ભાસ્કર વિશેષ:બિલ્ડરો હવે ફ્લેટ-સોસાયટીમાં ફેસ્ટિવલ હોમ પણ બનાવી આપશે: ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
 ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી - Divya Bhaskar
 ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી
  • પરિવર્તન આવશે જેમાં ભૂતકાળનું પુનરાવર્તન થશે , ટેક્નોલોજી પશ્ચિમી સંસ્કૃતિની હશે પણ જીવનશૈલી ભારતીય પરંપરા અનુસારની હશે
  • જોઈન્ટ ફેમિલી આપણો વારસો છે, વેકેશનમાં બાળકોને દાદા-દાદી પાસે લઇ જવાની, ગામડે જવાની પ્રથા આવનારા સમયમાં વધુ દૃઢ થતી જશે

BAPS સ્વામિનારાયણ સંસ્થાના મોટિવેશનલ સ્પીકર ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે,સનાતન ધર્મ તો હજુ સોળે કળાએ ખીલશે. અત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય સમાજની એક વાસ્તવિક પરિસ્થિતિમાં નેગેટિવિટી જોઈએ છીએ ત્યારે કે આ પેઢી ક્યાં જઈને અટકશે. આવતા 10 વર્ષ પછી સમાજનું ચિત્ર શું હશે? 2031માં ધર્મનું સ્થાન ક્યાં હશે? આપણી સંસ્કૃતિ, આપણો વારસો આજની આ યુવા પેઢી જીવંત રાખશે કે નહીં આવા અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. પણ સમાજનું બીજું ચિત્ર પણ આપણને સ્પષ્ટ જણાય છે કે આજના યુવાનો જ્યારે વિજ્ઞાને કહેલી બધી વાત માને છે અને વિજ્ઞાન દ્વારા જ બધી વાતને સ્વીકારવાની અનુમતિ આપે છે ત્યારે વધારેને વધારે આપણને એ વાત સ્પષ્ટ થતી જાય છે કે વિજ્ઞાન એ ધાર્મિક મૂલ્યો, શ્રદ્ધાઓને અને પરંપરાઓને સાબિત કરતું જાય છે.

આજથી 10 વર્ષ પછી એટલે કે 2031માં અત્યારે જે છે તેના કરતા પણ વધુ ધાર્મિક વાતાવરણ જોવા મળશે. હમણાં જ યેલ યુનિવર્સિટી અમેરિકામાં વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં, તેમના વારસામાં જે પરંપરાગત જે શાસ્ત્રો છે તેમાં યોગનું મહત્ત્વ ઘણું છે તેમ કહીને સુદર્શન ક્રિયાથી શું લાભ થાય છે તે વર્ણવવામાં આવ્યું. પછી જે સ્ટુડન્ટસને આ ક્રિયા શીખવી હોય તેના માટે એનરોલમેન્ટ શરૂ કર્યું. લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ શીખવા તત્પર થયા અને શીખ્યા. ત્રણ મહિના પછી તે 200 વિદ્યાર્થીઓને આ ક્રિયાના લાભ અને અનુભૂતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમારામાં આખો દિવસ પોઝિટિવ એનર્જી રહ્યા કરે છે, બીજું કે અમે પહેલા નાની-નાની વાતમાં મેન્ટલી ડિસ્ટર્બ થતા હવે નથી થતા એટલે કે માનસિક સ્થિરતા વધી. ત્રીજી વાત કરી કે ફોકસ અને એટેન્શન અભ્યાસ પ્રત્યે વધ્યું. આવી યુનિવર્સિટી દ્વારા આવા રિસર્ચ પ્રોગ્રામથી પણ ધર્મ, સંસ્કૃતિ અને વારસાની સ્પષ્ટતા થાય છે, તેના પ્રત્યે પ્રેમ થાય છે.

આવતા 10 વર્ષમાં 2031 સુધીમાં ચોક્કસ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધશે, ધર્મ પાલન માટેનું શક્તિબળ વધશે. અને ધર્મ થકી પરિવાર ખૂબ સુખી થશે. આ વાતની પ્રતીતિ દિનપ્રતિદિન વધતી જાય છે. સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તો પશ્ચિમ પાસેથી આપણે સાયન્સ અને ટેક્નોલોજી ગ્રહણ કરવાના છીએ પણ સામે આપણે આપણા સાંસ્કૃતિક વારસામાંથી જીવનશૈલી બરાબર શીખવાની છે. એટલે કે સાયન્સ, ટેક્નોલોજી એન્ડ વર્ક પ્રોસિજર્સ ફ્રોમ ધી વેસ્ટ અને લાઈફ સ્ટાઈલ ફ્રોમ ધી ઇસ્ટ આ બંનેના કોમ્બિનેશન સાથે આપણે ચાલવાનું છે. આજના યુવાનને આ વાતની પ્રતીતિ આવતી જાય છે એટલે આપણું ભાવિ ખૂબ ઉજ્જવળ છે. આપણો વારસો તો જોઈન્ટ ફેમિલીનો હતો પણ અત્યારે મોટા શહેરોમાં જગ્યાની મુશ્કેલી હોય, માતા-પિતાને મોટા શહેરોમાં રહેવાની અનુકૂળતા ન આવે, આવી બધી મુશ્કેલીઓને કારણે આપણે જોઈન્ટ ફેમિલીમાં નથી રહી શકતા પરંતુ એ આપણો વારસો છે. વેકેશનમાં બાળકોને દાદા-દાદી પાસે લઇ જવાની, ગામડે જવાની પ્રથા હજુ ચાલુ છે અને આવનારા સમયમાં વધુ દૃઢ થતી જશે.

અત્યારે તો પરિવારમાં દરેક વ્યક્તિઓ પોતપોતાના ગેજેટ્સ સાથે સંલગ્ન હોય એવું જોવા મળે છે. પણ આ ડિજિટલ ડિસીઝીઝ પણ બહાર આવવા માંડ્યા છે એટલે યુવાનોમાં તેનું જાણપણું તો આવવા લાગ્યું છે કે ડિજિટલનો વધુ ઉપયોગ કરીશું તો કદાચ માહિતી અને જ્ઞાન વધશે પણ સામે કુટેવો પણ વધશે, સુટેવો જવાની, સંસ્કારોનું ધોવાણ થવાનું અને ઘણા બધા શારીરિક અને માનસિક રોગ થવાના છે. ફેસબુક એડિક્શન ડિસઓર્ડર જેવા રોગો થતા જાય છે 15-18 વર્ષના દીકરા-દીકરીઓને અને હોસ્પિટલાઈઝ કરવા પડે છે, ડિપ્રેશનમાં રહે છે. આ બધી પણ વાસ્તવિકતા પણ સામે આવવા લાગી એટલે યુવાનો પણ આજે જાગૃત થતા હોય તેવું લાગે છે. ટૂંકમાં ધર્મ, સંસ્કૃતિ અને વારસાની દૃષ્ટિએ આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. 10 વર્ષમાં આમાં પણ વર્તમાન કરતા ઘણું સારું ચિત્ર જોવા મળશે.

ઉત્સવો પણ આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ. દીપોત્સવી પર્વ છે અને આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રત્યેક મનુષ્યને મનની મોકળાશ મળે, જીવનમાં રહેલી નીરસત ખંખેરાય જાય, ભાવનાની ભીનાશ વધે અને હતાશ હૈયામાં નવીન પ્રાણનો સંચાર થાય તે હેતુથી ઉત્સવની શૃંખલા પ્રયોજેલી છે. માણસ ઉત્સવ પ્રિય છે, આવતા દિવસોમાં ઉત્સવો પણ વધુ સિસ્ટમેટિક રીતે ઉજવાશે જેથી દરેક ઉત્સવમાં સર્વાંગી રીતે વ્યક્તિ અને સમાજને લાભ થાય. 70-80ના દાયકામાં માત્ર ફ્લેટ્સ બનતા બીજી કોઈ એમિનિટીઝ હતી નહીં, હવે સોસાયટીમાં કોમન પ્લોટ, ગાર્ડન, જિમ, સ્વિમિંગ પૂલ, પાર્કિંગ થવા લાગ્યા છે, તો ભવિષ્યમાં બિલ્ડર્સ અને ડેવલપર્સ ફેસ્ટિવલ કમ્પેટીબલ હોમ્સ પણ બનાવશે એટલે કે ઉત્સવ સારી રીતે ઉજવી શકાય તેવા ઘરો પણ બનાવશે. દા.ત. કોઈ સોસાયટીમાં 10 હાઈરાઈઝ ટાવર હોય તો તે તમામ ટાવરની ટેરેસ લિંક કરી અને સારી રીતે ગરબા રમાડી શકાય તેવું પણ આયોજન કરે. ભવિષ્યમાં ફેસ્ટિવલ કમ્પેટીબલ હોમ અને ફેસ્ટિવલ કમ્પેટીબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે. શહેરનો જ્યારે વિસ્તાર થાય ત્યારે પણ તેમાં તહેવારો ઉજવી શકાય તેવી જગ્યા રાખવાનું પણ આયોજન કરાશે.

આવતા દશકામાં એટલે કે 2031માં સમાજને વધુ સમૃદ્ધ બનાવવો હોય, શક્તિશાળી બનાવવો હોય તો TAAC ફોર્મ્યુલા T એટલે Tolerance, થોડું સહન કરી લેવું, વડીલો, મા-બાપ હોય, ઓફિસમાં બોસ હોય નમ્રતા-વિવેક રાખવો, થોડું મન મોટું રાખવું. પછી A એટલે Acceptance એટલે કે દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં છે તેણે પૂર્ણ રીતે સ્વીકાર કરવો, કે તે વ્યક્તિમાં કદાચ 70 ટકા સારી વાત છે, 30 ટકા કદાચ આપણને ન ગમતી હોય એવી વાત હોય છતાં એ વ્યક્તિ આપણા જીવનમાં છે, સંબંધની દૃષ્ટિએ, વ્યવહારની દૃષ્ટિએ તો એને પૂર્ણ રીતે સ્વીકારી લેવી. પછીનો A એટલે Adjustment and Compromise એટલે કે એડજસ્ટ થઇ જવું, કોઈનો વિચાર સ્વીકારવો, જેથી ફ્રેન્ડશિપ બોન્ડ સ્ટ્રોંગ થાય, ફેમિલી બોન્ડ સ્ટ્રોંગ થાય તે રીતે આપણે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.

કેન્દ્ર સરકારે પણ જે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અમલમાં મૂકી છે એમાં પણ આપણો ધાર્મિક, સાંસ્કૃતિક, સમાજિક વારસો જે આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યો છે તે સારી રીતે જળવાઈ રહે તે માટે નવી શિક્ષણનીતિમાં ખૂબ સુંદર પ્રયોજન છે. એટલે આવતો દશકો 2021થી 2031 સુધીમાં આપણે ભારતીય સમાજને વધુ સબળ, વધુ શક્તિશાળી, વધારે સમૃદ્ધ જોઈ જ રહ્યા છીએ કારણ કે, આપણા ધર્મ, સંસ્કૃતિનો વારસો જળવાઈ રહેવાનો છે.

અન્ય સમાચારો પણ છે...