ઈસ્કોન ગ્રૂપના જયેશ કોટકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડરના વિક્રમ છગનભાઈ પટેલ અને ક્રિનેશ નટુભાઈ પટેલ સામે જમીનની લે વેચ મામલે 5.11 કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે વિક્રમ પટેલની ધરપકડ કરી છે અને અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
ઈસ્કોન ગ્રુપના જયેશ કોટકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિક્રમ પટેલ અને ક્રિનેશ પટેલે ગોધાવી ગામમાં આવેલી તેમની 22 હજાર વાર જગ્યા રૂ.39.20 કરોડમાં જયેશભાઈને વેચવાનું નક્કી કર્યુ હતુ, જ્યારે વિક્રમે સાસુની કેન્સરની સારવાર માટે પૈસાની જરૂર હોવાનું કહીને જયેશભાઈ પાસેથી જમીન પેટે રૂ.5 કરોડ લીધા હતા.
વિક્રમે રૂ 5 કરોડ લીધા બાદ આ ગોધાવીની જમીનના ટાઇટલ ક્લિયર કરીને બે મહિનામાં બિનખેતી કરાવીને ટાઈટલ ક્લિયરનું સર્ટિફિકેટ આપવાનું કહ્યું હતું પરંતુ ત્યારબાદ જમીન લખી આપી ન હતી, તેમજ પૈસા પણ પાછા આપ્યા ન હતા. જયેશભાઈની ફરિયાદના આધારે બોડકદેવ પીઆઈએ ગુરુવારે વિક્રમ છગનભાઈ પટેલની ધરપકડ કરી હતી આ સાથે અન્ય આરોપી ક્રિનેશ નટુભાઈ પટેલને પકડવા માટે તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.