ચુકાદો:અમદાવાદમાં બિલ્ડરે બીયુ વિના ફ્લેટ વેચતાં 2 ગ્રાહકને 21 લાખ વળતર ચૂકવવાનો આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગ્રાહક કમિશનનો લેન્ડમાર્ક ચુકાદો

ગોતામાં આવેલા સ્તવન પરિશ્રય નામની રહેણાક બિલ્ડિંગમાં ફલેટના વેચાણમાં કૌભાંડ આચરવાના કેસમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો સંભળાવ્યો છે. સંભવ ઇન્ફ્રાસ્ટ્રકચરના બિલ્ડરો મિહિર દેસાઈ અને તોષલ દેસાઈએ બે મહિલાઓને અન્ય લોકો કરતા વધુ ભાવે ફલેટ વેચાણ કરીને તેમને પઝેશન નહીં આપતા બંને મહિલાઓએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક કમિશને બિલ્ડરોને એક મહિલાને રૂ.8,43,000 અને બીજાને રૂ.6,80,425 વર્ષ 2016થી 12 ટકાના ચઢતા વ્યાજે ચૂકવવા આદેશ કર્યો છે. બીયુ પરમિશન વગરના ફલેટ વેચવાને કારણે 2 લાખ અને કાનૂની ખર્ચના 1,80,000 અલગથી ચૂકવવા આદેશ કર્યો છે. એટલુ જ નહી બિલ્ડરે વસૂલેલી વધારાની રકમ પરત આપવા આદેશ કર્યો છે.

ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કરેલી ફરિયાદમાં એવી રજૂઆત કરી હતી કે, બિલ્ડરોએ વર્ષ 2012માં સ્તવન પરિશ્રય નામની 412 ફલેટની સ્કીમ વેચાણ માટે મુકી હતી. ફલેટધારકોને બીયુ વગરના ફલેટ વેચ્યા હતા. તે પૈકી ફરિયાદી મહિલા વસંતીબેન પટેલ અને કૈલાસબેન ઉપાધ્યાયે ફરિયાદ કરી હતી કે, તેમની પાસેથી ફલેટના રૂ.21,43,000 વસૂલ્યા હતા.

પરતું ફલેટનું વેચાણ બીજા ગ્રાહકોને 13 લાખના સસ્તા ભાવે કરી દીધંુ હતું. દરેક ફલેટ એક સરખા ક્ષેત્રફળવાળા હોવા છતાં અન્યો પાસેથી 13 લાખ લીધા હતા. અને ફરિયાદી મહિલાઓ પાસેથી 21 લાખ લીધા હતા. બિલ્ડરે ફ્લેટ બીયુ પરમિશન વિના જ વેચી દીધા હતા. દરેક પાસેથી બીયુના નામે મોટી રકમ પણ ઉઘરાવી હતી.

412 ફ્લેટ BU વિના વેચી દીધા
ગોતા ચોકડી પાસે સ્તવન પરિશ્રયમાં 5 અને 9 માળના બહુમાળી ટાવર બનાવવામાં આવ્યા હતા. કોર્પોરેશનમાં પ્લાન અને નકશા મૂકીને રજાચિઠ્ઠી મેળવી હતી. કુલ 412 ફલેટનું વેચાણ બીયુ પરમિશન વગર કરી દીધુ હતું પરતું દરેક ગ્રાહક પાસેથી બીયુ પરમિશનના નામે રકમ ઉઘરાવી હતી.કોર્પોરેશન બેંકમાંથી 20 કરોડની લોન લીધી હતી. બી.યુ વગરના ફલેટ હોવાથી દરેક ફલેટ હોલ્ડર્સ સામે ડીઆરટીમાં કેસ થયા હતા. બ્રોશરમાં જણાવેલી સગવડો પણ ફલેટ ધારકોને આપી ન હોવાની ફરિયાદમાં રજૂઆત કરી હતી. કોર્ટે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરી હોવાનું અવલોકન કરીને બિલ્ડરોને તમામ દસ્તાવેજો ક્લિયર કરવા આદેશ કર્યો છે.
BU સાથે ફ્લેટનું પઝેશન સોંપવા હુકમ
ફરિયાદી મહિલાઓને કોર્પોરેશન બેન્ક સહિત કોઇ બીજો બોજો હોય તો તે દૂર કરીને પ્રોપર્ટીના તમામ જરૂરી દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો અને બીયુ પરમિશન સાથે ફલેટનું પઝેશન સોંપી દેવા ગ્રાહક કમિશનના પ્રિસાઇડિંગ મેમ્બર ડો. જે.જી. મેકવાને આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...