અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. તેમજ કેટલીક મિલકતો અને જમીનો પર પણ કબજો જમાવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં DCP ઝોન-7 વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોએ ગેરકાયદે જમીન પચાવીને ત્યાં દબાણો ઉભા કર્યાં છે. તે ઉપરાંત ગેરકાયદે બાંધકામો પણ કર્યાં છે. જેની સામે પોલીસે લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે. પોલીસે શહેરમાં 20 કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવીને ખાલી કરાવી નાંખી છે.
20 કરોડની કિંમતની પ્રોપર્ટી તોડી પાડવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં DCP ઝોન-7ના અધિકારી પ્રેમસુખ ડેલુએ AMC સાથે રહીને ગત 4 તારીખથી આવી ગેરકાયદે ઉભી કરાયેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. જેમાં 2004થી ભુમાફિયાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોનો કબજો હતો. પોલીસે શહેરના કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની ગેરકાયદે ચાર દુકાનો તથા એક ઓફિસ તોડી પાડી છે. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.
કુખ્યાત બકુ ખાનના પ્રોપર્ટી પર બુલડોઝર ફરી વળ્યા
અમદાવાદ પોલીસ તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા. કુખ્યાત બકુ ખાન પર લોકોને ધાક ધમકી તથા ડરાવીને કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધાનો આરોપ છે. જેથી તેની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
B.U પરમીશન વિનાના એકમો સામે AMCની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બી.યુ પરમીશન વિનાના બાંધકામો વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1052 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 507 રૂમો, રેસ્ટોરાંના 66 યુનિટો, 30 સ્કૂલના 447 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2076 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.