108 કરોડ ચૂકવાયા
  • ગુજરાતમાં 351 કિમીના સ્ટ્રેચમાં બુલેટ ટ્રેનના બે ટ્રેક બનશે, 320 કિમી પ્રતિ કલાકની ઓપરેશનલ સ્પીડ નક્કી કરાઈ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં હજી અંદાજે 25 ટકા જમીન સંપાદન બાકી છે. અમદાવાદ શહેર-જિલ્લામાં બુલેટ ટ્રેન માટેની 28.273 કિ.મી. માટે જમીન સંપાદન પાછળ 1108 કરોડ ખર્ચ થયો છે. આમાંથી 214 મકાન માલિકોને 21.31 કરોડ અને 141 જમીન માલિકોને 1086.69 કરોડ ચૂકવાયા છે.

અનેક એજન્સીઓ જમીન સંપાદનના કામે લાગી
આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ થતાં કેન્દ્રની સાથે રાજ્ય સરકારને પણ રાહત થઇ છે. જ્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પ્રક્રિયા પૂરી થાય તે માટે રેલવે કોર્પોરેશન સહિત અન્ય એજન્સીઓને કામે લગાડવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 154.76 કિમી હિસ્સો મહારાષ્ટ્રમાં આવેલો છે જ્યારે કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં 2 કિમી તથા ગુજરાતમાં 351 કિમી છે. ગુજરાતના 351 કિમીના સ્ટ્રેચમાં બુલેટ ટ્રેન માટે બે ટ્રેક બનશે. આ પૈકી અમદાવાદ જિલ્લામાં તેની લંબાઇ 28.273 કિ.મી.ની છે. જે માટે કુલ 47.55 હેક્ટર જમીન સંપાદિત કરવામાંમ આવી છે.

ગુજરાતમાં 5,707 કરોડ ચૂકવાયા
જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અમલવારી માટે જરૂરી જમીન પૈકી કુલ 10 ગામો બારેજડી, દેવડી, ગેરતપુર, રોપડા, વિઝોંલ, અસારવા, શાહીબાગ (દરિયાપુર-કાઝીપુર), સાબરમતી (અચેર), કાળી અને ચેનપુર ગામોની કુલ 141 જમીનના પ્લોટની 27.15 હેક્ટર ખાનગી જમીન નવો જમીન સંપાદન કાયદો, 2013 નીચે સંપાદન કરવામાં આવી છે. જેમાં મકાન, દુકાન વિગેરે મળી કુલ 214 અસરગ્રસ્ત કુટુંબોને ચૂકવાયેલી 21.31 કરોડનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 5,707 અને મહારાષ્ટ્રમાં 2,110 કરોડ ચુકવાયા છે.

પ્રોજેક્ટમાં સમગ્ર જિલ્લાના ત્રણ સેક્શનમાં સમાવિષ્ટ વિસ્તારો
અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સી-6,સી-7 અને સી-8 સેક્શન આવેલા છે. સી-6 સેક્શનમાં ગ્રામ્ય વિસ્તારના બારેજડી, દેવડી, ગેરતપૂર, અને રોપડા ગામોની જમીનો આવેલી છે. સી-7 સેક્શનમાં શહેરના વિઝોંલ, વટવા, ઘોડાસર, મણીનગર, ખોખરા, સારંગપુર, કાલુપુર, અસારવા, શાહીબાગ અને સાબરમતી વિસ્તારો છે. જ્યારે સી-8 સેકશનમાં કાળી અને ચેનપુરની જમીનોમાં અમલમાં મુકાવનાર મેઇન્ટેઇન્સ ડેપોનો સમાવેશ થાય છે.

બુલેટ ટ્રેન 320 કિમી/કલાકની ઝડપે દોડશે

  • અમદાવાદથી મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 12 સ્ટેશનો, ઓપરેશનલ સ્પીડ 320 કિ.મી.પ્રતિ કલાકની નિયત કરાઇ છે
  • સવારના 6થી રાતના 12 વાગ્યા સુધીમાં પીક અવર્સ દરમિયાન દર 20 મિનિટે અને નોન પીક અવર્સ દરમિયાન દર 30 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે
  • પ્રોજેક્ટ માટે બાંધકામ નિભાવ, સંચાલન અને વહીવટની કામગીરી નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. (ભારત સરકાર અને સહભાગી રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ) દ્વારા કરાય છે.
  • અત્યાર સુધીમાં ગુજરાતમાં જમીન સંપાદન માટે 5,707 અને મહારાષ્ટ્રમાં 2,110 કરોડ ચુકવાયા છે.

વાપી, બીલીમોરા, ભરૂચ સ્ટેશન 2024 સુધીમાં તૈયાર થશે
હાલમાં જ સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સુરત સ્ટેશનની ડિઝાઇન જારી કરી હતી. સુરત ઉપરાંત વાપી, બીલીમોરા અને ભરૂચ સ્ટેશન ખાતે પણ સ્ટોપેજ હશે. આ સ્ટેશનો ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર કરવાનું ટાર્ગેટ છે.

મેઇન્ટેનન્સ ડેપો કાળી ચેનપુર ગામે બનશે
કાળી અને ચેનપુરગામે 83 હેકટર જમીનમાં મેઇન્ટેન્સ ડેપો બનશે. જેમાં 13.12 હેક્ટર ખાનગી માલિકીની સંપાદિત થઈ છે. બાકીની જમીન રેલવેની માલિકની છે.

અમદાવાદમાં 97% જમીનનો કબજો સોંપાયો
અમદાવાદ શહેરમા જમીન ઉપલબ્ધ કરવાની કામગીરી જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ પૂર્ણ કરાઇ છે. આ સ્ટ્રેચમાં આવતી 97.35 ટકા જમીનનો કબજો નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનને સુપરત કરાયો છે.

અમદાવાદમાં 3 કેસ, નિરાકરણ આવ્યું
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કુલ ત્રણ કોર્ટ કેસ થયા છે, જેમાં અસારવામાં 2 કેસ અને સાબરમતીના અચેરમાં એક કેસ થયો હતો. ત્રણે કેસમાં નિરાકરણ આવી ગયું છે.